શિવ તત્ત્વ જીવનમાં અને સાહિત્યમાં

39

કવર સ્ટોરી -નિરંજન રાજગુરુ

અધ્યાત્મ, એક ગૂઢ-ગહન તત્ત્વની ખોજ તરીકે, સમસ્ત માનવ જાતનો સનાતન વિષ્ાય બની રહ્યું છે. સમસ્ત વિશ્ર્વનું સંચાલન કોઈ પરમ તત્ત્વ દ્વારા થઈ રહ્યું છે એને ચરણે પોતાનું જ્ઞાન, પોતાની સમજણ, પોતાની શ્રદ્ધા અને ભક્તિ અર્પવાની ભાવના છેક વેદમંત્રોથી માંડીને નિરક્ષ્ાર લોકસંતોની ભજનવાણી સુધી અવિરતપણે ચાલી આવી છે. કોઈ ભજે છે સગુણ-સાકાર સ્વરૂપને, તો કોઈ ઉપાસે છે નિરંજન નિરાકાર નિર્ગુણ જ્યોતિસ્વરૂપને.
સમગ્ર બ્રહ્માંડના સર્જક, પાલક, પોષ્ાક અને સંહારક એવા બ્રહ્મતત્ત્વનો તાગ કોઈ નથી લઈ શક્યું તેથી જ તેને અનિર્વચનીય જેવા અનેક નકારાત્મક નામોથી ઓળખવામાં આવ્યું છે. જગતની સંપૂર્ણ જીવસૃષ્ટિના મૂળ ઉત્પન્નર્ક્તા તરીકે હિન્દુ તંત્રોમાં પરમચેતના, પરબ્રહ્મ કે પરશિવ નામે ઓળખાતા આ બ્રહ્મતત્ત્વને બૌદ્ધતાંત્રિકો પ્રજ્ઞા અને ઉપાય તરીકે ઓળખાવે છે.
શિવ અને શક્તિ દ્વારા આદમ અને હવા દ્વારા સકળ સંસારનું સર્જન શક્ય બન્યું એને કોઈક ઓળખાવે છે પુરુષ્ા અને પ્રકૃતિ તરીકે. જે ગુહ્ય યોગસાધનામાં સ્ત્રીપુરુષ્ાના સાયુજ્યની વાત કરે છે. આપણા હિન્દુ ધર્મની તત્ત્વચિંતન પ્રણાલી પ્રમાણે આદ્યદેવ આદ્યપુરુષ્ા- કલ્યાણકારી મહાદેવ સદાશિવ અને આદ્ય શક્તિ ભવાની ઉમૈયા દ્વારા સૃષ્ટિની સ્થાપના થઈ, ત્યારથી આજ સુધી અનેકવિધ સ્વરૂપે તેની પૂજા-ઉપાસના થતી આવી છે.
‘શિવ’ એક છતાં અનેક સ્વરૂપે-
નાગેન હારાય ત્રિલોચનાય, ભસ્માંગ રાગાય મહેશ્ર્વરાય;
નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નરાકાય નમ: શિવાય.
ભગવાન સદાશિવ એટલે આદિ પુરુષ, આદ્ય ગુરુ, અલખ, અવધૂત, મહાદેવ ભોળાનાથ શંભુ. સિદ્ધયોગી, ભૂતોના અધિપતિ કલ્યાણકારી દેવતા. મહાપંથ કે નાથપંથના મૂળ પુરુષ. ગણપતિ અને કાર્તિકેયના પિતા. ઉમૈયા-પાર્વતીના પતિ. સંગીત-નૃત્ય અને નાટ્યના આદિ દેવ નટરાજ શિવ. શિવજી એટલે સમન્વયના દેવતા.
કેવું છું એનું સ્વરૂપ?
નિરંજન નિરાકાર અને છતાં સગુણ-સાકાર. ભગવાન શિવ ભારતની સંસ્કૃતિ, ભારતીય ધર્મસાધના, ભારતીય માનવજીવનના વિરાટ સમન્વયના દેવતા. આદર્શ ગૃહસ્થ. ભગવતી ઉમા સહિત શિવ કુટુંબ ભારતની સંયુક્ત કુટુંબ ભાવનાનું મૂર્તિ રૂપ. પતિવ્રતા ધર્મ અને સતીધર્મનો આદર્શ એટલે ઉમા-મહેશ્ર્વરનું પ્રસન્ન દામ્પત્ય.
