સુપ્રીમ કોર્ટે એલ વિક્ટોરિયા ગૌરીની મદ્રાસ હાઈકોર્ટમાં જજ તરીકેની નિમણૂકને રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમની નિમણૂક સામેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની ખંડપીઠે સુનાવણી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટના કેટલાક વકીલોએ તેમની અરજીમાં કહ્યું હતું કે વિક્ટોરિયા આ પદ માટે યોગ્ય નથી.
એડવોકેટ રામચંદ્રનને કોર્ટેને કહ્યું કે વિક્ટોરિયા ગૌરીના માઈન્ડ સેટ વિશેની બાબતો કોલેજિયમથી છુપાવવામાં આવી હતી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે એવું નથી કે કોલેજિયમને આની ખબર નહીં હોય. કોલેજિયમ એજન્સીઓ અને ન્યાયાધીશોની સલાહ લે છે. રાજકીય જોડાણ ન્યાયાધીશની નિમણૂક ન કરવાનું કારણ ન હોઈ શકે. મારી પણ રાજકીય પક્ષ સાથેની પૃષ્ઠભૂમિ છે, પરંતુ હું 20 વર્ષથી તેનાથી અલગ છું.
એડવોકેટ રામચંદ્રને કહ્યું કે આ માત્ર રાજકીય જોડાણનો મુદ્દો નથી, હેટ સ્પીચનો મામલો પણ છે.
મદ્રાસ હાઈકોર્ટમાં વિક્ટોરિયા ગૌરીની નિમણૂકને પડકારતાં, એવી દલીલ કરવામાં આવી છે કે તેઓ દેખીતી રીતે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી જાણવા મળે છે કે તે ભાજપ મહિલા મોરચાની મહાસચિવ પણ રહી ચુક્યા છે. તેમણે પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડીને તેમના નામની પાછળ ચોકીદાર શબ્દ પણ જોડ્યો હતો.
આ સિવાય એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે તેમની પાર્ટીની વિચારધારા અનુસાર વિક્ટોરિયા ગૌરીએ જાહેરમાં લવ જેહાદ અને અન્ય સાંપ્રદાયિક મુદ્દાઓ પર ઘણા પ્રસંગો પર નિવેદનો આપ્યા છે, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યે નફરત ફેલાવનાર નિવેદનો આપી ચુક્યા છે.
અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગૌરીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમથી આવી ઘણી બાબતો છુપાવી છે. જેથી તેમની નિમણૂક અટકાવવી જોઈએ.