પ્રભુભક્તિનો સ્વાદ અનેરો, અનોખો

ધર્મતેજ

આચમન – કબીર સી. લાલાણી

સમ્રાટ અકબર બાદશાહને આપણા દેશની સંસ્કૃતિ, કલા-સંગીત ઉપર વિશેષ માન હતું. પોતાના દરબારમાં વિશિષ્ટ પ્રતિભાઓને અગ્રસ્થાન આપેલું જે ‘નવરત્ન’ નામે
પ્રસિદ્ધ છે.
નવરત્ન પૈકીના એક હતા સંગીત સમ્રાટ તાનસેન. તાનસેનના સંગીતનો એવો તો જાદુ હતો કે અકબર બાદશાહ એમની પર આફરિન હતા.
એક દિવસ બાદશાહને મનમાં વિચાર આવ્યો કે, જ્યારે તાનસેનના સંગીતમાં આવો જાદુ છે તો એમના ગુરુજી કેવા હશે? એમનું સંગીત કેટલું મધુર હશે? મનમાં આવો પ્રશ્ર્ન ઊઠતાં બાદશાહને તાનસેનના ગુરુને મળવાની અને એમનું સંગીત સાંભળવાની તીવ્ર ઇચ્છા જાગી. રાત્રિના સમયે તેઓ વેશપલટો કરી તાનસેનના ગુરુદેવ સ્વામી હરિદાસને ત્યાં મંદિરમાં ગયા. ગુરુદેવ નજીકના મંદિરમાં રહેતા અને ઇશ્ર્વરભજન કરતાં….
ધીરે ધીરે ગુરુદેવે સંગીતના સૂરો વહેતા મૂક્યા. સ્વામીજીનું સંગીત બાદશાહ અકબર મંત્રમુગ્ધ બની સાંભળી રહ્યાં હતા. અહા! કેવું મધુર સંગીત! અકબર બાદશાહે તાનસેનને આગલી રાતની ઘટના સંભળાવીને કહ્યું, ‘તાનસેન! તમારું સંગીત તમારા સ્વામી હરિદાસજી જેવું કેમ નથી?’
બાદશાહ અકબરની આ વાત સાંભળી તાનસેન હસવા લાગ્યા! મલક મલક મલકાતા નમ્ર ભાવે તાનસેને કહ્યું, ‘જહાંપનાહ! હું સંગીત વગાડું છું તે આપ શહેનશાહ માટે વગાડું છે, પણ મારા ગુરુદેવ જે સંગીત વહાવે છે તે તો શહેનશાહના પણ શહેનશાહ એવા ઇશ્ર્વરને સંભળાવવા માટે છે. પછી તો તે અદ્ભુત હોય ને જ!’
તાનસેનનો આ જવાબ સાંભળી સમ્રાટ અકબર બાદશાહ બહુ જ ખુશ થયા! પોતાના ગુરુની મહત્તા વધારી શિષ્ય તાનસેન પણ ભાવવિભોર બની ગયા.
પ્રભુભક્તિનો સ્વાદ સંગીતમાં કેવો છુપાયેલો છે તેનું બાદશાહને જ્ઞાન થયું.
પ્રભુભક્તિનો સ્વાદ અનેરો, અનોખો હોવાની કેટલીક સોનેરી વાત બોધમાં વધારો કરનારી બની રહેવા પામશે :
* કીર્તન એવી રીતે કરો કે ભગવાન આવીને ઉઠાડે, ‘હું આવ્યો છું. તારી આંખ ઉઘાડ!’
* સંતની સેવા સદ્ભાવથી કરે તે જ સુખી થાય.
* મનને બહુ ગમે તે કરશો નહીં. મન માગે તે આપશો નહીં તો ધીરે ધીરે મન પ્રભુમય બની કાબૂમાં આવશે અને એક વખત મન નિયંત્રણમાં આવી જશે ત્યારે સ્વયં અનુભૂતિ થશે કે ઇશ્ર્વરને શોધવા ક્યાંય જવાની જરૂર નથી તે તો મન-હૃદયમાં જ બિરાજમાન છે.
* મરણને ભક્તિ જ સુધારે છે.
* ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જોઇએ.
* અતિથિ ભગવાનનું સ્વરૂપ છે. આંગણે આવેલો અતિથિ ભૂખ્યો રહે તો યજમાનનું પુણ્ય ખાઇ જાય છે.
* મનુષ્ય શરીર કરતાં આંખથી, મનથી વધારે પાપ કરે છે.
* એકાંતમાં કામને જીતે એ વીર છે.
* ખાવ ત્યારે આંખ ઉઘાડી રાખો
* ધર્મ એ પિતા છે, ધર્મ એ મા છે.
* પત્નીની પસંદગી હોય, માની પસંદગી હોય નહીં.
* ધર્મ બદલી ન શકાય
– વહાલા વાચક મિત્રો!
ભગવાન ભકતોને ખૂબ માન આપે છે છતાં મનુષ્ય દુ:ખી-દુ:ખી જ રહેતો હોય છે તેના કારણો પણ સમજવા-સ્વીકારવા જરૂરી બની રહેવા પામે છે:
સંત તુલસીદાસજીએ કહ્યું છે કે મનુષ્ય મોહ-માયા, લોભ અને લાલચની ગર્તમાં એટલો તો ડૂબી ગયો છે કે તેને શાશ્ર્વત સત્યની અનુભૂતિ થતી જ નથી. લોભ મનુષ્યના મનોભાવો પર અમરવેલની માફક છવાઇ જાય છે વ્યક્તિ પ્રત્યેક ક્ષણે લાલસાની અગ્નિમાં ધધકતો જ રહે છે. તુલસીદાસજીએ આગળ લખ્યું છે કે આ સંસારમાં લોભથી તુચ્છ અને વિનાશકારી તત્ત્વ અન્ય કોઇ જ નથી. વળી, હિતોપદેશે લોભને પાપનો જન્મદાતા બતાવ્યો છે.
લોભ શબ્દની ઉત્પત્તિ ‘લુભ્ર’ ધાતુથી થઇ છે, જેનો અર્થ છે લાલચ, લિપ્સા અને લાલસા. આ એક એવી પ્રબળ માનવીય ઇચ્છા છે, જેની પૂર્તિ થઇ જવા છતાં તેનાથી ક્યારેય સંપૂર્ણ તૃપ્તિ કે સંતુષ્ટિ મળતી નથી. માણસને જેમ જેમ લાભ થાય છે તેમ તેમ તેનો લોભ પણ વધતો જાય છે. આમ લાભથી લોભમાં નિરંતર વૃદ્ધિ થતી રહે છે અને મનુષ્યનો લાભ કયારે લોભમાં પરિણમે છે તેનું કશું કોઇ ઠેકાણું હોતુ નથી. હિતોપદેશમાં કહેવાયું છે કે સઘળા અનર્થોનું મૂળ લોભ છે.
* ભગવાન શ્રીકૃષ્ણે લોભને રજોગુણ સમુદ્ભવ: કહ્યો છે.
* લોભ પાપસ્ય કારણમ્ ॥
* લોભ એ પાપનું મૂળ છે.
* તે મનુષ્યનાં બુદ્ધિ અને વિવેકને હરી લે છે
* સુંદરકાંડમાં માનસકારે કામ, ક્રોધ અને મોહની સાથે લોભને પણ નરકનો સરળ માર્ગ જણાવ્યો છે.
* ભગવદ્ ગીતામાં તેને વિનાશકારી નરકના દ્વારની સંજ્ઞા આપી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.