મિજાજ મસ્તી-સંજય છેલ
ટાઇટલ્સ
સાચા પરિશ્રમથી મોટું પરાક્રમ કોઈ નથી (છેલવાણી)
ચા માત્ર ડ્રિંક નથી, પણ ભારતની નસોમાં વહેતું રાષ્ટ્રીય દ્રાવણ છે. ઓલ ઈન્ડિયા હિટ ચા, એક જાતની સામાજિક લેવલર છે! અમીર-ગરીબ, ભણેલ-અભણ, બૌદ્ધિક-બુદ્ધુ સૌને એક કક્ષા પર મૂકીને ૧૩૦ કરોડ જનતાને એક કરતું પ્રવાહી છે. આપણે ત્યાં ચાના અનેક પ્રકાર છે, પણ ચાની તલબ સૌ માટે સરખી જ છે. ચા, લેખકોની આદત, વાચકોનો નશો ને મજૂરોનું અમૃત છે!
આ દેશમાં એક ચાવાળો પ્રધાનમંત્રી બની શકે, એ લોકતંત્રનો ચમત્કાર છે તો પછી હમણાં એક એવી ૨૪ વરસની ચાવાળી વિશે જાણવા મળ્યું છે જેણે પટનામાં મહિલા હોસ્ટેલ પાસે ચાનો સ્ટોલ ખોલ્યો છે. પ્રિયંકા ગુપ્તા – વારાણસીની મહાત્મા ગાંધી, કાશી વિદ્યાપીઠથી ઇકોનોમિક્સની ગ્રેજ્યુએટ છે, અનેક વાર બેંકિંગ વગેરેની પરીક્ષાઓ આપી, પણ નોકરી ન જ મળી. બે વરસની બેકારી અને લોકડાઉન બાદ ‘આત્મનિર્ભર’ થવાની ધૂન સાથે બાપને જુઠ્ઠું કહીને ગામ પૂર્ણિયાથી પટના આવી. પી. એમ. મુદ્રા લોન સ્કીમમાંથી અને બીજી બેંકો પાસેથી લોન મેળવવાના અનેક પ્રયત્નો કર્યા, પણ બધું વ્યર્થ! છેવટે કોલેજના બેચમેટ્સ પાસેથી ૩૦,૦૦૦ ઉધાર લઈને ચાનો સ્ટોલ ખોલ્યો. ‘પીના હી પડેગા’ કે ‘સોચ મત ચખ કે દેખ લે’ – જેવાં મસ્તીભર્યાં સ્લોગનથી એણે દુકાનને શણગારી છે. અગાઉ તડકામાં જરાયે ન જતી નાજુક પ્રિયંકા હવે આખો દિવસ ચાના સ્ટોલ પર વેપાર કરે છે અને હા, એને પણ આ આઇડિયા કોઇ પ્રફુલ્લ બિલ્લોરે નામના એમ.બી.એ. થયેલા એક ચાવાળાના વીડિયો જોઈને આવેલો!
… પણ આ ઉપરાંત બીજો એક ચાવાળો છે જે કૈંક વિશેષ પણ છે. દિલ્હીમાં હિન્દીભવન પાસે, આરટીઓથી આગળ, અજય ભવન પાસે ચા વેચનારા લક્ષ્મણ રાવે ૨૦ જેટલાં નવલકથાઓ-નાટકો લખ્યાં છે! ૧૯૭૯માં ‘નયી દુનિયા, નયી કહાની’ નવલકથા લખી. કોઈ જ પ્રકાશક ન મળ્યો. તો ૩૫ વર્ષથી ચા વેચતાં વેચતાં એણે લખેલાં પુસ્તકોનો પ્રકાશક પણ એ પોતે જ છે! મૂળ અમરાવતીનો લક્ષ્મણ, દિલ્હી આવ્યો. મજૂરી કરી, મકાનો ચણવા ઈંટો ઉપાડી અને રાત જાગીને સતત લખતો રહ્યો. ધામણગાંવ, અમરાવતીથી દિલ્હી સુધીની એની યાત્રા ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી ડ્રામેટિક છે.
ઇન્ટરવલ
શાયદ મેરી શાદી કા ખયાલ દિલ મેં આયા હૈ,
ઇસી લિયે મમ્મીને તેરી, મુઝે ચાય પે બુલાયા હૈ! (સૌતન – ફિલ્મ)
બાપથી જુઠ્ઠું બોલીને, ખિસ્સામાં ૪૦ રૂપિયા અને માથામાં ઝનૂન લઈને લક્ષ્મણ ગામથી નીકળેલો. ‘મૈં અપને ભીતર કે લેખક કો મરતે નહીં દેખ સકતા થા. અમરાવતી મેં મિલ બંદ હુઈ, બેકાર હો ગયા. ખેત-મઝદૂરી કર કે મેરી સર્જનશીલતા મિટ્ટી મેં દફન હો રહી થી. ટ્રેન સે દિલ્લી પહુંચા. ૪૦ રૂ. જલ્દ હી ખર્ચ હો ગયે. ભોપાલ મેં મકાન બનાને મેં મઝદૂરી કી, ઢાબે પે પ્લેટ ધોઈ પર સાથ મેં હરરોઝ લિખતા રહા!’
