Homeમેટિનીશો મસ્ટ ગો ઓન... અદાકારના અવસાન પછી પાત્રને ન્યાય આપનાર કલાકારો

શો મસ્ટ ગો ઓન… અદાકારના અવસાન પછી પાત્રને ન્યાય આપનાર કલાકારો

ફોકસ -રાજેશ યાજ્ઞિક

ચાલુ ફિલ્મ શૂટિંગમાં હીરો કે હિરોઈન બદલાઈ ગયા હોય એવા કિસ્સા આપણે ઘણા સાંભળ્યા છે. ક્યારેક નિર્માતા-નિર્દેશક અમુક-તમુક કારણે કલાકારો બદલી નાખતા હોય છે, તો ક્યારેક અદાકારો કોઈ ને કોઈ બહાના હેઠળ ફિલ્મમાંથી નીકળી જતા હોય છે. પણ ક્યારેક એવું પણ બને છે કે કોઈ ફિલ્મ માટે કોઈ અદાકાર કામ કરતા હોય અને અધૂરી ફિલ્મે તેમનું અચાનક અવસાન થઇ જાય, અથવા ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ કરારબદ્ધ કલાકાર ફાની દુનિયા છોડી જાય. તેવા સમયે એ જ પાત્ર માટે તેમના જેવા સમકક્ષ કલાકારને લેવા મુશ્કેલ બની જાય છે. આ કિસ્સાઓ ઇન્ડસ્ટ્રીમાં બન્યા છે. ચાલો, જાણીએ આવા કેટલાક કિસ્સાઓ.
ગુરુ દત્ત – બહારેં ફિર ભી આયેંગી
નિર્દેશક, ગુરુ દત્તનું ૩૯ વર્ષની નાની વયે અવસાન થયું હતું. તેઓ મુંબઈમાં તેમના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેણે આલ્કોહોલ અને ઊંઘની ગોળીઓના મિશ્રણનું સેવન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમના દુ:ખદ અવસાન પછી, દિગ્દર્શક, શહીદ લતીફે ધર્મેન્દ્રને તેમની ફિલ્મ બહારેં ફિર ભી આયેંગીમાં ભૂમિકા આપી હતી.
દિવ્યા ભારતી :
આજના કોલેજ ગોઈંગ ફિલ્મ રસિયાઓએ કદાચ દિવ્યાનું નામ પણ ન સાંભળ્યું હોય તો જણાવી દઈએ ત્રણ વર્ષની નાની કારકિર્દીમાં દિવ્યા ભારતીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગને ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. વર્ષ ૧૯૯૩માં, માત્ર ૧૯ વર્ષની ઉંમરે અભિનેત્રીનું તેની બિલ્ડીંગના ધાબા પરથી પડી જવાથી મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી. તે સમયે, તે નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે જોડાઈ હતી. આટલાં વર્ષો પછી પણ તેના આકસ્મિક મૃત્યુ પાછળનું કારણ રહસ્ય જ રહ્યું. દિવ્યાની સફળ અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, અભિનેત્રીના અચાનક અવસાન પછી આઠ ફિલ્મો અધૂરી હતી.
લાડલા
હિટ ફિલ્મ ‘લાડલા’ માટે દિવ્યાને કરારબદ્ધ કરવામાં આવી હતી, તેના અવસાન પછી શ્રીદેવીને દિવ્યાના સ્થાને લાડલામાં લેવામાં આવી હતી અને અભિનેત્રીએ અનિલ કપૂરની સામે ‘શીતલ જેટલી’નું પાત્ર સુંદર રીતે ભજવ્યું હતું.
મોહરા
અન્ય એક ફિલ્મ જે સુપરહિટ થઇ હતી જેમાં દિવ્યા મુખ્ય અભિનેત્રી બનવાની હતી, તે હતી ફિલ્મ ’મોહરા.’ રવિના ટંડન ફિલ્મ મોહરામાં દિવ્યા ભારતીના સ્થાને ગોઠવાઈ હતી. અક્ષય કુમાર સાથેના ટીપ ટીપ બરસા પાની અને તુ ચીઝ બડી મસ્ત મસ્ત જેવા તેના આઇકોનિક ગીતો હજુ પણ હિટ છે અને ત્યારે પણ લાખોના દિલ જીતી લીધા હતા.
