Homeવીકએન્ડસસ્ટેનેબલ જીવન જીવવાના ટેન કમાન્ડમેન્ટ્સ

સસ્ટેનેબલ જીવન જીવવાના ટેન કમાન્ડમેન્ટ્સ

વિશેષ -નિધિ ભટ્ટ

આજકાલ આપણે લોકો સસ્ટેનેબલ ઘર, ઈકો ફ્રેન્ડ્લી અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વિશે સાંભળતા રહીએ છીએ. સમય સાથે વધુને વધુ લોકોમાં સસ્ટેનેબલ લાઈફ અંગે જાગૃતિ આવી છે. પરિણામે આપણે બધા પ્રકૃતિને બને તેમ ઓછામાં ઓછું નુકસાન પહોંચાડીને કે પછી બિલકુલ જ નુકસાન પહોંચાડ્યા વિના જીવન જીવવાની કોશિશ કરી રહ્યા છીએ. જોકે હજુ આવા લોકોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. મોટા ભાગના લોકો એમ જ માને છે કે અમારા એકલાના બદલવાથી શું થશે… આપણા દૈનિક જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ તેનો પ્રભાવ આપણી ધરતી પર પડે છે. પછી ભલે તે આપણું રોજનું ખાવા-પીવાનું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા-જવા માટે સ્કૂટરને વાપરવાનું હોય.
શું આનો મતલબ એ કે આપણે માત્ર ઘરમાં જ શાકભાજી ઉગાડીને ખાવી જોઈએ કે પગપાળા ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ. ના આમ કરવાનું અમે નથી કહેતા, પરંતુ તમારા વિચારોમાં થોડો ફરક લાવી એક સારી શરૂઆત કરવાનું કહી રહ્યા છીએ. જ્યાં તક મળે ત્યાં આપણે પર્યાવરણ સંરક્ષણનું કામ કરી શકીએ છીએ, પરંતુ આ માટે સકારાત્મક વિચારો હોવાનું ખૂબ જરૂરી છે. આજે આપણે અહીં વાત કરીશું આવા જ કેટલાક મુદ્દાઓ વિશે કે જેને રોજિંદા જીવનમાં અપનાવીને પ્રકૃતિના સંવર્ધનની સાથે સાથે સસ્ટેનેબલ લાઈફની દિશામાં એક ડગલું આગળ વધી શકીશું.
જો તમારી પાસે આવો વિચાર હોય તો આપ આ ફેરફારની સાથે એક સસ્ટેનેબલ જીવન જીવી શકો છો.
શું છે સસ્ટેનેબલ જીવન
સસ્ટેનેબલ જીવન માટે સૌથી જરૂરી એ છે કે આપણે આપણી સગવડ માટે પ્રકૃતિને નુકસાન ન પહોંચાડીએ. અમદાવાદની એક યુવતી છેલ્લાં ઘણાં વર્ષોથી લોકોને સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ માટે પ્રેરિત કરી રહી છે. તો જાણીએ કે એવા કયા દસ ફરેફારો છે જેને આપણે આરામથી અપનાવી શકીએ.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ
આજે આપણાં ઘરોમાં દૂધની થેલીથી માંડીને રાશન સુધી બધું જ પ્લાસ્ટિકની થેલીઓમાં પેક થઈને આવે છે. આવામાં આપણે જેટલું થઈ શકે તેટલી આ પ્લાસ્ટિક બેગ્સને રિસાઇકલ કરવાની જરૂર છે. પર્યાવરણને જો સૌથી વધુ નુકસાન કોઈ ઘટકથી થતું હોય તો એ છે પ્લાસ્ટિક. કાારણ કે વર્ષોના વર્ષો સુધી પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી. આપણે તો એક વખત અંદરથી વસ્તુ કાઢી લીધી એટલે પ્લાસ્ટિકને ફેંકી દઈએ છીએ પણ આપણા ઉપયોગ બાદ બેકાર વસ્તુઓ ક્યાં જાય છે તેનું ધ્યાન રાખીને જ આપણે મોટા પરિવર્તનમાં એક નાનકડી મદદ કરી શકીએ અને એ માટે શક્ય હોય તો આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ.
પેકેટ્સ ફૂડ ખરીદવાથી બચીએ
આ એક સાવ સરળ ઉપાય છે, જેનાથી તમે તમારા કચરાને ઓછો કરી શકો. આ માટે તમારે આસપાસમાં ઝીરો વેસ્ટ સ્ટોર શોધવાની જરૂરત નથી. તમે તમારા કરિયાણાની દુકાન પર પોતાનાં ક્ધટેનર લઈને જઈ શકો છો. ખરીદીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો આ જ ઉપાય છે. વર્ષો પહેલાં આપણાં માતા-પિતા આમ જ કરતાં હતાં.
કમ્પોસ્ટિંગ
આપણા ઘરનું ગ્રીન વેસ્ટ સૌથી આસાનીથી રિસાઇકલ કરી શકાય છે. તેમ છતાં આપણે તેને એમ જ કચરાના ડબ્બામાં નાખી દઈએ છીએ. શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી કે આ કચરો ક્યાં જાય છે. તમે આ ગ્રીન વેસ્ટમાંથી આરામથી ખાતર બનાવી શકો છો. આ કામ મુશ્કેલ પણ નથી અને વધારે ખર્ચાળ પણ નથી. તમે તમારી બાલ્કનીમાં ઘણી ઓછી જગ્યામાં દરરોજ ૨-૩ મિનિટ ખર્ચ કરીને આને બનાવી શકો છો. તેને તમે પોતાના ગાર્ડનમાં વાપરી શકો છો. જો તમારા ઘરમાં ગાર્ડન ન હોય, તો પણ તમે ખાતર બનાવીને આસપાસ લાગેલા ઝાડમાં એનો ઉપયોગ કરી હરિયાળી ફેલાવાનું કામ કરી શકો છો.
રસાયણોનો ઉપયોગ ઓછામાં ઓછો કરો
આપણને ખબર જ નથી કે આપણે રોજ સફાઈ જેવા કામ કરવા માટે જે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ તે આપણાં જળાશયોને કેટલી હદે પ્રદૂષિત કરે છે, આથી ઝેરીલાં રસાયણો કરતાં ક્લીનર, શેમ્પૂ જેવી વસ્તુઓ ઘરે બનાવવી જોઈએ. ઘણી સરળતાથી આપણે રસાયણ વિનાની વસ્તુઓ ઘરે બનાવી શકીએ છીએ.
ઓછું ખરીદો, વધારે ઉપયોગ કરો
આપણે માણસો આજે દેખાડાની આંધળી રેસનો ભાગ બની, વિચાર્યા વિના વસ્તુઓ ખરીદી રહ્યા છીએ. પછી ભલે એ કપડાં હોય, ખોરાક હોય, ઈલેક્ટ્રોનિક વસ્તુ અથવા વાહન હોય. ઓછી ખરીદીને કારણે બે ફાયદા થશે એક તો પૈસાની બચત થશે અને બીજું એટલે ઘરમાં બિનજરૂરી સામાનનો ભરાવો નહીં થાય. જરૂરત કરતાં વધારે સમાન લઈ આપણે આને વેસ્ટ કરીએ છીએ અને તેને મેઈન્ટેઇન કરવા ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ, આથી એ વાતનું ધ્યાન રાખો કે તમે શું ખરીદો છો. ઓછું બરબાદ કરો અને વધારે ઉપયોગ કરો. ઉપયોગ કર્યા બાદ આ વસ્તુઓ ફેંકવાને બદલે જરૂરિયાતવાળાને દાન કરી દો.
રિસાઇકલ
આજકાલ કાગળના ઉત્પાદન સહિત લગભગ દરેક વસ્તુને રિસાઇકલ કરી શકાય છે, આથી ઉપયોગ કરેલો સામાન કચરામાં જાય તે પહેલાં વિચારો કે આને કઈ રીતે વપરાશમાં લઈ શકાય તેમ છે. તમે તમારી આસ-પાસ જુઓ. તમને ચોક્કસ રિસાઇક્લિગં કંપની મળશે જે તમારા કચરાને રિસાઇકલ કરી શકે છે.
લોકલ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ખરીદો
એક સમજદાર ઉપભોક્તા હોવાના ધોરણે આપણે સ્થાનિક ફળ-શાકભાજી ખરીદવાં જોઈએ, કારણ કે દૂરથી મગાવવામાં આવેલી વસ્તુઓમાં ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય છે. તેનાથી કાર્બન ઉત્સર્જન પણ થાય છે. આપણે વધારેમાં વધારે જૈવિક ઉત્પાદનોને પસંદ કરવાં જોઈએ.
ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ સમજી-વિચારીને કરો
જે રીતે વીજળી અને પાણીનું બિલ દિવસે દિવસે વધી રહ્યું છે, તેથી એક વાત તો સ્પષ્ટ છે કે આપણે સમજી-વિચારીને તેનો ઉપયોગ કરવો જોઈએ. આ આપણી માટે આર્થિક રીતે નુકસાનકારક તો છે જ, પરંતુ પર્યાવરણની દૃષ્ટિએ પણ યોગ્ય નથી, કારણ કે આ ઊર્જાના ઉત્પાદનમાં જે કાર્બન ઉત્સર્જન થાય છે તે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને હાનિ પહોંચાડે છે, તેથી આપણે તેનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કરવો જોઈએ. આ સાથે આપણે અક્ષય ઊર્જા એટલે કે રિન્યુઅલ ઊર્જા અથવા સૌર ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.
એક જાગૃત યાત્રી બનો
બેશક હરવા-ફરવાથી આપણા જીવનમાં સકારાત્મક પરિણામ આવે છે, પણ એમાં કોઈ શંકા નથી કે આપણે જ્યારે પણ ફરવા જઈએ છીએ ત્યારે જ્યાં ત્યાં ગંદકી ફેલાવતા જઈએ છીએ, જનો પર્યાવરણ પર નકારાત્મક પ્રભાવ પડે છે. એટલે આપણે એક જાગૃત નાગરિક તરીકે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્થાનિક સામાન ખરીદીએ, સ્થાનિક સંસ્કૃતિનું સન્માન કરીએ, ઓછામાં ઓછો કચરો ફેલાવીએ અને વન્ય જીવન કે વૃક્ષ વગેરેને નુકસાન ન પહોંચાડીએ.
વાહનનો ઓછો
ઉપયોગ કરો
આજે શહેરોમાં જેટલા માણસો છે તેના કરતાં વધારે વાહનો છે. આને લીધે માત્ર ટ્રાફિકની સમસ્યા નથી ઉદ્ભવતી, પરંતુ પર્યાવરણને પણ ભારે નુકસાન થાય છે. પરિણામે આપણે નજીકની જગ્યાએ પગપાળા જ જઈએ. ઓફિસે જવા શક્ય હોય તો જાહેર પરિવહનનો ઉપયોગ કરીએ અને જો કારમાં પણ જઈએ તો વધારે લોકો એક કારમાં જાય તેવી વ્યવસ્થા કરીએ.

RELATED ARTICLES

Most Popular