રાજ્યની રાજકીય કટોકટી અકબંધ

દેશ વિદેશ

*મુખ્ય પ્રધાનપદની ઓફર બાદ પણ એકનાથ એકના બે ન થયા

*ઉદ્ધવ ઠાકરેનું લાગણીસભર ભાષણ

*શરદ પવાર – સુપ્રિયા સુળે દોડયા વર્ષા બંગલે

*કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પણ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા તૈયાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર સામે એકનાથ શિંદેના બળવા પછી ઊભી થયેલી કટોકટીનું નિરાકરણ કરવા માટે શિવસેનાના પક્ષાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, એનસીપીસુપ્રીમો શરદ પવાર અને કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ પણ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા સામે પોતાને કોઈ વાંધો ન હોવાનું સ્પષ્ટ કર્યા બાદ પણ એકનાથ શિંદે માન્યા ન હોવાથી રાજ્યમાં ઊભી થયેલી રાજકીય કટોકટી હજી સુધી અકબંધ છે.
બુધવારે સાંજે પાંચ વાગ્યે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફેસબૂક લાઈવ કરીને અત્યંત ઈમોશનલ ભાષણ આપ્યું હતું અને એકનાથ શિંદેને એવી ઓફર આપી હતી કે હું મુખ્ય પ્રધાનપદ અને પક્ષાધ્યક્ષપદ બંને છોડવા તૈયાર છું. તમારે મુખ્ય પ્રધાન બનવું હોય તો એક વખત મારી સામે આવીને વાત તો કરો. તમે પાછા ફરો. મારા પછી કોઈ શિવસૈનિક મુખ્ય પ્રધાન બને તે મારે માટે આનંદની વાત હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો શિવસૈનિકોને લાગતું હોય કે હું પક્ષ ચલાવવા માટે સક્ષમ નથી તો પક્ષાધ્યક્ષપદ પણ છોડવા તૈયાર છું.
તેમનું ભાષણ પૂર્ણ થયા બાદ એનસીપીસુપ્રીમો શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુળે ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળવા પહોંચ્યાં હતાં અને તેમણે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા સામે પોતાનો કોઈ વિરોધ ન હોવાનું સ્પષ્ટ કરતાં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ સોંપવાની તૈયારી દાખવી હતી.
કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ પણ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ આપવાની તૈયારી દાખવી હતી. મુખ્ય પ્રધાન (ઉદ્ધવ ઠાકરે) જે નિર્ણય લેશે તેની સાથે કૉંગ્રેસ છે. અત્યારે અમારું લક્ષ્ય એક જ છે કે જ્યારે મહાવિકાસ આઘાડી સરકારનું ગઠન થયું ત્યારે અમે તેમની સાથે હતા અને હવે જો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેમના જ પક્ષનો મુખ્ય પ્રધાન બનાવતા હોય અને તેને માટે કૉંગ્રેસની મદદ માગતા હોય તો અમે તેમની સાથે છીએ, એમ નાના પટોલેએ બુધવારે જણાવ્યું હતું.
જોકે, મુખ્ય પ્રધાનપદની ઓફર બાદ એકનાથ શિંદેએ તેમનો જવાબ ટ્વિટરના માધ્યમથી આપ્યો હતો અને જણાવ્યું હતું કે પક્ષ અને શિવસૈનિક જિવંત રાખવા માટે અનૈસર્ગિક આઘાડીમાંથી બહાર નીકળી જવું આવશ્યક છે. અત્યારે મહારાષ્ટ્રહિત માટે નિર્ણય લેવાનું આવશ્યક છે. તેમના આ જવાબ બાદ આગામી દિવસો પણ મહાવિકાસ આઘાડી સરકાર સામેનું સંકટ યથાવત્ હોવાનું જણાઈ રહ્યું છે.
બીજી તરફ એકનાથ શિંદેએ તેમની પાસે ૩૪ શિવસેનાના વિધાનસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો હતો અને તેમની જ પાર્ટી મૂળ શિવસેના વિધિમંડળ પક્ષ હોવાનું જણાવીને સુનિલ પ્રભુની ચીફ વ્હીપના પદેથી હકાલપટ્ટી કરીને ભરત ઘોઘાવલેને નવા ચીફ વ્હીપ બનાવવાની જાહેરાત કરી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.