જેમ્સ ઓગસ્ટસ હિકીની કથા: વોરન હેસ્ટિંગ્સના રાજમાં એવું થયું કે…

વીક એન્ડ

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

(ગયા અંકથી ચાલુ)
ગત સપ્તાહે આપણે અહીં ભારતીય પત્રકારત્વના પાયાના પથ્થર એવા જેમ્સ ઓગસ્ટસ હિકીની વાત માંડેલી. જેમ્સ હિકી કોઈ પત્રકારત્વ ભણેલો જણ નહોતો, પણ એણે પત્રકારત્વ ક્ષેત્રે જે ધોરણ સ્થાપિત કર્યું, એ આજેય માઈલ સ્ટોન ગણાય છે.
મૂળ આયર્લેન્ડમાં જન્મેલો હિકી ઉંમરલાયક થયા બાદ ફેડન નામના એક પ્રિન્ટરના સહાયક તરીકે નોકરી કરવા માંડ્યો, જ્યાં સાવ અજાણપણે વાચન, લેખન અને પબ્લિકેશનની પ્રવૃત્તિ છાને પગલે એના લોહીમાં ભળી ગઈ, જે આગળ જતાં ‘પત્રકારત્વ’ સ્વરૂપે પ્રકટ થઇ. જોકે એ પહેલાં જેમ્સ હિકીએ સંજોગોને આધીન પહેલાં વકીલ અને પછી સર્જ્યન તરીકે પણ કાર્ય કર્યું. (એ જમાનામાં આવું શક્ય હશે.) એક સર્જ્યનના સહાયક તરીકે ભારત આવીને એણે પોતાનો સાઈડ બિઝનેસ પણ શરૂ કર્યો.
પ્લાસી અને બક્સરના યુદ્ધ પછીની સ્થિતિ
ઈ. સ. ૧૭૫૭માં પ્લાસી અને ૧૭૬૪માં બક્સરનાં યુદ્ધો જીત્યા બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ પર પ્રભુત્વ જમાવી દીધું હતું. આ વ્યાપારી અને રાજકીય પ્રભુત્વને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓને અનેક પ્રકારનાં ચાવીરૂપ સ્થાનો પર આધિપત્ય જમાવવાનો મોકો મળ્યો. પોતાને આવી મળેલી અબાધિત સત્તાને પરિણામે આ અધિકારીઓ ધૂમ રૂપિયો રળવા માંડ્યા. એ સમયે સરેરાશ બ્રિટનવાસીની વાર્ષિક આવક ૧૭ પાઉન્ડ હતી, જેની સામે ભારત ખાતે કામ કરનારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પગારદાર વર્ષેદહાડે સરેરાશ ૮૦૦ પાઉન્ડ જેવી રકમ કમાઈ લેતો! આવી તોતિંગ કમાણીમાં ખાનગી વેપાર અને લાંચ-રુશવતનો સિંહફાળો હતો. આવી ધીકતી કમાણી કરવા માટે જ એ જમાનામાં યુરોપિયનોનાં ધાડેધાડાં ભારત આવતાં હતાં. આમ જુઓ તો જેમ્સ ઓગસ્ટસ હિકી પણ આ જ કારણોસર ભારત આવ્યો હતો.
બીજા વિદેશીઓની માફક એણે પણ ભારત અને યુરોપ વચ્ચે થતી માલસામાનની યાતાયાતના ધંધામાંથી નફો રળી લેવો હતો, પરંતુ એનો માલસામાન ભરીને દરિયો ખેડી રહેલા જહાજને કોઈક કારણોસર ભારે નુકસાન થયું અને વેપારીઓને વળતર ચૂકવવું પડે એવી નોબત આવી, પણ જેમ્સ બધા વેપારીઓને વળતર ચૂકવી શક્યો નહિ, જેને પરિણામે એણે જેલના સળિયા ગણવાનો વખત આવ્યો. જેલમાં બેઠે બેઠે એણે પ્રિન્ટિંગનું કામ શરૂ કર્યું. એમાં થોડા રૂપિયા મળતાં પોતાને માટે સારો વકીલ રોકીને જેલમાંથી મુક્તિ મેળવી. બહાર આવ્યા બાદ બીજા કોઈ વિકલ્પો હતા જ નહિ. છાપકામનો ધંધો ચાલી જ રહ્યો હતો, એટલે એના વિકાસ માટે થઈને હિકીએ પોતે જ છાપું શરૂ કર્યું. જો કે આ છાપું શરૂ થવા પાછળ પણ એક રસપ્રદ કારણ છે.
