જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
મંડલ
જેઠ સુદ ૧, ગુરુવાર, તા. ૧૪.૬.૨૦૧૮.
બર્ફિલા સૂરજે સોનેરી સવારે કેશરીયા દૂધ જેવા ઉજાસને વહેતો કર્યો. નિત્યક્રમ આટોપીને અમે તૈયાર થયા. મનમાં તો થતું હતું અહીંથી તુંગનાથ માત્ર સાડા ૩ કિ.મી. છે. એકવાર તો જઈ આવીએ પાછા ક્યારે આવીશું? ખાસ વાત એ હતી કે આખી દુનિયામાં સૌથી ઊંચું મંદિર તુંગનાથનું છે. આનાથી વધારે ઊંચાઈ પર દુનિયાનું કોઈ મંદિર નથી. હમણાં અમે સમુદ્ર લેવલથી ૨૮૦૦ મીટર ઉપર છીએ. હજુ ૭૦૦ મીટર ઉપર જઈએ એટલે કે કુલ ૧૨૦૭૦ ફૂટ ઉપર જઈએ ત્યારે તે મંદિર આવે. છેવટે નક્કી કર્યું જ, ચલોને જતા આવતા બે કલાક થશે.
એક યાદગીરી રહેશે. સૌના અભિપ્રાય પૂછયા. કોની-કોની અનુકૂળતા છે ચાલવાની. મુ. સુવર્ણકલશ વિ. રાજુ અને લાભુભાઈ વિહારમાં આગળ વધ્યા બાકી ત્રણ અમે સાધુ અને સંજય એમ ચાર જણા તુંગનાથ તરફ વળ્યા. ચોપતાથી ૨ કિ.મી. આગળ નીકળી ગયા હતા. તેથી પાછા ચોપતા જવું જ પડ્યું.
જોકે અમે રાત્રિ વિશ્રામ કર્યો હતો ત્યાંથી એક છફૂટી છેક ઉપર શિખર સુધી જતી હતી પણ લીલોતરીનો
પાર નહીં તેથી ગયા નહીં. ૨ કિ.મી. માલી ચોપતા પહોંચીને ચઢવાનું ચાલુ કર્યું.
વહેલી સવારે યાત્રિક તો કોઈ હતું જ નહીં. એક પરિવાર અમારાથી ૧૦ મિનિટ પહેલા જ ચઢયો હશે. એ પહેલા કોઈ ચઢયા હોય તો ખબર નથી. સિમેંટની પટ્ટી ઉપર અમે આગળ વધતા જતા હતા.
એક વાતનું સુખ હતું. રસ્તામાં ક્યાંય લીલોત્તરી – નીલફુગ કે પાણી ન હતું. નહીં તો વિરાધના થાત. અમે આગળ વધ્યા – ધીરે – ધીરે ચઢાણ કપરું થતું ગયું. થોડુંક ચાલીને ઊભું રહી જવું પડે. વાતાવરણ દૂર સુધી સાફ હતું.
સામે ક્ષિતિજ સુધી ક્યાંય વાદળ દેખાતા નથી. એનો સીધો લાભ એ થયો કે કેદારનાથના ૩૦-૪૦ હિમશિખરો સ્પષ્ટ દેખાતા હતા. જેમ-જેમ આગળ વધતા ગયા ત્યારે ખબર પડી કે વાદળા તો બધા શિખરોની નીચે છે.
ગિરિશૃંગો તો વાદળને ભેદીને છેક આકાશે અડ્યા છે. જાણે આકાશમાં રજત પર્વત તરતાં હોય એવું અદ્ભુત દૃશ્ય હતું. એમાં’ય સૂરજનાં કુણા કિરણો આછા વાદળમાંથી ચળાઈને આવીને બરફને વધુ તેજસ્વી કરતા હતા.
અદ્ભુત દૃશ્યને માણવા માટે અવશ્ય અહીં આવવું પડે. હિમાલયમાં ઘણા દિવસથી અમે છીએ પણ આ દેવદુર્લભ દૃશ્ય આજે પહેલીવાર જોવા મળ્યું. ચાલવાનું તો માત્ર ૪ કિ.મી. હતું પણ ૪ કિ.મી. ચાલતા ૨ કલાક લાગ્યા.
