*આત્મહત્યાગ્રસ્ત ૧૪ જિલ્લામાં ગરીબોને અનાજને બદલે અપાશે ફક્ત ₹ ૧૫૦
* ₹ ૧૫૦માં પાંચ કિલો અનાજ ક્યાં મળે છે એવો નાગરિકોનો સવાલ
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રમાં ખેડૂતો અને ગરીબો માટેની સરકાર આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ આ જ મહારાષ્ટ્રની સરકારે રાજ્યના ગરીબોની હાંસી ઉડાવી છે. રાજ્ય સરકારના ૨૪ જુલાઈ- ૨૦૧૫ના આદેશ મુજબ રાજ્યના મરાઠવાડાના ખેડૂતોની આત્મહત્યાથી પ્રભાવિત ૧૪ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ સમાવિષ્ટ ન થનારા કેસરી રેશનકાર્ડ ધરાવનારા ખેડૂતોને પ્રાધાન્ય યોજના હેઠળ પ્રતિ-વ્યક્તિ પાંચ કિલો અનાજ (ઘઉં બે રૂપિયા અને ચોખા ત્રણ રૂપિયા)ના દરે અનાજ આપવામાં આવતું હતું, પરંતુ હવે આ યોજનાને બંધ કરીને પ્રતિ-લાભાર્થી વ્યક્તિ રૂ. ૧૫૦ સીધા બેંકના ખાતામાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બજેટ સત્રનું અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર રેશનિંગના માધ્યમથી વિતરણ કરવાનું અનાજ કેન્દ્ર સરકારની નોન-એનએફસીએ યોજના હેઠળ સરકાર પાસેથી રૂ. ૨૨ પ્રતિકિલોના દરે ઘઉં અને રૂ. ૨૩ પ્રતિકિલોના દરે ચોખાની ખરીદી કરતી હતી, પરંતુ આ યોજના હેઠળ અનાજ મળવાનું નથી આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મરાઠવાડાના ખેડૂત આત્મહત્યા ગ્રસ્ત જાહેર કરાયેલા ૧૪ જિલ્લા ઔરંગાબાદ, જાલના, નાંદેડ, બીડ, ઉસ્માનાબાદ, પરભણી, લાતુર, હિંગોલી, અમરાવતી, વાશિમ, આકોલા, બુલઢાણા, યવતમાળ અને વર્ધામાં આ નાણાં સીધા ગરીબોના ખાતામાં જમા કરાવવામાં આવશે.
૨૮ ફેબ્રુઆરીએ લેવામાં આવેલા નિર્ણય મુજબ આ ૧૪ જિલ્લાના કેસરી કાર્ડ ધારકોએ તેમની નોંધણી કરાવીને ડીબીટી માટેનું બૅંક ખાતું રેશન કાર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંલગ્ન કરવાનું રહેશે.
સામાન્ય નાગરિકો દ્વારા એવી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઘઉં રૂ. ૩૦-૩૫ પ્રતિકિલો અને ઘઉં રૂ. ૪૦-૪૫ પ્રતિકિલોના દરે ખુલ્લા બજારમાં વેચાઈ રહ્યા છે ત્યારે સરકારે રૂ. ૧૫૦ ગરીબોને આપીને તેમની મજાક ઉડાવી છે. છેલ્લા કેટલાક વખતમાં જીવનાવશ્યક વસ્તુઓના ભાવમાં ૨૦ ટકા જેટલો વધારો થઈ ગયો છે અને સરકાર રૂ. ૧૫૦ આપી રહી છે. આમાં ગરીબોનું શું થવાનું છે? દરેક વસ્તુને મોંઘવારી નડી રહી છે ત્યારે રાજ્ય સરકાર રૂા. ૧૫૦ જેવી નજીવી રકમ આપીને ગરીબોની મજાક ઉડાવે છે એવો સવાલ થઈ રહ્યો છે.