તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ
ગતાંકમાં મહાભારતના આદિપર્વમાં આવતી ધૌમ્ય ઋષિ અને તેમના શિષ્યોની વાત કરી. તેમના શિષ્ય આરુણિની અજોડ ગુરુભક્તિને લીધે તેમના ઋષિ ઉદ્દાલક એવા નામકરણની કથા પણ જોઈ હતી. એ જ ઋષિ ઉદ્દાલકના શિષ્ય હતા કહોડ ઋષિ. તેમને શ્ર્વેતકેતુ નામનો પુત્ર અને સુજાતા નામની પુત્રી હતી. મહાભારતના વનપર્વ અંતર્ગત તીર્થયાત્રા પર્વમાં લોમશ ઋષિ યુધિષ્ઠિરને અષ્ટાવક્રની આ કથા કહે છે.
ઋષિ ઉદ્દાલક પાસે અભ્યાસ કરી શ્ર્વેતકેતુ મંત્રશાસ્ત્રમાં અત્યંત નિપુણ થયા હતા. તો ઉદ્દાલકના શિષ્ય કહોડ પણ અત્યંત નિયમપૂર્વક રહેતા, ગુરુની પૂર્ણ સમર્પણથી સેવા કરતા. ગુરુએ પ્રસન્ન થઈને તેમને સંપૂર્ણ વેદોનો અભ્યાસ કરાવ્યો હતો. તેમની નમ્રતાથી પ્રસન્ન થઈ પોતાની પુત્રી સુજાતાના લગ્ન કહોડ સાથે કરાવ્યા. સુજાતા ગર્ભવતી થઈ, એનો ગર્ભ અત્યંત તેજસ્વી અને તીક્ષ્ણ ગ્રહણશક્તિવાળો હતો. આશ્રમમાંથી એ મંત્રોચ્ચારણ ગ્રહણ કરતો. એક દિવસ એણે ગર્ભમાંથી જ કહોડમુનિને કહ્યું, ‘પિતાજી, તમે લાંબો સમય વેદપાઠ કરો છો પણ તમારું અધ્યયન શુદ્ધ ઉચ્ચારણ સાથે થતું નથી.’
શિષ્યોની વચ્ચે બેઠેલા મહર્ષિ કહોડને આ
મેણું હ્રદયસોંસરવું ઊતરી ગયું. એ ક્રોધિત થયા અને શ્રાપ આપતા કહ્યું, ‘હજુ તો તું ગર્ભમાં છે તો પણ આવી અવળી વાતો કરે છે; માટે તું આઠેય અંગોથી વાંકો જ જન્મશે.’ બાળકનો જન્મ થયો ત્યારે તેના આઠેય અંગ વક્ર હતા એટલે એનું નામ અષ્ટાવક્ર એવું પડ્યું.
ગર્ભ જ્યારે હજુ પ્રસવ્યો નહોતો ત્યારે સુજાતાએ પોતાના નિર્ધન પતિને કહ્યું, ‘મારા ગર્ભના દસ મહિના થઈ ગયાં, આપણે ધનહીન છીએ, પ્રસવ વગેરે માટેના ખર્ચની વ્યવસ્થા આપણે કઈ રીતે કરીશું?’ પોતાની આ સમસ્યાનો ઉકેલ મેળવવા ધન પ્રાપ્ત કરવા મુનિ કહોડ મહારાજ જનકના દરબારમાં ગયા.
જનકના દરબારમાં ત્યારે શાસ્ત્રાર્થમાં પંડિત બંદિનો દબદબો હતો. એ બ્રહ્મર્ષિએ શાસ્ત્રાર્થમાં પ્રકાંડ પંડિતોને હરાવ્યા હતા. એ દરબારમાં શરત હતી કે શાસ્ત્રાર્થમાં જે હારે એને જળમાં ડૂબાડી દેવાય.
આ રીતે બંદિએ અનેકોને શાસ્ત્રાર્થમાં હરાવી જળમાં ડૂબાડ્યા હતા. જ્યારે ઉદ્દાલકને એ સમાચાર મળ્યા કે સુત સાથે શાસ્ત્રાર્થમાં પરાજિત થવાથી જળમાં ડૂબાડી દેવાયા છે ત્યારે તેમણે પુત્રીને કહ્યું કે એ વાત પોતાના સંતાનથી હંમેશાં છુપાવીને રાખે. અષ્ટાવક્રનો ઉછેર ઉદ્દાલકના આશ્રમમાં જ થતો રહ્યો અને શ્ર્વેતકેતુ સાથે તેમને અનેરુ સખ્ય થયું.
પણ અષ્ટાવક્ર બાર વર્ષના હતાં ત્યારે એક દિવસ શ્ર્વેતકેતુના મેણાંથી તેમણે માતાને પોતાના પિતા વિશે પૂછ્યું. સુજાતાએ તેને આખી વાત કહી દીધી. શ્ર્વેતકેતુને સાથે લઈ અષ્ટાવક્ર મહારાજ જનકના દરબારમાં પહોંચ્યા.
પહેલા તો પ્રવેશ મેળવવા દ્વારપાળ સાથે તેમનો સંવાદ છે અને પછી રાજા જનકને તેઓ બંદિ સાથે શાસ્ત્રાર્થ કરવા માગે છે એમ કહ્યું. મહારાજ જનકે તેમને એના ભયસ્થાન અને ભૂતકાળમાં હારેલાઓની સ્થિતિ વિશે કહ્યું, પરંતુ અષ્ટાવક્ર પોતાના આગ્રહને વળગી રહ્યા ત્યારે મહારાજ જનકે તેમને અમુક પ્રશ્ર્નો પૂછ્યાં અને અષ્ટાવક્રે તેના અત્યંત માર્મિક ઉત્તર આપ્યા. એનું એક ઉદાહરણ જોઈએ.
રાજા જનકે તેમને પૂછ્યું, ‘જે બે ઘોડીઓની જેમ સંયુક્ત રહે છે અને જે બાજ પક્ષીની જેમ અચાનક પડનારી છે એ બંનેના ગર્ભને દેવતાઓમાંથી કોણ ધારણ કરે છે તથા એ બંને કયા ગર્ભને ઉત્પન્ન કરે છે?’
આ પ્રશ્ર્ન અંગે તત્ત્વચિંતકોથી લઈને ઋષિઓ તથા વૈજ્ઞાનિકો એમ સર્વે રસપૂર્વક ચર્ચા કરે છે. અષ્ટાવક્ર જવાબ આપતાં કહે છે, ‘રાજન, એ બંને તમારા શત્રુઓના ઘર પર પણ કદી ન પડે. વાયુ જેનો
સારથી છે એ મેઘરૂપ દેવ જ આ બંનેના ગર્ભને ધારણ કરનાર છે અને એ બંને મેઘરૂપ ગર્ભને ઉત્પન્ન
કરનાર છે.’
અષ્ટાવક્રે પ્રત્યક્ષ રીતે નહીં, પરંતુ ઇશારામાં જ આ પ્રશ્ર્નનો ઉત્તર આપ્યો છે અને મહારાજ જનક એ ઉત્તર સમજી ગયાં એ મહાભારતકારની અદ્ભુત વૈજ્ઞાનિક સમજણનો પણ પુરાવો છે.
અષ્ટાવક્ર કહે છે કે એ બે તત્ત્વ એટલે વૈદિક ભાષામાં વર્ણવાયેલ રવિ અને પ્રાણ અથવા અનુલોમ અને વિલોમ, વૈજ્ઞાનિકો જેને ઇલેક્ટ્રોન અને પ્રોટોન અથવા પોઝિટિવ અને નેગેટિવ કહે છે એ બંને સંયુક્ત રૂપે વિદ્યુત શક્તિને જન્મ આપે છે. એને ગર્ભની જેમ મેઘ ધારણ કરી રહે છે.
એ સંઘર્ષથી પ્રગટ થાય છે અને બાજની જેમ અચાનક અને તીવ્રતાથી પડે છે. ઉપરાંત એ જ્યાં પડે ત્યાં સઘળું ભસ્મ કરી દે છે. એથી અષ્ટાવક્ર
જનકને પોતાના ઉત્તરની શરૂઆતમાં જ કહે છે કે તમારા શત્રુઓના ઘર પર પણ એ કદી ન પડે. આ બે તત્ત્વોની સંયુક્ત શક્તિથી જ મેઘની ઉત્પત્તિ થાય છે. તેમના જવાબમાં એ વિગત પણ આપી છે કે વાયુ મેઘનો સારથી છે અને મેઘના ગર્ભમાં જ આ વીજભાર રહે છે.