વર્ષ 2016માં કેન્દ્ર સરકારે 1,000 રુપિયા અને પાંચસો રુપિયાની ચલણી નોટ બંધ કરવા સંબંધમાં સરકારના ચુકાદાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે ચુકાદો આપવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ. એ. નજીરના વડપણ હેઠળના પાંચ ન્યાયાધીશની ખંડપીઠ બીજી જાન્યુઆરી, 2023ના રોજ આ કેસની સુનાવણી હાથ ધરતા ચુકાદો આપી શકે છે.
વર્ષ 2016માં આઠમી નવેમ્બરની સાંજને કોઈ ભૂલી શકે છે, કારણ કે આજ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી, જેમાં દેશમાંથી પ00 અને 1,000 રુપિયાની ચલણી નોટને રાતના 12 વાગ્યા પછી બંધ કરી હતી. એની સાથે 500 અને બે હજાર રુપિયાની નોટ ચલણમાં લાવ્યા હતા. વડા પ્રધાને આ જાહેરાત કર્યા પછી દેશમાં સૌથી મોટી ઊથલપાથલ થઈ ગઈ હતી. આઠમી નવેમ્બર 2016 પછી દેશના અનેક રાજ્યોમાં સવારથી રાત સુધી બેંક અને એટીએમની બહાર લાઈન લગાવી હતી. આ જ બાબતને લઈને શું ફાયદો થયો અને શું નુકસાન થયું એ ચર્ચાનો વિષય રહ્યો હતો. નોટબંધી મુદ્દે કોર્ટમાં અરજી કરવામાં આવ્યા પછી સોમવારે સુપ્રીમ કોર્ટ કદાચ સૌથી મોટો ચુકાદો આપી શકે છે. અગાઉ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈને સાતમી ડિસેમ્બરે નિર્દેશ કર્યો હતો કે તેઓ સરકારના વર્ષ 2016માં 1000 રુપિયા અને 500 રુપિયાની નોટ બંધ કરવાના નિર્ણય સંબંધિત રેર્કોડને રજૂ કરે.