વંદે દેવ ઉમાપતિ સૂરગુરુ વંદે જગત્કારણમ્
વંદે પન્નગ ભૂષણં મૃગધરં, વંદે પશુનાપતિમ્
વંદે સૂર્ય શંશાક વહ્નિ નયનં, વંદે મુકુન્દ: પ્રિયમ્
વંદે ભક્ત જનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરમ્.
ભગવાન સદાશિવની કૃપા દૃષ્ટિ દેવો અને દાનવો ઉપર સરખી જ હોય. વેરાગી અને કઠોર તપસ્વી છતાં પ્રસન્ન દામ્પત્યના દેવતા. એને ચંદનનો લેપ થાય ને સ્મશાનની ભસ્મ પણ ચડે અને સુગંધિત પૂષ્પ સાથે ધતુરા કે કરેણનાં ઝેરી ફૂલ પણ ચડે. માથા ઉપર શીતળતા આપનારો ચંદ્ર અને ગળામાં વિષધર સર્પ. જટામાં પતિત પાવન ગંગા તો કંઠમાં હળાહળ વિષ. એનું વાહન નંદી તો ઉમૈયાનું વાહન સિંહ. ગણપતિનું વાહન ઉંદર તો કાર્તિકેયનું મયુર. જેને ત્રણ નેત્ર, ત્રિશુળનું આયુધ, ત્રણ પાનનું બિલ્લીપત્ર ચડે.
ભજનોમાં જીવ અને શિવનો સંબંધ :
નરસિંહ મહેતાએ ગોપનાથની કૃપાથી શ્રીકૃષ્ણ સાક્ષ્ાાત્કાર ર્ક્યો એમ અનેકવાર ગાયું છે. જીવ અને શિવનો સંબંધ પણ ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ જેવાં પદોમાં ‘શિવ થકી જીવ થયો એ જ આશે’ એમ કહીને દર્શાવ્યો છે. ‘જીવકી શક્તિ અજ્ઞાન, શિવકી શક્તિ માયા, યે દોનું ભિન્ન અખંડ, અદ્વૈેત અજાયા…’ પરમ તત્ત્વનો સાક્ષ્ાાત્કાર એટલે જીવ-શિવની એકતા. ગંગાસતી પાનબાઈને ઉદ્ેશીને ગાય છે :
જીવ અને શિવની થઈ ગઈ એકતા પાનબાઈ પછી કહેવું રહ્યું નથી કાંઈ રે
દ્વાદશ પીધો જેણે પ્રેમથી રે પાનબાઈ તે તો સમાઈ રહ્યું શૂનની માંઈ રે…
સદાશિવનું ચરિત્ર
લોકજીવનમાં તો શિવજી ગણપતિના પિતા તરીકે ખૂબ જાણીતા છે. ગણપતિ જન્મના પ્રસંગને વર્ણવતાં અનેક ભજનો મળી આવે છે. એમાં મહાદેવ-પાર્વતીનું ચરિત્ર પણ આલેખાયું હોય છે. તપશ્ર્ચર્યા કરવા જતાં શિવજીએ પાર્વતીને એકલવાયું ન લાગે એટલે પુત્રપ્રાપ્તિ માટેનું વરદાન આપેલું. એ પ્રમાણે ગણપતિનો જન્મ થતાં નારદની યુક્તિથી શિવનો તપોભંગ થયો અને ગણપતિ પોતાનો જ પુત્ર છે એ જાણ્યા પહેલાં તેનો શિરચ્છેદ ર્ક્યો. પાછળથી પસ્તાઈને પોતાનો ગણ મોકલી જે સામે મળે તેનું મસ્તક લાવવા કહ્યું. હાથીનું મસ્તક મળ્યું અને શિવજીને ગણેશને નવજીવન આપ્યું. પાર્વતીને આવું સ્વરૂપ જોઈને ખેદ થયો પણ મહાદેવે તમામ પ્રસંગોએ પ્રથમ પૂજન ગણેશનું થશે એવું વરદાન આપ્યું. આ કથા ઘણાં ભજનિક સંત-કવિઓ દ્વારા ભજનરૂપે ગવાઇ છે.
શિવ એ કલ્યાણકારી દેવતા છે. સંગીતના અધિષ્ઠાતા પણ મનાય છે. અનેક શાસ્ત્રીય રાગોમાં શિવનાં ભજનો રચાયાં છે.
શંકર તેરી જટામેં બહેતી હે ગંગધારા, કાલી ઘટાકે અંદર જિમ દામિની ઉજાલા
ગલ રુંઢમાલ રાજે, શશિ ભાલમેં બિરાજે, ડમરૂ નિનાદ બાજે, કરમેં ત્રિશુલ ભારા…
ગઝલ-કવ્વાલીના રૂપમાં પણ બ્રહ્માનંદે શિવસ્તુતિ ગાઈ છે.