કર્તવ્ય
૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘કર્તવ્ય’નું દિવ્યા ભારતીએ ૩૦ ટકા શૂટિંગ પૂર્ણ કર્યું હતું, પરંતુ તેમના મૃત્યુ બાદ જુહી ચાવલાને ફિલ્મમાં લેવામાં આવી હતી.
આ ઉપરાંત દક્ષિણની તેની એક અધૂરી ફિલ્મમાં રંભાને હિરોઈન તરીકે લેવામાં આવી હતી.
ઓમ પુરી – મંટો
બોલિવૂડના ફેમસ એક્ટર ઓમ પુરી ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘મંટો’માં મહત્ત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા હતા, પરંતુ શૂટિંગના દિવસોમાં તેમનું અવસાન થયું, ત્યારબાદ આ રોલ ઋષિ કપૂરે કર્યો.
સુશાંત સિંહ – ચંદીગઢ કરે આશિકી
દિવંગત અભિનેતાએ દિગ્દર્શક અભિષેક કપૂરની ચંદીગઢ કરે આશિકી સહિત અનેક ફિલ્મો સાઈન કરી હતી. સુશાંતે અગાઉ અભિષેક સાથે તેની ડેબ્યૂ ફિલ્મ કાઈ પો છેમાં પણ કામ કર્યું હતું, જે ખૂબ જ સફળ રહી હતી. સુશાંતના આકસ્મિક અવસાન પછી, અભિષેકે સુશાંતની જગ્યાએ આયુષ્માન ખુરાનાને તેની કોમેડી-ડ્રામા, ચંદીગઢ કરે આશિકીમાં વાણી કપૂર સાથે લીધો હતો.
ઋષિ કપૂર – ધ ઈન્ટર્નની રિમેક
વર્ષ ૨૦૨૦માં, પીઢ અભિનેતા, ઋષિ કપૂર અને અભિનેત્રી દીપિકા પાદુકોણ ધ ઈન્ટર્નની હોલીવુડ રિમેકમાં સાથે અભિનય કરવાના હતા, પરંતુ ઋષિ કપૂર ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ તેમના વિશાળ ચાહકોને આઘાતમાં મૂકીને દિવંગત થયા. ફિલ્મના મેકર્સ પાસે રીકાસ્ટ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
ડિરેક્ટર અમિત રવીન્દ્રનાથ શર્માએ અમિતાભ બચ્ચનને ઋષિની જગ્યાએ રોલ કરવા વિનંતી કરી હતી. થોડા સમય પછી, દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અમિતાભ બચ્ચન સાથે કાર્યસ્થળે સંબંધ આધારિત ફિલ્મ, ધ ઈન્ટર્નમાં તેમની મુખ્ય ભૂમિકાની જાહેરાત પણ કરી. જોકે છેલ્લા સમાચાર મુજબ હવે દીપિકા આ ફિલ્મની હિસ્સો નથી. અને ફિલ્મ બાબત કોઈ નવા વાવડ પણ નથી.
ઋષિ કપૂર – શર્માજી નમકીન
શર્માજી નમકીનનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું હતું ત્યારે ઋષિ કપૂરનું નિધન થયું. આ ફિલ્મની સ્ટોરી ઋષિ કપૂરને ખૂબ પસંદ હતી. તેમના હિસ્સાનું અધૂરું શૂટિંગ પૂરું કરવા દિગ્દર્શક, હિતેશ ભાટિયાએ અન્ય વરિષ્ઠ અભિનેતા, પરેશ રાવલને વિનંતી કરી અને તેઓ ફિલ્મ સાથે જોડાયા.
અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે આપણે જોયું કે પરેશ રાવલે શર્માજીની ભૂમિકા કેટલી સુંદર રીતે નિભાવી હતી. વાસ્તવમાં, મૂવીનો સૌથી સુંદર ભાગ એ હતો કે ઋષિ કપૂર અને પરેશ રાવલે બંનેએ શર્માજીનું પાત્ર ભજવ્યું હતું, અને તેમના અદ્ભુત અભિનયથી આપણે ભૂલી ગયા કે તેઓ એક પાત્ર ભજવતા બે અલગ-અલગ લોકો હતા. ઋષિ કપૂર રસોઇ બનાવવાનો શોખ પૂરો કરતા સુંદર પિતા દેખાતા હતા, જ્યારે પરેશનો દેખાવ રમૂજી હતો. તેઓએ પડદા પર પાત્રના વિવિધ શેડ્સ સફળતાપૂર્વક રજૂ કર્યા હતા, અને તેના માટે કોઈ બીજો પર્યાય નથી.