સાડા આઠ વાગે અમે મંદિરે પહોંચી ગયા. હજુ તો પુરોહિત આરતી કરતા હતા. આરતી પૂરી થઈ. અમે મંદિરમાં ગયા ગર્ભગૃહમાં શિવલિંગની સ્થાપના છે. સામે ભીંતમાં હાથ જોડીને પદ્માસનાં બેસેલ એક મૂર્તિ છે.
બીજી નાની-નાની ૧૫-૨૦ મૂર્તિઓ છે. એક બુદ્ધ પ્રતિમા છે. એ જોઈને આશ્ર્ચર્ય થયું પણ મનમાં સમાવી દીધું. મંદિર તો અતિપ્રાચીન છે. આ જ પહાડનાં પથ્થર લઈને મોટું મંદિર નિર્માણ કર્યું છે. તે જમાનામાં ચુનો કે સિમેંટ જે લગાવ્યા હોય તે બધું ઉખડી ગયું છે. માત્ર પથ્થર પર પથ્થર મુકેલા દેખાય છે. આજુ-બાજુ નાની દેરીઓમાં વિવિધ દેવી-
દેવતા છે. આ ટોપ પર કોઈ ઝાડ નથી માત્ર ઝીણું ઝીણું ઘાસ ઊગેલું છે. વિચિત્ર રંગબેરંગી ફૂલડા પર ભમરાઓનો ગુંજારવ શરણાઈના શૂરથી પણ હજારગણો મીઠો લાગે છે. હવે ઉપર એકલું આકાશ છે. ધરતી તો ઘણી દૂર છે અહીંથી દેખાતી પણ નથી. લગભગ અડધો પોણો કલાક ત્યાં મંદિરોની મુલાકાત લઈ અમે નીચે ઉતરવાનું ચાલુ કર્યું.
હવે ઉતાવળ કરવી પડે તેમ જ હતું. ધીરેધીરે દૂરૃદૂરથી વાદળો આ તરફ આવી રહ્યા હતા. દૂરના હિમશિખરો તો અડધા વાદળાઓમાં ધરબાઈ ગયા હતા. એ શિખરો તો હજુ અમે ઊભા હતા ત્યાંથી ઘણાં ઊંચા હતા, વાદળા અહીં આવતા વાર નહીં લગાડે. આવશે તો વરસ્યા વિના રહેશે નહીં. વળી બીજું કારણ એ કે હજુ તો અમે રાત્રિ વિશ્રામસ્થળે પહોંચીશું ત્યાંથી લગભગ ૧૦ કિ.મી. ચાલશું ત્યાં રોકાણ થશે. સવારે રાજુને કહ્યું જ હતું ૮-૧૦ કિ.મી. ઉપર રહેવાની વ્યવસ્થા જોવાની, આજે લાંબો વિહાર થશે નહીં, કારણ કે ૬ અને ૬ = ૧૨ કિ.મી. તો અહીંથી જઈને પાછા આવતા થશે, વધારાનું ૧૦ એટલે ટોટલ ૨૨ કિ.મી. તો થઈ જશે, અમે નીચે આવી ગયા ત્યાં સુધી તો તુંગનાથ પર્વત અડધો વાદળથી ભરાઈ ગયો હતો. કદાચ શિખર ઉપર વરસાદ ચાલુ થઈ ગયો હતો.
અમે રાત્રિ વિશ્રામસ્થળથી હજુ તો અડધો કિ.મી. આગળ ચાલ્યા ત્યાં સંજયનો મોબાઈલ બોલવા લાગ્યો. રાજુએ ફોન કરેલો સમાચાર સાંભળીને જાણે ભૂકંપ આવી ગયો. સમાચાર એમ હતા કે ‘આગળ ૨૬ કિ.મી. સુધી રહેવાનું કોઈ ઠેકાણું નથી. ઘનઘોર ભયંકર જંગલ છે. ક્યાંક ઊભું રહેવાય તેમ પણ નથી. ૨૬ કિ.મી. ચાલ્યા પછી મંડલ ગામ છે ત્યાં કંઈ વ્યવસ્થા થાય તો?’ મુ. સુવર્ણકલશ મ. અને રાજુ મંડલથી ૫-૬ કિ.મી. દૂર હતા.
