મૂછે તાવ દેતી મહિલાની કહાણી

લાડકી

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

‘મુછેં હો તો નથ્થુલાલ જૈસી, વર્ના ના હો…’ બિગી બીની ફિલ્મનો આ ડાયલૉગ મૂછે તાવ દેનારા પુરુષો માટે તો એક પ્રાઈડ સમાન છે, પણ ક્યારેય તમે મૂછ પર તાવ દેતી કોઈ મહિલાને જોઈ છે? આ સવાલ સાંભળીને જ તમને થશે કે આવું તે હોતું હશે ભાઈસા’બ, મૂછે તાવ દેવાનો ઈજારો તો માત્ર ને માત્ર પુરુષોનો જ છે… આઈ નો, આઈ નો, હવે તમારા મગજમાં બીજો સવાલ એ આવશે કે ગુરુવારે લાડકીના દિવસે આ મૂછોની વાત ક્યાં આવી ગઈ? તો પહેલાં તમારા બીજા સવાલનો જવાબ આપી દઈએ કે આજે આપણે અહીં વાત કરવાના છીએ એક એવી ભારતીય મહિલા વિશે કે જે ખૂબ જ ગર્વથી પોતાની મૂછોને તાવ આપે છે… સોશિયલ મીડિયા પર આ મહિલાનાં વખાણ પણ થઈ રહ્યાં છે અને ટીકા પણ… આ મહિલા છે ૩૫ વર્ષીય શાયજા અને તેને પોતાના ચહેરા પરના વધી રહેલા વાળમાં લોકોનો જે રીતે રસ વધી રહ્યો છે એનાથી કોઈ ફરક પડતો નથી. શાયજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ફોટો નીચે કેપ્શનમાં લખ્યું છે કે ‘મને મારી મૂછો ગમે છે…’
શાયજાને જે પણ લોકો મળે છે કે પછી જે લોકો સોશિયલ મીડિયા પરના તેના ફોટા જુએ છે તેઓ તેને એક જ સવાલ પૂછે છે કે આખરે તે શા માટે મૂછો રાખે છે? તેમના આ સવાલના જવાબમાં શાયજા એટલું જ જણાવે છે કે ‘હું મારી મૂછને ખૂબ જ પ્રેમ કરું છું.’ શાયજા કેરળના કુન્નુર જિલ્લામાં રહે છે અને તેને પણ અનેક મહિલાઓને હોય છે એ જ રીતે હોઠ પર વાળ હતા… તે નિયમિતપણે બ્યુટી પાર્લરમાં વગેરે જતી હતી, પણ ક્યારેય હોઠ પરના વાળ દૂર કરવાની જરૂર લાગી જ નહીં. પણ ધીમે ધીમે આ વાળ જાડા થવા લાગ્યા અને મૂછો દેખાવા લાગી. બસ, એ જ સમયે શાયજાએ નક્કી કરી લીધું કે તે પણ હવે પુરુષોની જેમ મૂછો રાખશે. તે કહે છે કે ‘હું હવે મારી મૂછો વિના જીવવાની કલ્પના પણ કરી શકતી નથી. જ્યારે કોરોનાકાળ આવ્યો ત્યારે તેનાથી રક્ષણ મેળવવા માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું અને મને આખો સમય માસ્ક પહેરવાનું પસંદ નહોતું, કારણ કે એનાથી મારો ચહેરો ઢંકાઈ જતો હતો.’
ઘણા લોકોએ તેને મૂછો દૂર કરવાની સલાહ આપી, પણ તે પોતાના નિર્ણય પર એકદમ અડગ હતી અને એથી વિપરીત તે લોકોને એવું કહેતી કે ‘મારી પાસે જે ન હોવું જોઈએ તે છે અને મને ક્યારેય એવું નથી લાગતું કે મૂછોને કારણે મારી સુંદરતામાં કોઈ પણ પ્રકારની કમી આવે છે.’
આપણે ત્યાં અત્યાર સુધી એવી માન્યતા હતી કે મહિલાઓના ચહેરા પર વધારાના વાળ કે રુવાંટી ન હોવાં જોઈએ. એટલે જ મહિલાઓ પૈસા ખર્ચીને પણ આ વાળને દૂર કરાવવા માટે જાત જાતની ટ્રીટમેન્ટ કરાવે છે. હેર રિમૂવર પ્રોડક્ટ્સનો અબજોનો ધંધો છે અને તે મહિલાઓ માટે ક્રીમ, વેક્સ સ્ટ્રિપ્સ, રેઝર અને એપિલેટર બનાવે છે, આ બધાં જ ઉત્પાદનો મહિલાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ છે, પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી પરિવર્તન જોવા મળી રહ્યું છે અને મહિલાઓ ચહેરા પર વાળ રાખવાનું પસંદ કરવા લાગી છે.
ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, ૨૦૧૬માં બોડી પોઝિટિવિટીનાં પ્રચારક હરનામકોર સંપૂર્ણ દાઢી રાખનારાં વિશ્ર્વનાં સૌથી યુવા મહિલા બન્યાં હતાં. ઘણા ઇન્ટરવ્યુમાં તેઓ વાત કરે છે કે કેવી રીતે દાઢી રાખતાં થતી હેરાનગતિથી પોતાના ચહેરા પરના વાળની સાથે જાતને પ્રેમ કરવાનું શીખ્યાં છે. બ્રિટનનાં હરનામકોર કડક સૌંદર્ય માપદંડોને લઈને વર્ષોથી અભિયાન ચલાવી રહ્યાં છે.