થયું એવું કે જેલમાં બેઠે બેઠે હિકીને વિચાર આવ્યો કે જેલમાંથી મુક્ત થયા બાદ, જો પોતાના વગદાર સંપર્કોનો ઉપયોગ કરીને એ છાપકામ ચાલુ રાખે, તો સરકારી છાપકામના મોટા કોન્ટ્રાક્ટ્સ હિકીના પ્રેસને મળી શકે એમ હતા. આવું વિચારીને હિકીએ પ્રેસની આધુનિક મશીનરી વસાવવા પાછળ મોટું રોકાણ કરી નાખ્યું. છાપકામની મશીનરી તો આવી ગઈ, પણ કોઈક કારણોસર સરકારી છાપકામ માટેના કોન્ટ્રાક્ટ્સ મેળવવામાં હિકીના છેડા ટૂંકા પડ્યા! હવે મશીનરી પાછળ જે જંગી રોકાણ કરેલું, એનું કરવું શું? આખરે હિકીને જે માર્ગ સૂઝ્યો, એ હતો ન્યુઝ પેપરના પ્રકાશનનો. છાપકામ માટે વસાવેલી મોંઘી મશીનરી સતત ધમધમતી રહે તો જ રોકાણ પાછું મળવાની શક્યતા રહે.
આ કારણોસર હિકીએ એક અખબાર શરૂ કર્યું, જેને નામ આપ્યું ‘હિક્કી’ઝ બેંગાલ ગેઝેટ!’ હિક્કીનું આ છાપું ભારતનું સૌથી પ્રથમ છાપું બન્યું, જે દર અઠવાડિયે પ્રકાશિત થતું હતું. જેમ્સ ઓગસ્ટસ હિકી કંઈ પત્રકારત્વ ભણ્યો નહોતો, પરંતુ પત્રકારત્વ કેવું હોવું જોઈએ, એ વિશેના એના વિચારો બહુ સ્પષ્ટ હતા. પોતાના છાપાના મથાળે એ લખાવતો, “A weekly Political and Commercial Paper, Open to all parties, but Influenced by None.’  આ પ્રકારનું મથાળું જ સૂચવે છે કે હિકી પોતાના છાપાના પોલિટિકલ સ્ટેન્ડ બાબતે બહુ સ્પષ્ટ હતો. છાપાના સમાચારો રાજકીય પૂર્વગ્રહોને આધારે નહિ, પરંતુ નીરક્ષીર વિવેક મુજબ, નિષ્પક્ષ રહીને જ લખાવા જોઈએ, એવું હિકી દૃઢપણે માનતો હતો, પરંતુ હિકી પોતાના આ આદર્શને વફાદાર રહી શકે એવી પરિસ્થિતિ નહોતી.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભ્રષ્ટાચાર
તમે જ્યારે એક કરતાં વધુ ક્ષેત્રમાં કામ કર્યું હોય, ત્યારે સૌથી મોટો ફાયદો એ થાય કે તમને એક કરતાં વધુ કાર્યક્ષેત્રોની કામ કરવાની પદ્ધતિ વિષે ખબર હોય અને આ પ્રકારની માહિતી એક પત્રકાર માટે બહુ ઉપયોગી સાબિત થતી હોય છે. પહેલાં છાપકામ પછી વકીલાત, દાક્તરી અને વેપાર કર્યા બાદ જેલયાત્રા સુધ્ધાં કરી ચૂકેલા હિકીને પણ આ ફાયદો મળ્યો. ભારત પર રાજ કરતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કાર્યપદ્ધતિને એણે ખૂબ નજીકથી નિહાળી. પરિણામે કંપની દ્વારા ભારતીય લોકોના શોષણ અને ગોબાચારી અંગે હિકીને જાણ હતી. એનું પરિણામ એ આવ્યું કે હિકીએ પોતાના અઠવાડિક છાપામાં કંપની સરકાર સામે બેબાકપણે લખવાની શરૂઆત કરી.