ઘડિયાળમાં સાડાદસ થયા હતા. બીજું કંઈ વિચારવાની છૂટ ક્યાં હતી? હવે તો ફરજિયાત ૨૬ કિ.મી. ચાલવું જ પડશે. ભલે સાંજ સુધી પહોંચો પણ ચાલવાનું તો છે જ. એક સારા સમાચાર એ હતા કે રોડ સતત નીચે ઉતરતો જતો હતો અને વચ્ચે કાચા રસ્તા પણ હતા.૧૨ કિ.મી. તો ચાલ્યા, હવે ૨૬ ચાલવાનું બાકી કુલ ૩૮નો ચાંદલો આજે લલાટે લખાયેલો હતો. હતાશ થવાથી નહીં – આદિશ્ર્વર દાદાનું નામ લઈને ચાલ્યા અમે તો. આજનું જંગલ તો ગઈકાલ કરતાય વધુ બિહામણું ડરાવતું હતું.
વિવિધ જાતના જાનવરોના અવાજો ગમે તેવા ‘ભડ’ માણસનાં છાતીના પાટિયા બેસાડી દે. ક્યારેક ક્યારેક વાહન નીકળતું ત્યારે થોડીક સાંત્વના મળતી – કારણ કે વાહનના અવાજથી જંગલી જાનવર દૂર રહે. રાજુની વાત સાચી હતી, એક ગ્લાસ પાણી પીવડાવનાર અહીં કોઈ ન હતું. એક તરફ આકાશમાં વાદળ ઘેરાતા જતા હતા. બીજી તરફ ઘડિયાળની ઝડપ વધી ગઈ હતી. એક કલાકમાં બે કલાક પૂરા થઈ જતા હતા. પગની ગતિ સતત ધીમી થતી જતી હતી કિ.મી. તો જેટલું થવાય એટલું વધારે લાંબા થતા જતા હતા. છેવટે કાચા રસ્તાનો જ ઉપયોગ કરવો પડ્યો.
જે રસ્તે ખચ્ચર ચાલેલા તે જ રસ્તે-રસ્તે અમે ચાલ્યા. આ રસ્તે ખચ્ચર ચાલ્યા છે એ કેવી રીતે ખબર પડે? સાવ સરળ ઉપાય. ખચ્ચરનું વિસર્જન દ્રવ્ય રસ્તામાં પડેલું જ હોય. ખચ્ચરનું કામ શું? ખાવું અને જાવું. આખા રસ્તા પર દ્રવ્ય જોવા મળે. બસ એના આધારે આધારે સતત નીચે ઉતરતા જવું.
અમે ૨૩ કિ.મી.ના પથ્થરથી કાચા રસ્તે આગળ વધ્યા, નીચે ૨૧ કિ.મી.ના પથ્થર પાસે જંગલમાંથી નીકળ્યા. પછી તો ૨૧થી સીધું ૧૯ ઉપર, ૧૯ થી ૧૬ સુધી રોડ ઉપર ચાલવું પડ્યું. ૧૬થી નીકળ્યા સીધા ૭ નાં પથ્થર પર હાશ ઘડિયાળમાં હજુ ૨ વાગ્યા છે. ૭ કિ.મી. બાકી છે. ૩ વાગ્યા સુધી પહોંચાય તો સારું. પણ સવારથી પ્રતીક્ષા કરી રહેલો વરસાદ હવે ધીરજ ધરી શક્યો નહીં. પૂરી તાકાતથી તૂટી પડ્યો. અમારે ૭ કિ.મી. બાકી અને હેલી ચાલુ થઈ. અમે તો રોડની સાડઈમાં એક પથ્થરની બખોલમાં ભરાઈ ગયા. હવે જેટલું વરસવું હોય એટલું વરસે, અમે પલળવાના નથી. પણ મોટી વિડંબના તો મોઢું ફાડીને અમારી સામે ઊભી હતી. વરસાદથી બચ્યા ત્યાં અમને ‘જોંક’ નામની ઈયળોએ પક્ડયા.જેમ વરસાદ પડે તેમ તેણીઓ બહાર નીકળે અને શરીરમાં ચોંટીને લોહી પીએ. જેમ લોહી પીએ તેમ લાંબી થતી જાય. ખાસ તો ખુલ્લા પગ સંભાળવાના હતા. માટે તો પગમાં કપડાં બાંધેલા હતા તેથી ચિંતા નહીં પણ ‘જોંક’ તો ‘જોંક’ જ હોય કપડાં ઉપર ચઢી
ગઈ. (ક્રમશ:)