ફોકસ -નિધિ ભટ્ટ
ટ્વિટર, મેટા અને અમેજોન જેવી મોટી અમેરિકી ટેક કંપનીઓ હાલમાં મોટા પ્રમાણમાં સ્ટાફની છટણી કરી રહી છે. તેમાં સૌથી વધુ અસર ભારતીયોને થઇ રહી છે. નોકરી પર નજર રાખનાર વેબસાઈટ લેઓફડોટએકવાઈઆઈ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં દુનિયાની મોટી ટેક કંપનીઓએ આશરે દોઢ લાખ લોકોને નોકરીમાંથી છુટા કરી દીધા છે. તેમાં સૌથી વધુ શિકાર અમેરિકામાં રહેલા ભારતીયો થઇ રહ્યા છે. અમેરિકામાં એચ૧બી અને બીજા અન્ય વિઝા પર રહેનાર ભારતીયો પર આ છટણીનો કહેર જોવા મળી રહ્યો છે. જેના લીધે સીલીકોન વેલીમાં રહી રહેલા ભારતીયો સૌથી વધુ ચિંતિત છે. કારણ કે જો ભારતીયોને થોડા દિવસોમાં ક્રિસમસની રજાઓ પછી જો નોકરી નહીં મળે તો તેઓને ભારત પાછું આવવું પડી શકે છે.
કોરોના મહામારી પછી આ મુસીબતનો સૌથી વધુ ભારતીયો સામનો કરી રહ્યા છે.
એમાં કોઈ શક નથી કે દુનિયા પર મંદીનો કહેર મંડરાઈ રહ્યો છે. હાલમાં સૌથી વધુ નોકરીઓ આ ક્ષેત્રમાં છે અને છટણી પર આ ક્ષેત્રોમાં થઇ રહી છે. અને આ જ ક્ષેત્રોમાં ભારતીયોની સંખ્યા પણ વધારે છે. તો સ્પષ્ટ છે કે ભારતીયોની જ નોકરી સૌથી વધુ જવાની. જો કે છટણીનું સમીકરણ એટલું પણ સરળ નથી.તેમાં ઘણું ધ્યાન ખેંચવા વાળી જટિલતા અને આશંકાઓ પણ સામેલ હોય છે . આ આશંકાઓ પણ કોરોના પછી નહીં, પરંતુ કોરોના વખતે જ શરૂ થઇ હતી. ડબ્લ્યુએચઓએ તરત જ આ વાત નોટિસ પણ કરી હતી અને લોકોનું ધ્યાન પણ દોર્યું હતું. ઘણા દેશોમાં એવી અફવા હતી કે કોરોના ભારતમાંથી ફેલાયો છે જેના લીધે ઘણા દેશોમાં ભારતીયો માટે નફરત જોવા મળતી હતી.
અમેરિકા, ઑસ્ટ્રેલીયા કે કેનેડા જ નહી સિંગાપોર જેવા દેશોમાં પણ એવી જ અફવા હતી કે કોરોના ભારતમાંથી આવ્યો જેના લીધે ઘણીવાર જાહેરમાં પણ ભારતીયો પ્રત્યે નફરત વ્યક્ત કરી હતી. ભારતમાં કોરોનાનો જે વેરિયન્ટ મળ્યો હતો જેના લીધે પશ્ર્ચિમી દેશોએ ભારતીયો પ્રત્યે નફરત ફેલાવવાનું શરુ કરી દીધું. જો કે ડબ્લ્યુએચઓએ સ્પષ્ટ કહી દીધું હતું કે જે તે દેશમાંથી કોરોનાનો નવો વેરિયન્ય મળે તો તે દેશો સાથે સબંધિત માની શકાય નહીં. તેમ છતાં આ બધી બાબતોની પશ્ર્ચિમના દેશોએ અવગણના કરી અને ભારતીયોને ઘણું સહન કરવું પડ્યું.
