Homeઈન્ટરવલઅંગ્રેજો અને રાજવીઓના પાપે ભીલોમાં આંદોલનનાં બીજ રોપાયાં

અંગ્રેજો અને રાજવીઓના પાપે ભીલોમાં આંદોલનનાં બીજ રોપાયાં

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૨૭)
ભીલો પરના અત્યાચાર અને નરસંહારમાં સૌથી ભૂંડી ભૂમિકા બ્રિટિશરોની હતી. એને લીધે મોતીલાલ તેજાવત અને એમના ‘એકી’ આંદોલનના બીજ રોપાયાં હતાં. આ તો એક જ વિદ્રોહ હતો પણ આવી એક બુઝાયેલી ચિંગારી કાળની ગર્તામાં પડેલી છે.
સુભાષચંદ્ર કુશવાહનું પુસ્તક ‘ભીલ વિદ્રોહ-સંઘર્ષ કે સવા સૌ સાલ’ ખૂબ જ ચિવટ સાથે લખાયેલી સંશોધનાત્મક કૃતિ છે. આના પાના નંબર ૧૬૭ મુજબ ઇ. સ. ૧૮૧૮ની તેરમી જાન્યુઆરીએ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મેવાડ રાજ્ય વચ્ચે સંધિ કરાર થયા. આના અન્વયે રાજ્યના બધા બાહ્ય મામલા (સંરક્ષણ વગેરે) ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મળી ગયા. અરે! મેવાડ રાજ્યની અમુક આંતરિક બાબતોમાં ય હસ્તક્ષેપ કરવાની કંપનીને સત્તા મળી.
આને એક જાતનો પગપેસારો કે ઘૂસણખોરી કહી શકાય. એની પાછળની મેલી મુરાદ છતી થયા વગર રહેતી નથી, પરંતુ ત્યારના રજવાડાઓેને એમાં પોતાની સલામતી અને શાંતિ દેખાઈ. સાથોસાથ અંગ્રેજોનો ડરેય રહ્યો જ. કદાચ એટલે જ મેવાડ બાદ ભીલ ક્ષેત્રમાં આવતા એક પછી એક રજવાડા બ્રિટિશરોની ઝોળીમાં પાકા ફળની જેમ ટપકવા માંડ્યા. ઇ. સ. ૧૮૧૮ની અગિયારમી ડિસેમ્બરે ડુંગરપુર, ૧૮૧૮ની પચ્ચીસમી ડિસેમ્બરે બૉસવાડા, ૧૧૧૮ની પાંચમી ઑક્ટોબરે શિરોહી રાજ્યે પણ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે કરાર કરીને કાંડા કાપીને વિદેશી શોષણખોરોના હાથમાં આપી દીધા. આ સંધિ સાથે બ્રિટિશરો રાજ્યમાં પોતાના પોલિટીકલ એજન્ટ પણ નીમવા માંડ્યા.
આ કરાર મુજબ અંગ્રેજોએ રાજ્યની બાહ્ય બાબતો સંભાળવાની જવાબદારી લીધી. આના વળતર રૂપે સ્થાનિક રજવાડાઓ પાસેથી નિશ્ર્ચિત લાગો અર્થાત્ કર મેળવવાના હતા. આને પહોંચી વળવા માટે રજવાડાઓનો ખર્ચ વધી ગયો, પરંતુ રાજવીઓ પોતાના ખર્ચા ઓછા કરવા કે તિજોરી ખોલવા માગતા નહોતા. એટલે સીધો બોજ વધ્યો પ્રજા પર.
આ વ્યવસ્થાથી રાજ્યના અર્થતંત્ર અને પ્રજા પર કેવો ફરક પડ્યો અને કેટલો બોજ વધ્યો એ જાણવા-સમજવા માટે એક મેવાડના રાજ્યનું ઉદાહરણ જોઈએ. ઇ. સ. ૧૯૦૧માં મેવાડનું ક્ષેત્રફળ ૧૩,૬૭૪ ચોરસ માઇલ, જેમાં ૬૦૩૦ ગામ અને દશ લાખથી વધુ વસતિ. કરાર મુજબ મેવાડે કુલ કરના ૨૫ ટકા પાંચ વર્ષ સુધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપવાના હતા. છઠ્ઠા વર્ષથી કુલ આવકના ૩૭.૫ ટકા ચુકવવાનું નક્કી થયું હતું. આગળ જતાં એટલે કે ઇ. સ. ૧૮૨૬માં આ રકમ નિશ્ર્ચિત કરી દેવાઈ: ત્રણ લાખ રૂપિયા ચુકવવાના. ઇ. સ. ૧૯૪૬માં એ પણ ઘટાડીને વર્ષે રૂપિયા બે લાખ કરી નખાયા.
બાહ્ય બાબતની વાત કરીએ તો કોઈ હુમલો કરે કે પોતે આક્રમણ કરે તો યુદ્ધનો ખર્ચ વધે, પરંતુ હવે યુદ્ધ થાય કે ન થાય બ્રિટિશરોને એમનો લાગો ચુકવવાનો જ હતો. એટલે રાજવીઓએ પોતાની ઐયાશી અને આવક યથાવત્ રાખવા માટે પ્રજા ભણી શિકારી જેવી નજર ટેકવી.