સદાશિવ સર્વ વરદાતા, દિગંબર હો તો ઐસા હો,
હરે સબ દુ:ખ ભક્તજનકે, દયાકર હો તો ઐસા હો.
સુરદાસ ગાય છે :
શિવ જોગી જશ ગાયો રે બાવા, મેં જોગી જશ ગાયો રે…
બ્રહ્મા ગાયો, વિષ્ણુ ગાયો, ખોજત પાર ન પાયો રે
પર બ્રહ્મકો મુખ દેખનકું સકળ સૃષ્ટિફિર આયો રે… શિવ જોગી જશ ગાયો…
શ્રીકૃષ્ણ જન્મ થતાં કૈલાસથી દિગંબર જોગીએ આવીને જશોદાને ત્યાં અલખ જગાવ્યો. ભિક્ષ્ાા લઈને નંદરાણી આવ્યા તો માથું ધૂણાવ્યું. અંબર ચીર ઓઢાડયાં તો કહે આ તારા હીર-ચીરને શું કરું ? મને તો તારા બાળકના દર્શન કરાવ. નંદરાણી કહે, ‘ના,બાબા મારો લાલો ડરી જાય.’ જોગી કહે, ‘એ તારો લાલો મારો સ્વામી છે. અલખ નિંરજન કોઈથી ડરે એમ નથી.’ પછી બાળકૃષ્ણ બહાર આવતા શિવે મસ્તક નમાવી સેવા કરી, ચરણામૃત લીધું ને શીંગીનાદ ર્ક્યો.
લોકવાણીમાં શિવ
ભજનવાણીના વિશાળ સમંદરમાંથી જુદાં જુદાં શિવસ્વરૂપોનાં અનેક સ્તવનો મળી આવે છે. એની સાથોસાથ ચાલી આવે છે લોકકવિતા. લોકસાહિત્યમાં પણ શિવવિષ્ાયક અનેક રચનાઓ (જેમાં કથાત્મક પણ છે અને સ્ત્તુત્યાત્મક પણ છે) મળી આવે છે. બિલેશ્ર્વર મહાદેવની પ્રાર્થના કરતું એક ગીત છે.
હાં રે શિવ ભોળા બિલેસર ભોળા
હાં રે તમને ચડે ભભૂતિના ગોળા… બિલેસર ભોળા…
લોકસાહિત્યમાં મળતા પૌરાણિક
વિષ્ાયનાં કથાગીતોમાં શિવવિવાહ તથા ગણપતિ-જન્મના પ્રસંગો આલેખાયા હોય એવી અનેક રચનાઓ સાંપડે છે. શ્રાવણ માસમાં તો નારીઓના કંઠે અનેક શિવવિષ્ાયક લોકગીતો સાંભળવા મળે છે :
મારા ભોળા મહાદેવ, હોંશિલાને કાજ મેં તો ભાંગ વાવી છે,
ભાંગ વાવી ભોળાનાથે, નીંદે છે ગણેશ,
પારવતીજી પાણી વાળે છૂટાં મેલી કેશ… મારા ભોળા…
૦ ૦ ૦
ભોળા ભોળા શિવજી તમને વિશ્ર્વ વખાણે,
તમારી કળા તો શિવજી કોઈ નવ જાણે રે…
૦ ૦ ૦
શિવના મંદિરિયે સૌ પ્રેમે પ્રેમે ભક્તો આવો રે,
જય શિવ શંકર શંકર કહીને મુખથી ધૂન મચાવો રે…
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ ભાણ દ્વારા ‘શિવ-ભીલડી સંવાદ’ કાવ્યની રચનાથી મહાદેવ વિષ્ાયક રચનાઓની પરંપરા શરૂ થઈ. તે જ વિષ્ાય લઈને લોકસાહિત્યમાં નાનીમોટી રચનાઓ મળી આવે છે.