શાયજા માટે મૂછ માત્ર નિવેદનબાજીનો એક ભાગ જ નથી, પરંતુ તેના વ્યક્તિત્વનો એક મહત્ત્વનો હિસ્સો છે. વાતનો દોર આગળ વધારતાં તે કહે છે કે ‘હું હંમેશાં એ જ કરું છું જે મને પસંદ છે. જો મારી પાસે બે જીવન હોત, તો હું કદાચ અન્ય લોકો માટે જીવત.’ તેની હકીકત પાછળ એ કારણ પણ છે કે તે વર્ષોથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. છેલ્લાં દસ વર્ષમાં શાયજા પર છ જેટલી સર્જરી કરવામાં આવી છે, જેમાં તેનાં સ્તનમાંથી ગાંઠો દૂર કરવામાં આવી, તો બીજી સર્જરીમાં તેના ગર્ભાશયમાંથી ગાંઠ દૂર કરવામાં આવી.
પાંચ વર્ષ પહેલાં તેની છેલ્લી સર્જરી હિસ્ટરેક્ટોમી (ગર્ભાશયને દૂર કરવું)ની થઈ હતી. આ વિશે વાત કરતાં તે જણાવે છે, ‘હું જ્યારે પણ સર્જરી કરાવીને આવું છું ત્યારે એક જ વિચાર કરું છું કે ફરીથી ઓપરેશન થિયેટરમાં ન જવું પડે. અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી બહાર આવીને હું આટલી મજબૂત બની શકી છું. મારું માનવું છે કે જીવન એવું જ જીવવું જોઈએ, જેથી પોતે ખુશ રહી શકીએ.’
શાયજા બાળપણથી થોડા શરમાળ સ્વભાવની હતી અને તેના ગામમાં સાંજે ૬ વાગ્યા પછી મહિલાઓ ભાગ્યે જ ઘરની બહાર નીકળતી જોવા મળે છે. કેરળ ભારતમાં ઉચ્ચ માપદંડો સાથે એક પ્રગતિશીલ રાજ્ય તરીકે જાણીતું હોવા છતાં અનેક વિસ્તારોમાં પિતૃસત્તાક વલણ યથાવત્ છે અને મહિલાઓને એકલા મુસાફરી અથવા એકલા રહેવાથી હતોત્સાહ કરવામાં આવે છે. તે લગ્ન પછી જ્યારે પડોશી રાજ્ય તમિળનાડુમાં રહેવા ગઈ ત્યારે તેને એક અલગ જ પ્રકારની સ્વતંત્રતાનો અનુભવ થયો હતો.
‘મારા પતિ કામ પર જતા અને મોડા ઘરે આવતા, તેથી હું સાંજે ઘરની બહાર બેસી રહેતી. ક્યારેક મને કોઈ વસ્તુની જરૂર પડે તો હું રાત્રે એકલી દુકાને જતી. ત્યાં કોઈને તેની પરવા નહોતી, આથી જેમ જેમ હું મારું કામ શીખતી ગઈ તેમ તેમ મારો આત્મવિશ્ર્વાસ વધતો ગયો,’ એવું વધુમાં જણાવે છે શાયજા.
તે પોતાની પુત્રીને પણ આ જ રીતે જીવવાનું શીખવી રહી છે. શાયજાનો પરિવાર અને મિત્રો તેની મૂછોને
ટેકો આપે છે. તેની પુત્રી ઘણી વાર તેને કહે છે કે આ મૂછો તેને સારી લાગે છે, પરંતુ શાયજા કહે છે કે તેણે તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ સાંભળી છે. તે કહે છે, ‘લોકો મારી મજાક ઉડાવે છે કે પુરુષોને મૂછો હોય, સ્ત્રીઓ કેમ મૂછો રાખે?’
તાજેતરનાં વર્ષોમાં સ્થાનિક મીડિયા અહેવાલોમાં તેની ઘણી વખત ચર્ચા થઈ છે. તે કહે છે, ‘એક સ્થાનિક ન્યુઝ આઉટલેટના ફેસબુક પેજ પર મેં મારી જાત સાથે સંબંધિત સમાચાર પર મારી મજાક ઉડાવતી ઘણી કોમેન્ટ્સ જોઈ છે અને તેમાંથી એકે પૂછ્યું કે તમે આઈબ્રો કરાવો છો, તો મૂછ પર બ્લેડ કેમ નથી ફેરવતાં? તે કહે છે, શું રાખવું અને શું નહીં, તે મારા પર નિર્ભર છે.’ શાયજાના મિત્રો ઘણી વાર આ ફેસબુક પોસ્ટ પર ગુસ્સે થઈને જવાબ આપે છે, પરંતુ તે કહે છે કે ‘મને કોઈ પરવા નથી. ખરેખર કેટલીક વાર હું તે કોમેન્ટ્સ એટલે પણ જોઉં છું કે તેની પર હસી શકું…’
ખરેખર આઉટ ઓફ ધ બોક્સ જઈને વિચારવું કે પછી એ પ્રમાણે જીવવા માટે પારાવાર હિંમતની જરૂર હોય છે અને શાયજાએ એ હિંમત બતાવી છે… કદાચ તેની જગ્યાએ બીજી કોઈ મહિલા કે યુવતી હોત તો તેણે સમાજના દાયરામાં રહીને જીવન જીવવાનું સ્વીકારી લીધું હોત. સલામ છે તેની ઝિંદાદિલીને!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.