કર વસૂલીનો વ્યાપ વધારવા માટે હવે મેવાડ અર્થાત્ ઉદયપુર રજવાડાએ ભીલોને પણ કરવેરાના વ્યાપમાં આવરી લીધા. અગાઉ આ લોકોએ એકદમ નહીંવત્ કે નામ પૂરતો કર ચુકવવો પડતો હતો. હવે એમના પર પણ કરબોજને ખડકી દેવાયો. જંગલના ઉત્પાદન, ઢોરઢાખરના પાલન-ઉછેર અને શિકાર પર નભતી પ્રજા પેટ ભરે, બાળકો ઉછેરે કે કરવેરો ભરે? એમની અકળામણ વધવા માંડી. પણ સાંભળે કોણ! બરાબર આ સમયે અંગ્રેજોએ કરવસૂલી કરતી ભીલ જાગીરદારોની સ્થાનિક સેનાઓનું વિસર્જન કરી દીધું. એટલે ભીલો સાથે નિયમિત સંબંધ, સંપર્ક અને આંખની શરમ અનુભવનારા સ્થાનિકોની પ્રક્રિયામાંથી બાદબાકી થઈ ગઈ. આ સિવાય બીજા અમુક હક પણ રજવાડા પાસેથી બ્રિટિશ અમલદારોએ પોતાના હાથમાં લઈ લીધા.
ભીલો ભોળા અને અભણ ખરા પણ અન્યાય શા માટે સહન કરે? ઇ. સ. ૧૮૧૮માં ભીલોએ પોતાના વિસ્તારમાં નાકાબંધી કરી દીધી કે જેથી અંગ્રેજ વસૂલીકાર પ્રવેશી જ ન શકે. કર્નલ ટૉડના મંત્રણાથી મનાવવાના પ્રયાસો નાકામ રહ્યા. અંતે ૧૮૨૦માં ભીલોના વિદ્રોહને ડામવાનું કામ બ્રિટિશરોએ લશ્કરી ટુકડીને સોંપી દીધું, પરંતુ આ લોકોના ધમપછાડા છતાં ઝાઝું ઊપજ્યું નહીં. આમાં ગુજરાત ક્યાં અને કેવી રીતે આવ્યું એ સમજવા માટે ડુંગરપુર રજવાડાની સ્થિતિ જોઈએ.
૧૪૪૭ ચોરસ માઈલનો વિસ્તાર ધરાવતા ડુંગરપુરની સીમા માનગઢના પર્વત, રાજસ્થાનના બૉસવાડા અને ગુજરાતના સુંપ (એ સમયનું નામ) સુધી હતી. એમાં ૭૬૨ ગામ અને ૧.૬૦ લાખની વસતિ જેમાંથી અડધોઅડધ ભીલો હતો.
હકીકતમાં તો કુંગ બૉસવાડાના ભીલો લાંબા સમયથી ઉકળેલા હતા. અંતે ઇ. સ. ૧૮૨૫ની બારમી મેના રોજ લીમ્બાશબારુના ભીલોએ ઇસ્ટ ઈન્ડિયા કંપની સાથે શાંતિકરાર કરી લીધા. ધ્યાનથી વાચતા આ કરાર ભીલો પર થોપી દેવાયેલો એક તરફી આદેશ જેવો જ લાગે. આની થોડી શરતો જોઈએ તો દૂધ અને પાણી સ્પષ્ટ સામે તરી આવશે. ભીલોએ ધનુષ-બાણ સહિતનાં પરંપરાગત શસ્ત્રો ત્યજી દેવાનાં. અગાઉ લૂંટેલો માલસામાન પાછો આપી દેવાનો અને ભવિષ્યમાં લૂંટફાટ ન કરવાની ખાતરી આપવાની. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક એક આદેશોનું પાલન કરવાનું અને એના કોઈ શત્રુને ક્યારેય આશ્રય આપવાનો નહીં. ડુંગરપુરના રાજવીને વાર્ષિક કર ચુકવી દેવાનો. કોઈ પણ સરકારી અર્થાત્ બ્રિટિશ અમલદાર ગામમાં રાતે રોકાય તો એના રક્ષણની જવાબદારી લેવાની.
લીમ્બાશબારુ માફક આવો જ તથાકથિત શાંતિ-કરાર દેવલ, સિમૂર વારુ અને નંદુ પાલા જેવાં ભીલ ગામોએ પણ કર્યો હતો. આનાથી અંગ્રેજો પોતાના વિજય પર મૂંછને તાવ દેતા હશે પણ પોતે અસંતોષ અને આંદોલનના બીજ વાવીને અત્યાચારથી એને નિયમિતપણે પાણી અને ખાતર આપવાના હતા એ હકીકતથી અજાણ હતા. આવા કરાર, બ્રિટિશરોની દાનત અને રાજવીઓની નિર્લજ્જતા જ એકી આંદોલન અને મોતીલાલ તેજાવતને સફળ બનાવવાની હતી એની ક્યાં કોઈને સમજ હતી. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular