ઉતરાયણ પહેલા પતંગની દોરીને કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. કોઈ માટે પતંગ ઉડાવવાની મજા કોઈ માટે મોતની સજા બની રહી છે. દોરીએ ફરી વધુ એક નિર્દોષનો જીવ લીધો છે. ગત રાત્રીએ ગાંધીનગર પાસેથી બાઈક પર સવાર પિતા-પુત્રને પતંગનો દોરી વીંટળાઈ જતા પિતાની નજર સામે પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
મળતી મહિતી મુજબ પિતા-પુત્ર બાઈક પર રાજસ્થાનથી અમદવાદ આવી રહ્યા હતા ત્યારે ગત રાત્રીએ ગાંધીનગરના છાલા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. કપાયેલી પતંગની દોરી રસ્તા આડે પથરાયેલી હતી ત્યારે બાઇક ચલાવી રહેલા પુત્રના ગળામાં દોરી ફસાતા ગળું કપાયું હતું. જેને કારણે યુવનને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પિતાની નજર સામે જ પુત્રનું મોત નિપજ્યું હતું.
નોંધનીય છે કે રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છે છતાં ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે નિર્દોષ નાગરીકોનાં જીવ જઈ રહ્યા છે.
તાજેતરમાં જ મહેસાણાના ઊંઝામાં એક્ટીવા પર જઈ રહેલા એક વાહનચાલક યુવાનને ગળામાં ચાઈનીઝ દોરી આવી જતાં તેના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, સમયસર સારવાર મળી જતાં જીવ બચી ગયો છે તેને ગળાના ભાગે 40 ટાંકા આવ્યા હતા. સુરતમાં પણ આવી ત્રણ ઘટનાઓ બની ચુકી છે.