રુમઝૂમ કરતી ભીલડી નીસરી, તપ છોડાવા ચાલી જી…
અખિયાં ખોલ કે કહે માદેવજી કોન પુરુષ્ા ઘર નારીજી…
પાર્વતીજી મોજડીની હોંશ પૂરી કરવા મૈયર જાય, એની આગળ સવાસો વરસના ડોસા બની મોચીનો વેશ લઈ મહાદેવ દુકાન માંડે. કૂવાકાંઠે પાણી ભરવા આવેલ પાર્વતી મોજડીનાં મૂલ પૂછે. લગ્ન કરો તો મોજડી આપું એવો જવાબ સાંભળતાં પાર્વતી મુંઝાય ને છેવટે તૈયાર થાય. મહાદેવ મેણું મારે ને તપ કરવા નીકળી પડે. પાછળથી પાર્વતીજી ભીલડીનો વેશ લઈને શિવજીને છેતરવા નીકળ્યા. શિવજી ઘેલા થયા. ભીલડી કહે :
અમારા કુળમાં એવી રીતો, નર નાચે ને નારી રીઝે જી
નાચ નાચી શિવ અમને રીઝાવો, થાઉં તમારી દાસી જી
અને પછી
હાથમાં ડમરુ ને પગમાં ઘૂઘરા, થનક થનક શિવ નાચે જી
પારવતીએ રૂપ પરકાશ્યું, ક્યાં ગઈ ભીલા રાણીજી…
૦ ૦ ૦
ભોળા ભોળા શંભુજીને ભીલડી નચાવે,
ભીલડી નચાવે શિવને નાચ કરાવે…
શિવ પાર્વતીની મીઠી વડછડ આમ લોકકવિતાનો પ્રિય વિષ્ાય બની રહી છે.
ચારણી સાહિત્યમાં શિવ
ચારણો તો શિવ-શક્તિના ઉપાસકો. એમની રચનાઓમાં શિવસ્તુતિના અનેક છંદો મળે છે. હરદાસજી મિશણ નામના ચારણ કવિઓ તો ‘હરરસ’નામે શિવમહિમા ગાતી, પ૦થી વધુ દુહાઓમાં સુદીર્ઘ રચના આપી છે.
આદિ શિવ ઓમકાર, ભંજન ધર પાપભાર, નિરંજન નિરાકાર ઈશ્ર્વર નામી,
દાયક નવનિધિદ્બાર, ઓપત મહિમા અપાર સરજન સંસાર સાર શંકર સ્વામી,
ગેહરી શિર વહત ગંગ, તાપ હરત જલ તરંગ ઉમિયા અરધંગ અંગ કેફ અહારી.
‘ઓખાહરણ’ જેવી રચનાઓમાં શિવજીનો મહિમા ગવાયો છે. શિવતાંડવ નૃત્ય પણ ચારણ કવિઓનો પ્રિય કવન બન્યું છે
અદ્ભુત ચરિત્ર છે મહાદેવનું. નટરાજ શિવનું. દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ થયો, શિવજીને નિમંત્રણ ન આપ્યું, સતીએ પિતાને ત્યાં જવા હઠ પકડી, શિવજી મનાવે છે પણ સતી ગયાં, ત્યાં પોતાનું અને પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ને યજ્ઞ કુંડમાં જ પડી દેહત્યાગ ર્ક્યોં. શિવજીના ગણોએ યજ્ઞનો વિધ્વંસ ર્ક્યોં, દક્ષ પ્રજાપતિનો વધ ર્ક્યોં ને ભગવાન સદાશિવ સતીનું શરીર લઈને ક્રોધાયમાન થઈને નૃત્ય કરવા લાગ્યા. કૈલાસ ઉપર ડમરુ વગાડયું ને બ્રહ્માંડમાં કડાકા થવા લાગ્યા. સાતે સમુંદર ઉછળવા માંડયા, મેરુ પર્વત ડગમગવા લાગ્યા, દેવતા અને અસુરોના હૈયાં ડાકલાના પડની જેમ થડક ઉથડક મંડયા થાવા. દિશાઓ ડોલવા મંડી, જળચર, નભચર, સ્થળચર થંભી ગ્યા, આકાશમાં વીજળી ચમકે, મેઘ ગર્જનાઓ થાવા મંડી, વાયરા સુસવાટા કરે છે ને શિવજીના ભૂત પ્રેત પિશાચ ડાકિની શાકિની જેવા ગણો અટૃહાસ્ય કરવા મંડયા.
હિમાલયના ઊંચા શિખર કૈલાશ ઉપર મહાદેવજી સતીના વિરહમાં તાંડવ નાચ કરે છે ત્યારે ગંગાના પાણી ઉછળવા મંડયા, ભાલનો ચંદ્ર જટામાં સંતાવા લાગ્યો, ત્રણેય લોચન લાલ લાલ થઈ ગ્યાં, કપાળે ચંદનની આડ કરેલા, કંઠે મુંડની માળા પહેરેલા સિંદુર ગુલાલ છાંટયા છે એવા મહાદેવ ક્રોધાવેશમાં બમ બમ ડમરુનો નાદ કરતાં મહાભયંકર તાંડવ નૃત્ય કરે છે. મહાત્મા રામકૃષ્ણ ઉર્ફે શંભુપુરીજી મહારાજ આ શિવજીના નૃત્યનું વર્ણન ચર્ચરી છંદમાં કરે છે.
