સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે તૈનામપેટ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ઐશ્વર્યાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તેમના ચેન્નાઈના ઘરના લોકરમાંથી દાગીના ગાયબ છે. કિંમતી સામાનની કિંમત 3.60 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2019માં તેમણે આ જ્વેલરીનો ઉપયોગ તેની બહેન સૌંદર્યાના લગ્નમાં કર્યો હતો.
એફઆઈઆરની કોપી અનુસાર ઐશ્વર્યાએ તેમના ઘરેણાં લોકરમાં રાખ્યા હતા અને તેમના ઘરના કેટલાક નોકરોને તેની જાણ હતી. ચોરાયેલા દાગીનામાં સોનાના દાગીના, હીરાના સેટ, નવરત્નનો હાર અને બંગડીઓનો સમાવેશ થાય છે. તૈનામપેટ પોલીસે આ મામલે આઈપીસીની કલમ 381 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ઐશ્વર્યાએ માહિતી આપી છે કે તેની બહેનના લગ્ન બાદ લોકર ત્રણ વખત શિફ્ટ કરવામાં આવ્યું હતું. 2021માં તેનું લોકર સેન્ટ મેરી રોડ એપાર્ટમેન્ટમાં હતું. આ પછી, તેને CIT કોલોનીમાં શિફ્ટ કરવામાં આવ્યું અને પછી એપ્રિલ 2022માં લોકરને રજનીકાંતના પોસ ગાર્ડન હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યું. તેણે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં જ્યારે લોકર ખોલવામાં આવ્યું તો ઘરેણાં ગાયબ જોવા મળ્યા હતા. ઐશ્વર્યાએ આ મામલે કેટલાક નોકર પર શંકા વ્યક્ત કરી છે. ઐશ્વર્યાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે તેમને તેમની નોકરાણી ઈશ્વરી, લક્ષ્મી અને ડ્રાઈવર વેંકટ પર શંકા છે જેઓ સેન્ટ મેરી રોડ પરના તેમના એપાર્ટમેન્ટમાં અવારનવાર આવતા હતા. તેમણે પોલીસ પાસે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
ઐશ્વર્યા રજનીકાંત હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સલામ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે શૂટિંગ માટે તમિલનાડુના અલગ-અલગ શહેરોની મુલાકાત લઈ રહી છે.