૧૯૭૭માં દિલ્હી આવીને રાઉઝ એવેન્યુ રોડ પર પાનબીડીની નાનકડી દુકાન કરી. એક દિવસ મ્યુનિસિપાલિટીએ દુકાન પર બુલડોઝર ચલાવ્યું. ‘મેરી ઝિંદગી કા વો સબસે દુ:ખી દિન થા’ એવું લક્ષ્મણને આજેય લાગે છે ને સૌથી સુખદ ક્ષણ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથેની મુલાકાત! આ મુલાકાતને લીધે જ એને ‘પ્રધાનમંત્રી’ નાટક લખવાની પ્રેરણા મળી. ‘પ્રધાનમંત્રી’ નાટકમાં વડા પ્રધાન અને નોકરશાહીમાં સરકારી ઓફિસરના સંબંધોની જલદ વાત છે. લક્ષ્મણ, એ પુસ્તકની પહેલી પ્રત ઇંદિરાજીને આપવા જવાનો જ હતો અને ઇંદિરાજીની હત્યા થઈ ગઈ!
લક્ષ્મણ રાવે, કોરસપોંડંસથી ૧૧મું-૧૨મું પાસ કર્યું, પછી બી.એ. થયો. રવિવારે ચાની દુકાનની આવક છોડીને દરિયાગંજ ઇલાકામાં સેકંડહેન્ડ બુકશોપમાં ધૂળધોયાની જેમ ફરતો. શેક્સપિયર, ટોલ્સ્ટોય, ચેખોવ વગેરેના વિશ્ર્વસાહિત્યને સમજતાં સમજતાં ચા વેચતો રહ્યો. ‘રાવની રેણુ’ નામની નવલકથા વાંચીને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે એને મળવા બોલાવ્યો ત્યારે સમજાયું નહીં કે એ શું પહેરીને જાય!? ‘સાહિત્યએ મને મહિને પાંચ હજાર પણ આપ્યા હોત તો હું ચાની લારી ન ચલાવત!’- આ નગ્ન હકીકત છે ચાવાળા લેખક લક્ષ્મણ રાવની! રાવની પત્ની એની બેસ્ટ વિવેચક છે, જે મુંહફટ શબ્દોમાં કહે છે, ‘અગર આપ અચ્છે રાઈટર હો તો ચાય ક્યૂં બેચની પડતી હૈ?’ રાવ પાસે આનો જવાબ નથી! પણ એ પોતાના સંઘર્ષ વિશે, ગરીબી વિશે, જીવેલા કાતિલ જીવન વિશે એક પછી એક કિતાબ લખે જ રાખે છે.
સાતમું ધોરણ ભણીને લક્ષ્મણરાવ લેખક કઈ રીતે બન્યો? એનો મિત્ર રામદાસ તણાઈને અકસ્માતમાં ગુજરી ગયો ને એનો આઘાત કાગળમાં ઉતારતાંની સાથે એ લેખક બની ગયો. એને કોઈએ પૂછ્યું, ‘ગ્રાહકને ઉધાર ચા આપો ખરા?’ લક્ષ્મણ હસીને કહે છે, ‘પ્રકાશકને ઉધારીમાં પુસ્તકો આપવા કરતાં અજાણ્યાને અડધો ગ્લાસ ચા આપવી સારી!’ વિદેશના ‘ગાર્ડિયન’થી માંડીને ‘વોલ સ્ટ્રીટ’ સુધીનાં છાપાંઓએ એની જીવનકથા-સર્જનકથાની નોંધ લીધી છે. એનાં પુસ્તકોની બીજી આવૃત્તિ થાય છે ત્યારે એ ચાવાળો ખુશ થાય છે: ‘હું જ લેખક, હું જ પ્રકાશક, હું જ સેલ્સમેન’ કહીને બુક્સ વેચવા નીકળે છે. ‘સાહિત્ય ભારતી’ એવોર્ડ એણે નાનકડી ચાલ ટાઈપની રૂમમાં રાખ્યો છે. આપણે ત્યાં પોતાના મામૂલી સંઘર્ષોને રાઈમાંથી પહાડ બનાવનારા સુખાળવા સુંવાળા લેખકોને કદીયે નહીં સમજાય કે સડક પર બેસીને લખવું-ઝઝૂમવું શું વાત છે!
એન્ડ ટાઇટલ્સ
આદમ: ચા પીધી?
ઈવ: ના, ખાધી!