લુણાવાડાના પૂર્વ કોંગ્રેસી વિધાનસભ્ય અને હાલ ભાજપના નેતાનો પુત્ર દારૂની 39 બોટલ સાથે ઝડપાયો

આપણું ગુજરાત

દારૂબંધીના દેખાવ હેઠળ ગુજરાતમાં દારૂની ભરપુર માત્રામાં હેરફેર થાય છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના પૂર્વ વિધાનસભ્યનો પુત્ર દારૂની 39 બોટલો સાથે ઝડપાતા સ્થાનીય રાજકારણ ગરમાયું છે. લુણાવાડા બેઠકના પૂર્વ કોંગ્રેસી વિધાનસભ્ય અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા હીરાભાઈ પટેલના પુત્રએ ખાનપુર તાલુકાના વડાગામમાં એક વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો અને જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે સ્થળ પર ‘MLA ગુજરાત’ લખેલી એક કારમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ હીરાભાઈના પુત્ર મહર્ષિ પટેલનો કોઈ બાબતે વડાગામમાં જસવંત પટેલ સાથે ઝગડો થયો હતો. સોમવારે સાંજે મહર્ષિ પટેલ શુભમ મહાજન નામના શખ્સ સાથે જસવંત પટેલના ઘરે આવ્યો હતો. પહેલા તો તેમણે જસવંત પટેલને ફોન પર ધમકી આપી હતી અને પછી નશાની હાલતમાં તેમના ઘરે આવ્યા હતા. જેને લઈને જસવંત પટેલે પોલીસને ફોન કર્યો હતો.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ડેશબોર્ડ પર ‘MLA ગુજરાત’ લખેલી તકતીવળી એક SUV કાર મળી હતી. કારની તપાસ કરતાં પોલીસને સ્કોચ વ્હિસ્કીની બોટલ અને અન્ય આલ્કોહોલિક પીણાંની બોટલો મળી આવી હતી. કારમાંથી કુલ 39 દારૂની બોટલો પોલીસે બરામદ કરી છે
પૂછપરછ કરવા પર બંનેએ કહ્યું હતું કે તેઓ રાજસ્થાનથી આ દારૂ તેમના સેવન માટે લાવ્યા હતા. હાલ પોલીસે દારૂનો જથ્થો અને કાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત જસવંત પટેલને માર મારવા અને ધમકી આપવા બદલ બંને સામે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
હીરાભાઈ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.