તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ
ઘણીવાર અનુભવાય છે કે પુરાણોની કથાઓના રૂપકો પાછળ ક્યાંક ભૌતિકશાસ્ત્ર, ખગોળવિજ્ઞાન અને સૃષ્ટિનાં અનેક રહસ્યો વિષદ રીતે વર્ણવાયાં છે. જો કે એ વાર્તાઓમાં છુપાયેલા છે અને ક્યાંક આપણી કર્ણોપકર્ણ પરંપરાએ એના વિચારને છોડીને ફક્ત વાર્તાઓને પકડી રાખી છે. આજે આ કથાઓ આપણાં માટે એક કોયડો બની રહી છે જેમાંથી સત્ત્વ શોધવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ઋગ્વેદના હિરણ્યગર્ભ સૂક્ત કે નાસદીય સૂક્તની જેમ પુરાણો અને બ્રાહ્મણગ્રંથોમાં પણ અનેક વિગતો છે જેને આપણે હજુ સમજી રહ્યા છીએ. આવું જ સૌરમંડળની ગાથા કરતું કથાનક શિવપુરાણમાં છે જેમાં કામદેવ અને સંધ્યાની કથા છે, એના અરુંધતી રૂપે પુનર્જન્મની કથા છે.
શિવપુરાણમાં કથા છે કે બ્રહ્માજીએ દેવતાઓ, અસુરો, મનુષ્યો એમ સંપૂર્ણ જીવોની સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેમણે માનસપુત્રો – મરીચિ, અત્રિ, પુલહ, પુલસ્ત્ય, અંગિરા, ક્રતુ, વસિષ્ઠ, નારદ, દક્ષ અને ભૃગુને બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા, એ પછી તેમના હૃદયમાંથી અત્યંત મનોહર રૂપવાળી એક સુંદર ક્ધયા અને એક પુત્ર ઉત્પન્ન થયાં. ક્ધયાનું નામ ‘સંધ્યા’ હતું. તે દિવસે ક્ષીણ થઈ જતી, પરંતુ સાયંકાળમાં એનું રૂપ અપ્રતિમ થઈને ઝળકી ઊઠતું. સુંદર ભ્રમરોવાળી એ સ્ત્રી સૌંદર્યની ચરમસીમા હતી, એ તપસ્વીઓનાં મન પણ મોહી લેતી. બ્રહ્માજીના માનસથી જે મનોહર પુરુષ પ્રગટ થયો. તે અત્યંત સુંદર હતો. એના શરીરનો મધ્યભાગ સપ્રમાણ પાતળો હતો. સ્ત્રીઓ માટે એ અત્યંત આકર્ષક હતો. એની દંતપંક્તિઓ સુંદર હતી, આંખો કમળ જેવી શોભા આપતાં હતાં. અંગોમાં લગાડેલા મનમોહક કેસરની સુગંધ ચોતરફ પ્રસરી રહી હતી. બ્રહ્માજીએ એને કંદર્પ એવું નામ આપ્યું અને કહ્યું, આ જ મનમોહક સ્વરૂપથી અને પુષ્પથી બનાવેલા તમારા પાંચ બાણોથી સ્ત્રીઓ અને પુરુષોને સતત મોહિત કરતાં સૃષ્ટિની વૃદ્ધિના સનાતન કાર્યને આગળ ધપાવો. ત્રિભુવનમાં દેવતાઓ વગેરે કોઈ તમારો તિરસ્કાર કરી શક્શે નહીં. તમે ખબર પણ ન પડે એમ જીવોના હૃદયમાં પ્રવેશીને એમના સુખનો હેતુ બનીને સૃષ્ટિનું સનાતન કાર્ય કરો. સમસ્ત પ્રાણીઓનાં જે મન છે, તે તમારાં પુષ્પમય કામ બાણના અદ્ભુત લક્ષ્ય બની જશે. ક્ષેપક કથાનો વિસ્તાર એવો છે કે પોતાના પ્રભાવને જાણવા કામદેવે બ્રહ્માજીની સભામાં બાણ ચલાવ્યું અને સર્વે સભાસદો મોહિત થઈ ગયાં, પરંતુ ધર્મને ખ્યાલ આવ્યો કે આ ખોટું છે, એ જ વિચાર સંધ્યાને પણ આવ્યો. ધર્મે શિવજીને વિનંતિ કરી અને શિવજીએ સભામાં દર્શન આપી સર્વેને પૂર્વવત્ત કર્યા. બ્રહ્માજીએ કામને શ્રાપ આપ્યો કે એને શિવનું ત્રીજું નેત્ર એક દિવસ બાળશે પણ કામદેવે કહ્યું કે હું તો તમે આપેલું કર્મ જ કરી રહ્યો હતો. જો કે એણે સ્થાન યોગ્યતા જોઈ નહોતી એટલે શ્રાપ વિફળ ન થયો પણ બ્રહ્માજીએ તેને કહ્યું કે શિવ જ તેને ઉગારશે. એ જ સભામાં હાજર દક્ષ પ્રજાપતિએ કામદેવના વિવાહ પોતાની પુત્રી રતિ સાથે કરવાનું નિરધાર્યું. તેમણે કામદેવને કહ્યું, ‘મારા શરીરથી ઉત્પન્ન થયેલી મારી પુત્રી સુંદર રૂપ અને ઉત્તમ ગુણવાળી છે. એને તમે પત્ની તરીકે સ્વીકારો. ગુણોની દૃષ્ટિએ એ સર્વથા તમારે યોગ્ય છે.’ આમ દક્ષ પ્રજાપતિએ કંદર્પ અને રતિના લગ્ન કરાવ્યાં. દક્ષની એ પુત્રી અત્યંત સ્વરૂપવતી અને આકર્ષક હતી. એની સાથે લગ્ન કરી કામદેવ અત્યંત આનંદિત થયાં અને રતિમાં પૂર્ણપણે મોહિત થઈ ગયાં. શિવપુરાણમાં લખાયું છે કે જેમ યોગી યોગવિદ્યાને પોતાના હૃદયમાં સ્થાન આપે એમ કામદેવે રતિને પોતાના હૃદયસિંહાસને બેસાડી.
આ તરફ સંધ્યા શિવદર્શનથી તેમને પ્રસન્ન કરવા તપ કરવાનો નિર્ધાર કરી ચૂકી હતી. કામદેવના સભામાં થયેલા પ્રયાસે તેના મનમાં એક વાર કામભાવ આવી ગયો, એટલે એ સાધ્વીએ નિશ્ર્ચય કર્યો કે વૈદિકમાર્ગ અનુસાર અગ્નિમાં એ શરીરની આહુતિ આપી દેશે. આ પૃથ્વી પર કોઈ દેહધારી ઉત્પન્ન થતાંની સાથે કામયુક્ત ન થાય એ માટે કઠોર તપસ્યા કરીને મર્યાદા સ્થાપિત કરવાની એણે કામના કરી. સંધ્યા ચંદ્રભાગ પર્વત પર તપ કરવા જતી રહી જ્યાંથી ચંદ્રભાગા નદી નીકળે છે. બ્રહ્માજીએ એનો મનોભાવ જાણી તેને તપ વિશે માર્ગદર્શન આપવા વસિષ્ઠજીને વિનંતિ કરી. વસિષ્ઠજીએ તેને શિવ આરાધના અને તપસ્યાની સંપૂર્ણ વિધિ વિગતે કહી. પર્વત પર બૃહલ્લોહિત સરોવરના તટ પર સંધ્યા તપમાં લીન થઈ. એણે ચાર યુગ ઘોર તપસ્યા કરી અને અંતે એથી શિવે પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યાં, સંધ્યાએ આંખો બંધ કરી જગદીશ્ર્વર શિવની સ્તુતિ કરી. શિવપુરાણની આ સ્તુતિ અત્યંત મનોહર છે.
નિરાકાર જ્ઞાનગમ્યં પરં યન્નૈવ સ્થૂલં નાપિ સૂક્ષ્મંનો ચોરચમ્
અંતશ્ર્ચિંન્ત્યં યોગિભિસ્તસ્ય રૂપં તસ્મૈ તુભ્યં લોકકર્ત્રે નમોઽસ્તુ
જે નિરાકાર અને પરમ જ્ઞાનગમ્ય છે, જે ન સ્થૂળ કે ન સૂક્ષ્મ છે, યોગીઓ જેના સ્વરૂપનું હૃદયથી ચિંતન કરે છે એ લોકસૃષ્ટા ભગવાન શિવ, તમારા એ રૂપને નમસ્કાર છે. શિવે એને વરદાન માંગવા કહ્યું. સંધ્યાએ માંગ્યું, હે દેવેશ્ર્વર! આ બ્રહ્માંડમાં પૃથ્વી વગેરે કોઈપણ સ્થાનમાં પ્રાણીઓ જન્મ લેતાંની સાથે જ કામભાવથી યુક્ત ન થઈ જાય. હે નાથ! મારી સકામ દૃષ્ટિ ક્યાંય ન પડે. મારા જે પતિ હોય તે પણ મારા અત્યંત સુહૃદ હોય. પતિ સિવાય જે કોઈ પુરુષ મને સકામ ભાવથી જુએ – એના પુરુષત્વનો નાશ થઈ જાઓ, તે તત્કાળ નપુંસક થઈ જાય.
શિવે એને કહ્યું, તારે જોઈતાં બધાં જ વરદાન તને મળશે. પ્રાણીઓના જીવનમાં મુખ્યત: ચાર અવસ્થાઓ હશે, શૈશવ, કૌમાર, યૌવન અને વૃદ્ધાવસ્થા. ત્રીજી અવસ્થા પ્રાપ્ત થતાં જીવ કામભાવથી યુક્ત થશે. ક્યાંક ક્યાંક બીજી અવસ્થાના અંતિમ ભાગમાં જ પ્રાણી સકામ થશે. તારી તપસ્યાના પ્રભાવથી મેં સચરાચરમાં આ મર્યાદા સ્થાપિત કરી દીધી. પછી સંધ્યાની ઈચ્છા મુજબ તેને સતીત્વનું વરદાન આપ્યું, તપસ્વી અને દિવ્યરૂપ સંપન્ન પતિ મળે એવા આશિષ આપ્યા જેની સાથે એ સાત કલ્પ સુધી જીવિત રહેશે.
સંધ્યાની તપસ્યા દરમ્યાન સતયુગ વીતી ગયો હતો અને ત્રેતા શરૂ થયો હતો. દક્ષની સત્યાવીશ ક્ધયાઓનો વિવાહ એમણે ચંદ્ર સાથે કરી દીધો હતો. ચંદ્ર એક જ પત્ની રોહિણીને પ્રેમ કરતો હતો, દક્ષે તેને શ્રાપ આપ્યો, બ્રહ્માજીએ ચંદ્ર પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે એ માટે ચંદ્રભાગા નદીનું અવતરણ કરાવ્યું. ત્યારબાદ સંધ્યા ચંદ્રભાગા નદીના તટપર ચાલી રહેલા મુનિવર મેઘતિથિના બારવર્ષ ચાલનારા જ્યોતિષ્ટોમ યજ્ઞમાં ગઈ અને પોતાના શરીરનો ત્યાં ઉત્સર્ગ કર્યો. સંધ્યાએ મહર્ષિ વસિષ્ઠને પતિ તરીકે પ્રાપ્ત કરવાના નિશ્ર્ચય સાથે શરીર યજ્ઞમાં હોમી દીધું. એનું પુરોડાશમય શરીર એટલે કે યજ્ઞભાગ તત્કાળ બળી ગયું. અગ્નિએ એના શરીરને પુન: સૌરમંડળમાં પહોંચાડી દીધું. સૂર્યે પિતૃઓ અને દેવતાઓની પ્રસન્નતા માટે એને બે સ્વરૂપે પ્રસ્થાપિત કર્યું. સંધ્યાના શરીરના ઉપરના ભાગથી દેવતાઓને પ્રસન્ન કરનારી પ્રાત:સંધ્યા અથવા આદિસંધ્યા સર્જાઈ, અને શરીરના બાકીના ભાગમાંથી અંતિમ સંધ્યા અથવા પિતૃઓને પ્રસન્ન કરનાર સાયં સંધ્યા સર્જાઈ. ભગવાન શિવે એના મન અને પ્રાણને દેહસ્વરૂપ આપ્યું. યજ્ઞ પૂર્ણ થયો ત્યારે મુનિ મેઘતિથિને તપાવેલા સ્વર્ણ જેવી કાંતિ ધરાવતી પુત્રી પ્રાપ્ત થઈ, મુનિ અત્યંત પ્રસન્નતાથી એને આશ્રમમાં શિષ્યો સાથે ઉછેરતાં રહ્યાં. અહીં એણે શાસ્ત્રોનું અને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ચંદ્રભાગા નદીના તટ પર એ મોટી થતી રહી અને અત્યંત સ્વરૂપવતી થઈ. એ ધર્મને સર્વ પ્રકારે પાળતી હતી, કદી એનો અવરોધ ન કરતી એટલે એનું નામ અરુંધતી થયું. વિવાહયોગ્ય ઉંમર થઈ ત્યારે મેઘતિથિએ તેને વસિષ્ઠ સાથે પરણાવી. મહાસાધ્વી અરુંધતી સમગ્ર પતિવ્રતાઓમાં શ્રેષ્ઠ થઈ. આપણે ત્યાં મહર્ષિ વસિષ્ઠ સપ્તર્ષિમાંના એક ઋષિ સ્વરૂપે આકાશમાં કાયમ વિદ્યમાન છે, સંધ્યા દિવસમાં બે વાર થાય છે અને એ બંને વખત સપ્તર્ષિની હાજરી અવશ્ય હોય છે.