તેવી જ રીતે છટણીમાં પણ ભારતીય યુવાઓને જ પહેલા સ્થાને રાખવામાં આવે છે અને તેઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. જેમાંથી એવા કેટલાય યુવાનો છે જેઓ સ્ટુડન્ટ લોન પણ નથી ચૂકવી શક્યા. તેમની પાસે ભારત અને અમેરિકાની પ્રતિષ્ઠિત કોલેજોની ડિગ્રીઓ છે. કેટલાક ભારતીયો ઓ-૧ વિઝા પર અમેરિકા આવ્યા હતા. જેમાં નોકરી છૂટ્યાના ૬૦થી ૯૦ દિવસ સુધી જ તેઓ અમેરિકામાં રહી શકે છે. તેવા ભારતીયોને તેમની લોનની ખૂબ જ ચિંતા છે. નોકરી છૂટી જવાના લીધે તેમના ઘણા પ્લાન બગડી ચુક્યા છે. જેમ કે મીડિયામાં છપાયેલા નમન કપૂરના જ સમાચાર લઇ લો. નમન પાસે ઓટીપી વિઝા છે. છટણી પહેલા તે મેટામાં પ્રોડક્શન એન્જિનિયર હતો. ભણવા માટે તેણે થોડા પૈસા ઉધાર લીધા હતા. હવે નોકરી છૂટી જતા ચિંતા સતાવી રહી છે કે હવે શું થશે.
મેટા એટલે કે ગૂગલમાંથી જે ૧૧ હજાર લોકોને નીકાલવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના લોકો અમેરિકામાં રહી રહેલા ભારતીયો છે. જો કે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે કયા દેશના કેટલા લોકોને નીકાળવામાં આવ્યા છે, પરંતુ મીડિયા દ્વારા ભારતીઓની કરુણતા સાંભળવા મળી રહી છે. જો કે જે લોકોના અમેરિકામાં ઘર છે તે લોકોને વધુ વાંધો નહીં આવે. જો કે જે લોકો પાસે ઘર નથી અને ફક્ત ૬૦થી ૯૦ દિવસમાં નવી નોકરી શોધવાની છે તેઓને વધુ સમસ્યા થઇ શકે છે. કારણ કે નવી નોકરી તો શોધવી જ પડે છે અને સાથે સાથે એવી કંપનીઓ પણ શોધવી પડી રહી છે જે તેઓના વિઝાનું કામ કરી શકે. જેથી વિઝા ટ્રાન્સફર કરવાની જટિલ પ્રક્રિયા માટે તેઓને સમય મળી રહે.
જો નોકરી આપનાર વિઝા ટ્રાન્સફર ના કરી શકે તો તેવા લોકોને અમેરિકા છોડીને જવું પડે અને જયારે કાગળની કાર્યવાહી પૂરી થાય તે બાદ જ તેઓ ફરી અમેરિકા આવી શકે. જે લોકોની નોકરીઓ છૂટી ગઈ છે તે લોકો તો ચિંતિત છે, પરંતુ તેનાથી વધુ તો જે લોકોની નોકરીઓ છે તેઓ ચિંતિત છે કે ક્યાંક અમારો નંબર ના આવી જાય. જેના લીધે કેટલાય ભારતીય સમૂહો આ લોકોને સપોર્ટ કરવા આગળ આવ્યા છે. ભારતીયો સાથે ભેદભાવ વધી રહ્યો છે. ભલે ત્યાં મૂળ ભારતીય વ્યક્તિ પ્રધાનમંત્રી હોય. તેમ છતાં બ્રિટનમાં ભારતીય સાથેનો ભેદભાવ એ હદે વધી ગયો છે કે સંસદમાં એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવી ચુક્યો છે. ભારતીય પ્રતિનિધિત્વ કરનાર એક સંસ્થાના રિપોર્ટ મુજબ ૮૦ ટકા બ્રિટિશરો ભારતીયોને નફરત કરે છે. હિંદુ ફોબિયાના સૌથી વધુ કેસ અહીં જોવા મળે છે. આ બધી બાબતો જ દર્શાવે છે કે ભલે વિશ્ર્વ મંચ પર ભારતની વાહવાહી થઈ રહી હોય પરંતુ હકીકતમાં ભારતીયોની કામયાબી તેઓ જોઈ શકતા નથી.