બ્રિટિશ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ
હવે પછીનો ઘટનાક્રમ રસપ્રદ છે, જે સીધો ભારતના ઈતિહાસ સાથે જોડાયેલો છે. આ એ સમય હતો જ્યારે ભારતમાં કેટલાક મોટા રાજકીય બદલાવો આવી રહ્યા હતા. આ બધા વચ્ચે જેમ્સ હિકીએ ભલભલા શાસકોની સાડાબારી રાખ્યા વિના લખવાનું ચાલુ રાખ્યું. પરિણામે જેમ્સ ઓગસ્ટસ હિકીનું જીવન નરક બની ગયું, પણ એનું નામ ભારતીય પત્રકારત્વના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાઈ ગયું.
થયું એવું કે એ સમયગાળામાં ભારતમાં બ્રિટિશ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ પોતાની સત્તા મજબૂત પાયે જમાવી રહ્યો હતો. દરેક સત્તાધીશનું એક સપ્નું હોય છે અને એ સપનું એટલે ગમે એ ભોગે ‘સર્વ સત્તાધીશ’ બનવું. વોરન હેસ્ટિંગ્સ પણ દરેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા ભારતમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યો હતો. આ માટે હેસ્ટિંગ્સે દરેક મહત્ત્વનાં અને લાભદાયી ગણાતાં પદો પર પોતાના મળતિયાઓ અને મિત્રોની નિમણૂક કરવા માંડી. એ ત્યાં સુધી કે તત્કાલીન સુપ્રીમ કોર્ટ ઓફ બેંગાલના વરિષ્ઠ ન્યાયાધીશના સ્થાન પર પણ વોરન હેસ્ટિંગ્સના મિત્રને બેસાડી દેવાયો! આ માહોલમાં એક છાપાના માલિક તરીકે જેમ્સ ઓગસ્ટસ હિકી લાંબો સમય ચૂપ બેસી શકે એમ નહોતો. એણે કંપની સરકારના જુલમો વિષે અને વોરન હેસ્ટિંગ્સની ખોટી નીતિઓ વિષે પોતાના છાપા ‘બેંગાલ ગેઝેટ’માં જોશપૂર્વક લખવાનું શરૂ કર્યું.
કોઈ પણ છાપાનું મૂળભૂત ધ્યેય પ્રજાની નિસબત અંગેનું જ હોવું જોઈએ. એ માટે સરકારની તરફે ઊભા રહેવું પડે તો તેમ અને સરકારની વિરોધમાં ઊભા રહેવું પડે તો એય સહી! પણ વિશ્ર્વનો રાજકીય ઈતિહાસ તપાસશો તો સમજાશે કે કોઈ પણ શાસક પોતાની વિરુદ્ધ બોલનારા અખબારને લાંબો સમય સાંખી શકતો નથી. હિકીના ‘બેંગાલ ગેઝેટ’ને પણ કંપની સરકાર તરફથી મુશ્કેલીઓ પાડવા માંડી, પણ એનાથી હિકીનો ‘જોસ્સો’ ઓસરવાને બદલે વધતો રહ્યો. પરિણામે એક સમય એવો આવ્યો કે શક્તિશાળી શાસક વોરન હેસ્ટિંગ્સનો પરિવાર અને જેમ્સ ઓગસ્ટસ હિકીનું અખબાર રીતસર આમનેસામને આવી ગયાં! એ આખા ઘટનાક્રમ વિષે જાણીશું આવતા સપ્તાહે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.