શ્રીદેવી – કલંક
ભૂતકાળના સુપર-સ્ટારમાંથી એક, શ્રીદેવી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ તેના પતિ બોની કપૂરને બાથટબમાં મૃત હાલતમાં મળી આવી હતી. શ્રીદેવી કરણ જોહરની રોમેન્ટિક ડ્રામા કલંકમાં ‘બહાર બેગમ’ની ભૂમિકા માટે પ્રથમ પસંદગી હતી.
જો કે, શ્રીદેવીના આઘાતજનક મૃત્યુ પછી કરણ જોહરે હવાહવાઈ અભિનેત્રીની જગ્યાએ માધુરી દીક્ષિતને ફરીથી કાસ્ટ કરી હતી. આ એક સ્ટાર-સ્ટડેડ ફિલ્મ હતી જેમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, માધુરી દીક્ષિત અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં હતા.
બાદમાં, દિવંગત અભિનેત્રી, શ્રીદેવીની મોટી પુત્રી, જાહન્વી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની દિવંગત માતાની ફિલ્મમાં આવવા બદલ માધુરીનો આભાર માન્યો હતો. કૃતજ્ઞતા દર્શાવતા લખ્યું હતું, “અભિષેક વર્મનની આગામી ફિલ્મ મમ્મીના દિલની ખૂબ જ નજીક હતી… પપ્પા, ખુશી અને હું આ સુંદર ફિલ્મનો ભાગ બનવા બદલ માધુરીજીના આભારી છીએ.
કેટલીક ફિલ્મોમાં એવું પણ બન્યું છે કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું હોય પણ ડબિંગ બાકી રહી ગયું હોય. ત્યારે અન્ય અદાકારોએ તેને પૂર્ણ કર્યું હોય.
સુશાંત સિંહ: રાજપૂત છેલ્લી
ફિલ્મ ‘દિલ બેચારા’
નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવેલો સુશાંત તેના અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયેલો અને સુપરસ્ટારડમ સુધી પહોંચવાની ક્ષમતા તેનામાં હતી. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’નું શૂટિંગ પૂર્ણ થઇ ગયું હતું, પરંતુ ડબિંગ પૂર્ણ થયું નહોતું અને સુશાંતે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી.
આ ફિલ્મના ક્લાઈમેક્સમાં એક મોનોલોગ બનવાનો હતો અને તેના માટે ડબિંગ પણ જરૂરી હતું. આવી
સ્થિતિમાં ફિલ્મનું અધૂરું કામ પૂરું કરવા માટે રેડિયો
જોકી આદિત્ય ચૌધરીને સાઈન કરવામાં આવ્યો
અને ફિલ્મના અંતમાં અવાજ સુશાંતનો નહીં પણ
આદિત્યનો છે.
સંજીવ કુમાર: છેલ્લી ફિલ્મ
‘પ્રોફેસર કી પડોસન’
૧૯૮૫માં, જ્યારે સંજીવ કુમારના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે આ ફિલ્મનું શૂટિંગ ૭૫% પૂર્ણ થયું હતું. આ સંજોગોમાં કોઈ બીજા અભિનેતાને લેવાને બદલે મેકર્સે આ ફિલ્મ સાથે કંઈક અનોખું કર્યું. સ્ટોરી લાઇનમાં એવો ફેરફાર લાવવામાં આવ્યો કે ફિલ્મના અંતે સંજીવ કુમારનું પાત્ર ગાયબ થઈ જાય છે અને માત્ર ‘મિસ્ટર ઈન્ડિયા’નો અવાજ સંભળાય છે. આ ફિલ્મનું બાકીનું ડબિંગ સુદેશ ભોસલેએ કર્યું હતું.
સ્મિતા પાટીલ ‘વારિસ’
સ્મિતા પાટિલના અભિનયનું તો શું કહેવું? એમના વિશે તો એક અલગ વાત માંડીશું. પોતાના દીકરા પ્રતીકના જન્મ બાદ થોડા જ સમયમાં માત્ર ૩૬ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. યોગાનુયોગ તેમની છેલ્લી ફિલ્મનું નામ ‘વારિસ’ હતું. આ ફિલ્મમાં પણ ડબિંગનું કામ અધૂરું હતું, જે પછીથી એક સમયની સુપરસ્ટાર રેખાએ એક પણ પૈસો લીધા વિના પૂરું કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -