ડોલરની કથા અને રૂપિયાની વ્યથા

ઉત્સવ

જયેશ ચિતલિયા

ડોલર કી દાદાગીરી: નહીં ચલેગી,
નહીં ચલેગી એવું આપણે ક્યારે કહી શકીશું?
—————

આપણા દેશમાં હાલ આર્થિક ક્ષેત્રમાં બે વિષય વધુ ચર્ચામાં છે – એક ઈન્ફ્લેશન અને બીજો ડોલર. ઊંચા ડોલરને કારણે રૂપિયાએ સહન કરવું જ પડે છે અને આ બંનેને કારણે આખા દેશે ભોગવવું પડે છે. રૂપિયા સામે ડોલર મોંઘો થવાથી ભારતનું આયાત બિલ ઊંચું જાય છે. ડેફિસિટ વધે છે, નિકાસને ચોક્કસ પ્રમાણમાં લાભ થાય છે, કિંતુ અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓનો ખર્ચ એકદમથી વધી જાય છે. જ્યારે કે તબીબી સારવાર અથવા ટ્રાવેલિંગ માટે યુએસ જતા વર્ગનો ખર્ચ પણ નોંધપાત્ર વધી જાય છે. આ મોંઘો ડોલર હાલ ૮૦ આસપાસ તો પહોંચી ગયો છે, જેની અસર આપણે જોઈ રહ્યા છીએ. આ ડોલરની દાદાગીરી રોકવા અને રૂપિયાને વધુ સક્ષમ બનાવવા આપણે કેવાં પગલાં લેવાની જરૂર છે એ સમજવાનો પ્રયાસ કરીએ…
——————–
કરણને કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કરવું હોવાથી તેની યુએસ જવાની તૈયારી ક્યારથી ચાલી રહી હતી. તેના પિતાએ આ માટે આર્થિક વ્યવસ્થા પણ કરવા માંડી હતી, કિંતુ છેલ્લાં અમુક સપ્તાહમાં તો જાણે આ તૈયારી વિશે પુન: વિચારણા કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. યુએસ જવા માટે ડોલર જોઈએ. ફી સહિત બધા જ ખર્ચ ડોલરમાં કરવાના હોય અને ખરા સમયે ડોલરની વેલ્યુ રૂપિયા સામે નોંધપાત્ર વધતી ગઈ અને હાલ એક ડોલર ૮૦ રૂપિયાની આસપાસ થઈ ગયો છે. પરિણામે કરણના યુએસ જવા માટેના ખર્ચમાં ધરખમ વધારો થઈ ગયો હોવાથી તેના પિતા હવે શું કરવું તેની ચિંતામાં મુકાઇ ગયા છે. વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણ માટે યુએસએ સહિત વિદેશ જવાની ખરી મોસમ આવી ત્યારે જ ડોલરની આ દાદાગીરી ભારતીય વિદ્યાર્થી જગતને ભારે લાગી રહી છે. કરણ જેવા અનેક વિદ્યાથીઓ અને તેમના પરિવારો મૂંઝવણમાં મુકાયા છે. એજ્યુકેશન લોન લેવી? તેના ઊંચા વ્યાજ અને તેના હપ્તાને કેવી રીતે પહોંચી વળીશું? એ સવાલ ઉપરાંત ઘરઆંગણે મોંઘવારીના ઊંચા ભાવોની ચિંતા પણ તો ઊભી જ છે.
મોંઘો ડોલર છતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી
કોવિડ-૧૯ બાદ વિદેશોમાં જવાના દરવાજા મોકળા થવા સાથે આ વરસે અગાઉ કરતાં બમણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે પરદેશ જવા સજ્જ થઈ ગયા છે ત્યારે ડોલરનો ઊંચો ભાવ તેમની પરદેશ ભણવાની ભાવના પર પાણી ફેરવી નાખે એવો માહોલ બની રહ્યો છે. ૨૦૨૨ની શરૂઆતથી અત્યાર સુધીમાં રૂપિયો ડોલર સામે સાત ટકા નબળો પડ્યો છે. ગયા મંગળવારે રૂપિયાએ ૮૦ની સપાટી વટાવી હતી. જોકે અનેક અગમચેતીનો અભિગમ ધરાવતા પરિવારો ડોલર નીચો હતો ત્યારથી જમા કરવા લાગ્યા હતા. આમ પણ વિદેશ અભ્યાસ માટે જવાની તૈયારી બે-ત્રણ વરસ પહેલાંથી આરંભાઈ જતી હોય છે. નિષ્ણાતોના મતે હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓના સપના પર સાવ પાણી ફરી નહીં જાય, હા, તેમના પરિવારે હાલ વધુ નાણાબોજ ઉઠાવવો પડશે, પણ તેમને ભવિષ્યમાં વળતર સારું મળવાની આશા રહેતી હોવાથી પરિવારો હિંમત કરીને પણ વ્યવસ્થા કરી લેતા હોય છે. આજની તારીખમાં લોન માટેની સુવિધા વધી હોવાથી મોટા ભાગના પરિવારો પોતાના સંતાન માટે ટૂંકા ગાળાનું જોખમ લેવા તૈયાર થઈ જાય છે. વધુમાં યુએસમાં ભારતીયોને નોકરીની તકો ઝડપી અને સારી મળતી હોય છે. આજે અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુએસની અનેક નાની-મોટી કંપનીઓમાં સારા સેલેરી પેકેજ પર છે. આ આકર્ષણ તેમના માટે મહત્ત્વનું બને છે.
આ સવાલ કે મુદ્દો માત્ર વિદ્યાર્થીઓનો જ નથી, ડોલર મોંઘો થવાથી અનેક ટ્રાવેલર્સ પણ પોતાના યુએસ પ્લાન વિશે પુન: વિચારણા કરતા થયા છે. તેઓ બીજી વાર પ્લાન કરીશું, આ વખતે અન્ય દેશમાં ટૂર કરી આવીએ એમ મન મનાવી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. આમ પણ વિદેશોમાં ફરવા જવા માટે માત્ર યુએસએ એક જ આકર્ષક ડેસ્ટિનેશન નથી, તેના સિવાયના અનેક વિકલ્પો છે, જ્યારે કે ઉચ્ચ અભ્યાસ માટે હજી પણ યુએસએનું આકર્ષણ વધુ રહે છે. તેના વિકલ્પ રૂપે ઘણા યુએસને બદલે કેનેડાને વધુ પસંદ કરે છે.
ડોલર મજબૂત થવાનાં કારણ
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ગ્લોબલ સંજોગોમાં ધરખમ પરિવર્તન આવવા લાગ્યાં અને ક્રૂડ ઓઈલ તેમ જ વિવિધ કોમોડિટીઝના ભાવો આસમાને જવા લાગ્યા. આપણી સોનાની આયાત પણ ફોરેક્સ રિઝર્વ પર ભાર વધારે છે. આ બધાને પરિણામે આપણા દેશનું આયાત બિલ વધે એ સ્વાભાવિક છે અને આયાત બિલ વધે તેમ વિદેશી હૂંડિયામણ બહાર જાય, વિદેશી હૂંડિયામણની અનામત ઘટે એ અર્થતંત્રના વિકાસમાં અવરોધ બને. આમ તો આપણી રિઝર્વ બેંક પાસે હાલ નોંધપાત્ર ફોરેક્સ રિઝર્વ છે અને આ રિઝર્વ વધે એ માટે તેણે વિવિધ પગલાં પણ ભરવા માંડ્યાં છે. જોકે આ પગલાં કેટલાં અસરકારક નીવડે છે તે કહેવું કઠિન છે. ડોલરની મજબૂતાઈ નિકાસ માટે સારી બાબત ગણાય, પણ નિકાસનો સ્કોપ વધે તો આ લાભ લઈ શકાય. રૂપિયા સામે ડોલર મજબૂત થતો જવાનું એક કારણ છેલ્લા કેટલાય સમયથી ફોરેન ઈન્વેસ્ટર્સ શેરબજારમાં સતત નેટ વેચાણ કરી નાણાં પાછાં ખેંચી રહ્યા હોવાનું પણ છે.
રિઝર્વ બેન્કે લીધેલાં પગલાં
આ પડકારનો સામનો કરવા રિઝર્વ બેન્કે તાજેતરમાં વધુ ડોલર ડિપોઝિટ ભારતમાં આવે અને ફોરેન કરન્સીની રિઝર્વ વધે એવા ચોક્કસ પગલા રૂપે એફસીએનઆર (ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ ડિપોઝિટ) અને એનઆરઈ ડિપોઝિટ પરની વ્યાજ મર્યાદા પાછી ખેંચીને બેન્કોને વધુ વ્યાજ ઓફર કરવા મારફત વધુ ડિપોઝિટ આકર્ષવાની તક આપી છે. આ ઉપરાંત વિદેશી સંસ્થાઓ માટે ખાનગી કે સરકારી બોન્ડ્સમાં રોકાણના નિયમો હળવા બનાવાયા છે. જોકે નિષ્ણાતોના મતે આટલા ફેરફારથી ખાસ ફરક પડશે નહીં. અગાઉ ૨૦૧૩-૧૪માં આવા સંજોગો ઊભા થયા હતા ત્યારે રિઝર્વ બેન્કે બેન્કોને વ્યાજમાં સબસિડી આપી હતી, આ વખતે સબસિડીની સુવિધા અપાઈ નથી. ૨૦૧૪માં રિઝર્વ બેન્કે વ્યાજ સબસિડી આપતાં બેન્કો ૨૭ અબજ ડોલર જેવી જંગી રકમ ફોરેન કરન્સી ડિપોઝિટ મારફત ઊભી કરી શકી હતી. રિઝર્વ બેન્ક માને છે કે આ વખતે ફોરેન કરન્સી ક્રાઈસિસ ૨૦૧૩-૧૪ જેવી નથી. ૧૯૯૭-૯૮માં ડોલર સામે રૂપિયો ૪૩થી ૫૮ થઈ ગયો હતો, ૨૦૧૩ની કટોકટીમાં ૬૧નો ૬૮ થઈ ગયો હતો. હાલ ૨૦૨૨માં ડોલર સામે રૂપિયો ૮૦ની આસપાસ આવી ગયો છે.
યુએસમાં વ્યાજદરમાં વધારો
એક બાજુ શેરબજારમાંથી ૪૦ અબજ ડોલરથી વધુ રકમ પાછી ખેંચાઈ ગઈ છે, જ્યારે બીજી બાજુ યુએસમાં ફુગાવો વધતાં અને ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરતાં અને હજી વધારવાના સંકેત આપતાં રોકાણ સતત ડોલર તરફ વળી રહ્યું છે, આ ઓછું હોય તેમ ભારતીય રૂપિયો નબળો પડવાથી અહીં રોકાણનું જોખમ વધ્યું છે. એક વાત એ પણ નોંધવી રહી કે ભારતીય રૂપિયો માત્ર ડોલર સામે જ નબળો પડ્યો છે, અન્ય દેશોની કરન્સી સામે નહીં, કારણ કે અન્ય દેશોની કરન્સી પણ હાલ નબળી પડી છે, માત્ર ડોલર જ મજબૂત રહ્યો છે. ગ્લોબલ સંજોગોની અસર અનેક દેશો પર નેગેટિવ રહેતાં એ દેશો પણ હાલ તો વ્યાજદરના વધારા તરફ આગળ વધી રહ્યા છે. દરમ્યાન આપણી કંપનીઓનાં વિવિધ વિદેશી લોનનાં રિપેમેન્ટ નજીકના ભવિષ્યમાં પાકી રહ્યાં છે, જેની સામે હેજિંગ ન કરાયું હોય એવું મોટું દેવું પણ માથે લટકે છે. આવા સંજોગોમાં વધુ ડોલર બહાર જાય નહીં અને ઉપરથી અંદર – દેશમાં આવે તે માટે પ્રયાસ જરૂરી છે. ભારતમાં કરન્સી ઘસારાના જોખમને લીધે પણ ડોલરના પ્રવાહને બ્રેક લાગી છે. જોકે હાલના દિવસોમાં ફોરેન ઈન્વેસ્ટર્સની ખરીદી પુન: શરૂ થઈ છે. જો આ પ્રવાહ વધવાનું ચાલુ રહે તો રૂપિયાની નબળાઇ દૂર થઈ શકે. બીજી બાજુ રશિયા ભારત સાથે રૂપિયામાં સોદા વ્યવહાર કરવા રાજી છે. અન્ય દેશો પણ આમ કરે તે આવકાર્ય બને.
ડોલર સામે કઈ રીતે સજ્જ થવું જોઈશે
અગાઉ ૧૯૯૭-૯૮માં, ૨૦૦૧માં, ૨૦૦૮માં, ૨૦૧૩-૧૪માં કરન્સી ક્રાઈસિસ આવી. રિઝર્વ બેન્ક પાસે હાલ ૫૯૩ અબજ ડોલરનું ફોરેન કરન્સી રિઝર્વ છે, જે ૨૦૧૩ની તુલનાએ બમણું છે, અર્થાત્ હાલ ભારતની કરન્સી ક્રાઈસિસમાં નથી. તેમ છતાં આપણે મેક ઈન ઈન્ડિયા તરફ અને આત્મનિર્ભર બનવા તરફ વળ્યા છીએ ત્યારે આપણે ડોલરની દાદાગીરી બંધ થાય એ માટે પણ સજ્જ-સક્ષમ થવું પડશે. આ દિશામાં સરકાર પેટ્રોલ-ડીઝલના વિકલ્પ ઊભા કરી રહી છે. એલએનજી અને બેટરીથી ચાલતાં વાહનોના પ્રોત્સાહન પર જોર અપાઈ રહ્યું છે. ડિફેન્સનાં સાધનો દેશમાં જ બનાવવાના પ્રોજેક્ટ ઊભા કરાઇ રહ્યા છે. સોનાની આયાત ઘટે એના પર પણ ધ્યાન આપવું જોઈશે. આમ ઓવરઓલ આયાત નિર્ભરતા ઘટાડવા પર જોર અપાઇ રહ્યું છે. વેપાર-ઉદ્યોગનો આમાં મજબૂત સાથ અનિવાર્ય છે. પ્રત્યક્ષ યા પરોક્ષ વિદેશી રોકાણપ્રવાહ ભારતમાં આવતો રહે એ દિશામાં પણ પગલાં જરૂરી છે. ઉચ્ચ શિક્ષણનો સવાલ છે ત્યાં વિદેશોને બદલે ભારતમાં જ ફોરેન યુનિવર્સિટી સ્થપાય અને ભારતના વિદ્યાર્થીઓ પરદેશ જવાને બદલે ભારતમાં જ એ ફોરેન યુનિવર્સિટીનો લાભ લઈ શકે એ ઉદ્દેશ સાથે ગુજરાતના ગિફ્ટ સિટીમાં ફોરેન યુનિવર્સિટીઝને આવકાર અપાઇ રહ્યો છે, જેની લાંબા ગાળાની અસર આગામી ત્રણથી પાંચ વરસમાં જોવા મળશે. આ સાથે સરકારે નિકાસને વેગ મળે એવાં નક્કર કદમ ભરવાં એ પણ સમયની માગ છે.
