સેન્સેક્સ ૫૦૦ પોઇન્ટનો સુધારો ગુમાવી પોઝિટિવ ઝોનમાં માંડ ટકી રહ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સપ્ટેમ્બર સિરીઝના પ્રથમ સત્રમાં વિશ્ર્વબજારના સુધારા સાથે એફઆઇઆઇની લેવાલી ચાલુ રહેતા શેરબજારમાં સારો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સત્રના અંતિમ તબક્કે અફડાતફડીમાંથી પસાર થયા બાદ સંપૂર્ણ સુધારો ગુમાવીને સેન્સેક્સ માત્ર ૫૯ પોઇન્ટના વધારો જાળવી શક્યો હતો.
સત્ર દરમિયાન ૫૪૬.૯૩ પોઇન્ટ અથવા તો૦.૯૩ ટકાના ઉછાળા સાથે ૫૯,૩૨૧.૬૫ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે ૫૯.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૧૦ ટકાના સુધારા સાથે ૫૮,૮૩૩.૮૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. નિફ્ટી ૩૬.૪૫ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ટકા વધીને ૧૭,૫૫૮.૯૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો અને હોંગકોંગમાં સુધારો હતો. જ્યારે શાંઘાઇ સ્ટોક એક્સચેન્જમાં પીછેહઠ નોંધાઇ હતી. યુરોપના મહત્તવના બજારોમાં મધ્યસત્ર સુધી નરમાઇ રહી હોવાના અહેવાલ હતા, જ્યારે વોલસ્ટ્રીટમાં ગુુરુવારે સુધારો રહ્યો હતો. સેન્સેક્સના શેરોમાં એનટીપીસી, ટાઇટન, પાવર ગ્રીડ, કોટક મહિન્દ્રા બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ ગેઇનર્સની યાદીમાં હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી, એશિયન પેઇન્ટ અને ભારતી એરટેલ ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં હતાં. કોર્પોરેટ હલચલમાં અદાણી દ્વારા એક્વિઝિશન અને એનડીટીવી દ્વારા એક્વિઝિશન માટે સેબીની પરવાનગી અનિવાર્ય હોવાના દાવાના અહેવાલો વચ્ચે એનડીટીવીના શેહરમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે અપર સર્કિટ જોવા મળી હતી.
લ્યુપીન હેલ્થકેર (યુકે)ને તેની અસ્થમાની સારવાર માટેના જેનેરિક ડ્રગ્સના યુકેમાં વેચાણ માટે પરવાનગી મળી ગઇ છે. મુખ્યત્વે ટાઈપ ટુ ડાયાબિટીસની સારવાર માટે સ્થાપિત બ્રાન્ડ ઓજામીને મરાઠી ફિલ્મ ઉદ્યોગના અભિનેતા ગિરીશ ઓકની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિણુંક કરી છે.
બ્રાન્ડ એસોસિએશન અંગે મેડટેટના સ્થાપક અને સીઈઓ પીટ ટેટ જણાવે છે કે, આગામી દિવસોમાં કંપની દેશના નાના શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. પીએનબીએ તેનો રૂ. ૪૪ કરોડનો એપોલો ડિસ્ટીલરીઝ એન્ડ સબ્રુવરીઝનો એનપીએ અકાઉન્ટ વેચવા મૂક્યો છે. ટાટા હોટલ્સની ઇન્ડિયન હોટલ્સે જણાવ્યું હતું કે તે તેના પોર્ટફોલિયોમાં ૩૦૦ હોટલ સમાવવાનો લશ્ર્યાંક ૨૦૨૫ સુધીમાં હાંસલ કરી લેશે. સ્વીસ કંપની હોલસીમના એસીસી અને અંબુજા સિમેન્ટમાં રહેલા હિસ્સામાંથી વધુ ૨૬ ટકા હિસ્સો મેળવવા અદાણી જૂથે રૂ. ૩૧,૦૦૦ કરોડની ઓપન ઓફર સ્કીમ જાહેર કરી છે. અદાણી જૂથે મે મહિનામાં હોલસીમ લિમિટેડેના ભારતીય બિઝનેસમાં નિયંત્રાત્મક હિસ્સો મેળવવા ૧૦.૫ અબજ ડોલરનો સોદો પાર પાડ્યો હોવાની જાહેરાત કરી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં કોરોનાપ્રેરિત બજારના પડકારો છતાં રૂ. ૮૦ કરોડના ટર્નઓવર નોંધાવનાર અગ્રણી પરફ્યુમ બ્રાન્ડ રિયાએ ૨૦૨૫ સુધીમાં ૨૦ ટકા બજારહિસ્સા સાથે રૂ. ૨૪૦ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું લક્ષ્ય જાહેર કર્યું છે. પર્પસ પ્લેનેટના સ્થાપક અને સીઈઓ આદિત્ય વિક્રમ ડાગાએ જણાવ્યું હતું કે, ટિયર ૨ અને ૩ શહેરોની પરફ્યુમ્સ બજારોમાં વ્યાપક તકો હોવાથી કંપની વિસ્તરણ કરવા માટે વૈશ્ર્વિક બ્રાન્ડ્સના વૈકલ્પિક અવકાશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં સુધઝારો આગળ વધ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સ ૦.૪૦ ટકા વધીને ૨૫,૧૧૯ના સ્તરે, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫ ટકા વધારાની સાથે ૨૮,૪૧૫.૮૯ની સપાટી પર બંધ થયો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર્સ ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૭-૧.૭૭ ટકાનો વધારો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી ૦.૦૯ ટકાના વધારાની સાથે ૩૮,૯૮૭.૧૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.
અગ્રણી શેરોમાં ગ્રાસિમ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાઈટન, કોલ ઈન્ડિયા અને કોટક મહિન્દ્રા બેન્ક ૧.૯૮-૩.૫૮ ટકા સુધી વધ્યા, જ્યારે આઈશર મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, એશિયન પેંટ્સ, એચડીએફસી અને એચડીએફસી લાઈફ ૦.૬૨-૩.૬૭ ટકા સુધી ગબડ્યા હતા. મિડકેપમાં ન્યૂ ઈન્ડિયા એસ્યોર, આઈડીબીઆઈ બેન્ક, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, જિંદાલ સ્ટીલ અને ઈન્ડિયન હોટલ્સ ૨.૭૮-૭.૪૨ ટકા સુધી વધ્યા, જ્યારે અદાણી પાવર, આરબીએલ બેન્ક, ઝી એન્ટરટેન, ઈન્ફોએજ અને પીએન્ડજી ૧.૨૯-૩.૮૪ ટકા સુધી ગબડ્યા હતા. સ્મોલકેપમાં સુર્યા રોશની, એચપીએલ ઈલેક્ટ્રિક, રિલાયન્સ ઈન્ફ્રા, મઝગાંવ ડોક અને વન્ડરેલા ૧૧.૪૫-૧૯.૯૯ ટકા સુધી ઉછળ્યા, જ્યારે રેપ્કો હોમ, કોલ્તે-પાટિલ, કેઆરબીએલ, એલટી ફૂડ્ઝ અને ફોર્બ્સ ગોકક ૫-૮.૬૪ ગબડ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.