(દોહા)
સુરગુણ સાજ શૃંગારિ કે સદા જાત કૈલાસ,
કરત શું ત્રાંડવ નૃત્ય શિવ, ઈમિ પ્રસિદ્ધ ઈતિહાસ.
શિતલ અમલ મધુર જલ, જલજ બિપુલ બહુ રંગ,
કુંજત કલરવ હંસગણ, ગુંજત મજુલ ભ્રંગ઼
(છંદ ચર્ચરી)
શૈલશૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ, ગંગકી તરંગ માલ, વિમલ નીર ગાજે
લોચન ત્રય લાલ લાલ, ચંદનકી ખોરી ભાલ, કુંમ કુંમ સિંદુર ગુલાલ ભ્રકુટી વર સાજે
મુંડનકી કંઠમાલ વિહસત હરદય ખુશાલ, સ્ફટિક જાલ રુમાલ, હરદયાલ રાચે
બમ્ બમ્ બમ્ ડમરુ બાજ, નાદ વેદ સ્વર સુ સાજ, શંકર મહારાજ આજ, ત્રાંડવ નાચે ..
મધ્યકાલીન સાહિત્યમાં શિવવિષયક જે રચનાઓ મળે છે તેમાં શિવસ્વરોદય-શાસ્ત્ર શિવગીતા, શિવરહસ્ય, શિવમહાત્મય ચિંતનાત્મક કે સાધનાત્મક કૃતિઓ ઉપરાંત શિવપુરાણ, શિવવિવાહ, શિવભીલડી સંવાદ, મૃગી આખ્યાન, ગૌરીચરિત્ર વગેરે કથાત્મક રચનાઓ પણ એટલીજ મહત્ત્વની છે. સંવાદ આખ્યાન, ધોળ, આરતી, સ્તવન, ભજન, સ્તોત્ર, ધૂન વગેરે પ્રકારોમાં ભગવાન સદા શિવને વિષય તરીકે સ્વીકારી સર્જન થયા ર્ક્યું છે.
રાજકવિ પીંગળશી પાતાભાઈએ ભીમનાથની સ્તુતિ કરતાં ગાયું છે.
સુંદર મુરતી સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ,
ભજ હું મન ભીમનાથ, શંકર ભારી-સુંદર,
આદિ શિવ ઓમ્કાર, ભંજન ધર પાપભાર,
નિરંજન નિરાકાર, ઈશ્ર્વર નામી,
દાયક નવનિધિ દ્વાર, ઓપત મહિમા અપાર,
સરજન સંસાર સાર; શંકર સ્વામી,
ગેહરી શિર વહત ગંગ, તાપ હરત જલતરંગ,
ઉમીયા અરધંગ અંગ, કેફ આહારી
સુંદર મુરતી સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ,
ભજ હું મન ભીમનાથ, શંકર ભારી… (૧)
ગોંડલના અંધકવિ મનુભાઈ ચુડાસમા કૃત શિવસ્તુતિ –
છંદ : ચર્ચરી
મહિમા મોટો મહેશ, જળધર અબધૂત વેશ, ગિરિજાપતિ કૈલેશ, શંકર ભોલે;
ત્રિલોચન તેરે લાલ, ચંદન શોભિત ભાલ, કંઠે હી રુંઢમાલ, ભોરંગ કારે;
ભભૂતિ ભરેલ અંગ, ઊમિયા રહેલ સંગ,ખળક્ત ચુડા મેં ગંગ, અમૃત ધારે;
ભૈરવ કરતે ઉમંગ, ઘૂંટત ધતૂર ભંગ ગોરી રૂપેરી રંગ, નંદી પ્યારે… ૧
ભગવાન મહાદેવની વિવિધ આરતીઓ-
જય શિવ ૐકારા, પ્રભુ જય શિવ ૐકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાંગે દારા-શિવ હર હર હર
૦ ૦ ૦
જય દેવ જય દેવ, જય જય જગસ્વામી શિવ જય જય
દ્ધાદશ જ્યોતિ સમરું, એવું શિરનામી ૐ હર હર હર
૦ ૦ ૦
જય શંકર દેવા જય જય શંકર દેવા
સ્તુતિ ગુણ ગાઉં તમારા, કરું નિશદિન સેવા… ૐ હર હર હર મહાદેવ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!