નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. પહેલા આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના ધર્મશાળા સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે તે ઈન્દોરમાં રમાશે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આ મેચ ૧ માર્ચથી ૫ માર્ચ સુધી રમાશે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે હિમાચલ પ્રદેશમાં ખરાબ હવામાનને કારણે મેદાનમાં ઘાસ બરાબર ઊગ્યું નથી અને તેને સંપૂર્ણ રીતે ઊગવામાં સમય લાગશે. જેના કારણે હવે મેચ ઈન્દોરમાં રમાશે.
રવિવારે બીસીસીઆઈના ક્યુરેટર તાપશ ચેટર્જીના અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે ધર્મશાલા મેદાન પરનું આઉટફિલ્ડ આંતરરાષ્ટ્રીય મેચો માટે અયોગ્ય છે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ૧ થી ૫ માર્ચ દરમિયાન ધર્મશાળામાં રમાવાની હતી પરંતુ હવે તેને ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે. કડકડતી ઠંડી અને આઉટફિલ્ડ પર ઘાસના અભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતીય ટીમ છેલ્લી વખત ધર્મશાળામાં ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મેચ રમી હતી. આ મેદાન પર શ્રીલંકા સામે બે ટી-૨૦ મેચ રમાઈ હતી. આ પછી હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશને મેદાનમાં નવી ડ્રેનેજ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લીધો હતો.
ભારતે આ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં જીત મેળવી હતી તો હવે બીજી ટેસ્ટ મેચ ૧૭ ફેબ્રુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
આ પછી હવે સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ૧ થી ૫ માર્ચ દરમિયાન ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૯ થી ૧૩ માર્ચ દરમિયાન રમાશે. આ પછી ૧૭ માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા
વચ્ચે ૩ મેચની વનડે સીરિઝ પણ રમાવાની છે. (એજન્સી) ઉ