——————
બિનરહીશ ભારતીયો ડોલરનો સપોર્ટ આપી વંદેમાતરમ્ કરે

મોદી-મોદી-મોદી-મોદી… વિદેશોમાં જ્યાં પણ આપણા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાય ત્યારે આ નારા સતત સાંભળવા
મળે છે. વિદેશોમાં વસતા ભારતીયો (બિનરહીશ ભારતીયો)
મોદીને ઉમળકાભેર અર્થાત્ ભારતને વંદેમાતરમ્ના નારા સાથે
આવકારે છે, આ એનઆરઆઈ વર્ગ ભારતની બહાર રહીને
પણ દેશના લોકોને સહાય-સહયોગ આપે છે અને અર્થતંત્રને
પણ ટેકો આપે છે. હાલ આવો સમય ફરી આવ્યો છે, જ્યારે
કે ભારતીય અર્થતંત્રને બિનરહીશ ભારતીયોના સપોર્ટની
આવશ્યકતા છે.
વર્તમાનમાં રિઝર્વ બેન્ક વિદેશી હૂંડિયામણની અનામત વધારવા સાથે ડોલર સામે નબળા પડી રહેલા રૂપિયાને મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે.
આ પ્રયાસમાં સાથી હાથ બઢાનાની જેમ બિનરહીશ ભારતીયો પોતાનાં નાણાં ભારતીય બેન્કોમાં ડિપોઝિટ તરીકે મૂકીને રિઝર્વ બેન્કને અને અર્થતંત્રને ટેકો આપી શકે છે.
હકીકત એ છે કે કોવિડના સમયથી એનઆરઆઇ ડિપોઝિટનો પ્રવાહ ઘટ્યો હોવાનું નોંધાયું છે. એ સમયમાં વિદેશ વસતા ભારતીયોની આવક પણ ઘટી હતી, જ્યારે કે રૂપિયો મજબૂત હતો, જેની સામે હાલ રૂપિયો નબળો હોવાથી તેમને ડોલર ડિપોઝિટ પર વધુ વ્યાજનું આકર્ષણ થઈ શકે.
અલબત્ત, આ મામલે રિઝર્વ બેન્કે પણ વધુ ઉદાર બનવું પડે, જે રિઝર્વ બેન્કને કેટલું પોસાશે? એ સવાલ છે.
————————
રૂપિયાનું લેવલ સેટ કરાયું નથી, પણ વોલેટિલિટીની ચિંતા ખરી: રિઝર્વ બેન્ક
દરમ્યાન શુક્રવારે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે સ્પષ્ટ કહ્યું કે અમે રૂપિયાના લેવલ કરતાં તેની વોલેટિલિટી સામે વધુ ચિંતિત છીએ. અમે રૂપિયાનું કોઈ લેવલ સેટ કર્યું નથી, અમારા મતે વોલેટિલિટી ચલાવી લેવાય એમ નથી. તેમનું કહેવું હતું કે ગ્લોબલ સંજોગો કથળી રહ્યા છે, જેની તુલનાએ ભારતીય અર્થતંત્ર બહેતર રહ્યું છે.
આરબીઆઈની રેટ સેટિંગ પેનલે ફુગાવાને ધ્યાનમાં રાખી છેલ્લા અમુક મહિનામાં ૯૦ બેઝીસ પોઈન્ટનો વ્યાજવધારો કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.