સ્વયં જે સતત અજવાળામાં રહે અને આપણને પણ અજવાળામાં રાખે તેવા સદ્ગુરુનો આશ્રય કરીએ

ધર્મતેજ

માનસ મંથન -મોરારિબાપુ

ગુરુપૂર્ણિમાના દિવસો નજીક છે ત્યારે સ્વાભાવિક રીતે જ અધ્યાત્મ જગતની મહાન વિભૂતિઓનું સ્મરણ થાય. મને કોઈ પૂછે કે ગુરુપૂર્ણિમા માટે આપણા મનમાં શું ધારણા છે? તો હું ફક્ત એટલું જ કહું કે અધ્યાત્મ જગતમાં આનાથી વજનદાર બીજો કોઈ દિવસ ન હોઈ શકે. અધ્યાત્મ જગતનો ભારેમાં ભારે દિવસ એટલે ગુરુપૂર્ણિમા. તુલસીદાસજી કહે છે કે ગુરુ બેજોડ છે, અદ્વિતીય છે. ગુરુ જ્ઞાનસ્વરુપ છે. એમનું પૂરું જીવન બોધમય હોય છે. એ શંકરરુપ છે. ચંદ્રમાએ ભગવાન શંકરનો આશ્રય કર્યો તો વક્ર ચંદ્ર પૂરા સંસારમાં વંદનીય થઈ ગયો. જે ભગવાન શિવને નમે છે તે આપોઆપ ચંદ્રને પણ નમે છે. કેટલો ભારી શબ્દ છે-ગુરુ ! ગુરુ એ છે જે કોઈની પ્રતિષ્ઠાના દબાવમાં ન આવે. ગુરુ એ છે જે કોઈના પ્રકાશમાં ચકાચૌંધ ન થઈ જાય બલકે પોતાના પ્રકાશથી જગતના અંધકારનો નાશ કરતાં જાય. અને સાધક ત્યારે ધન્ય થાય છે જયારે તે ગુરુના વચન પર વિશ્ર્વાસ કરે છે.
હું સદ્ગુરુ શબ્દનો ઉપયોગ કરું છું એટલે તર્ક ન કરશો. મેં ગઈકાલે પણ સ્પષ્ટ કર્યું છે અને ફરી કહું છું કે કોણ સદ્ગુરુ? જે સત્યનો પૂજક હોય, જેની વાણીમાં સત્ય હોય, પ્રિય સત્ય હોય તે સદ્ગુરુ છે. પછી તેણે પેન્ટ પહેર્યું હોય તો પણ શો ફરક પડે છે ? જેનાં જીવનમાં તમને શાસ્ત્રોની મર્યાદા જોવા મળે અને ઉપાસના જોવા મળે તે સદ્ગુરુ. પરંતુ શરણાગતિ કોની સ્વીકારવી અને કોની ન સ્વીકારવી તેના માટે બુદ્ધિની જરૂર પડે છે. જેણે શરણાગતિ શીખવી હોય તેને બે કિનારાઓ સમજવા પડે. એક, શુદ્ધિ અને બીજી બુદ્ધિ. બુદ્ધિ વગરની શરણાગતિ કદાચ આપણને ભ્રમમાં નાખી શકે છે. અને જેને શરણે આપણે ગયા હોઈએ તેને પણ ભ્રમમાં નાખી શકે. હા, એકવાર શરણે થઈ ગયા પછી બુદ્ધિનું મૂલ્ય નથી રહેતું. પણ શરણાગતિ કોની સ્વીકારવી તેને સમજવા માટે બુદ્ધિનું મૂલ્ય છે.
વ્રજના એક સંતનો આ પ્રસંગ છે. બડા પહોંચેલા સંત હતા. એક દિવસ બાબા જમીન પર બેસી ગયા છે. આજની મોજ જુદી છે. હવે જો આશ્રમની મુખ્ય વ્યક્તિ જ જમીન પર બેઠી હોય તો બીજા લોકો પણ સ્વાભાવિક રીતે નીચે જ બેસે. બધા જમીન પર બેઠાં હતા અને બાબા સાથે સત્સંગ ચાલતો હતો. એટલામાં પાસેના નગરના એક શેઠ બાબાને મળવા આવે છે. પ્રણામ કરે છે, જુએ છે કે આજે બધા નીચે બેઠા છે એટલે તે પણ એક ખૂણામાં બેસી જાય છે. આ તરફ સત્સંગ ચાલે છે, શાસ્ત્રોની ચર્ચા ચાલે છે. પેલા શેઠ પણ બેઠા છે. બેઠાં-બેઠાં પાસેની જમીન પર જે ઘાસ ઊગ્યું હતું તેના તણખલા તોડ્યા કરે છે. તમે જોયું હશે કે ઘણાં લોકોને બેઠાં હોય તો પણ કંઈ ને કંઈ કરવાની ટેવ હોય છે. ખુરશી પર બેઠા હોય તો છેવટે પગ હલાવ્યા કરે. કોઈ કારમાં બેઠાં હોય તો કોઈ પણ કારણ વગર બારીમાંથી ડોકું બહાર કાઢ્યા કરે. હવે તો રહ્યું નથી, બાકી પહેલાં તો ગામમાં ભૂવા ભેગાં થાય અને જો કંઈ કામ ન હોય તો કહેતા કે ચાલો અડધો કલાક ધૂણી લઈએ !
સૌ બાબાને સાંભળે છે પણ એટલામાં તો અચાનક શું થયું કે બાબાએ પેલા શેઠને કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા ! બધા સ્તબ્ધ થઈ ગયા છે. શેઠ ખૂબ સમૃદ્ધ અને પૈસાદાર હતા અને વળી એ વિસ્તારમાં જાણીતા પણ હતા. અને અચાનક બાબાએ તેને કેમ કહ્યું કે તું ચાલ્યો જા? શું થયું હશે ? શેઠે કંઈ અણછાજતું વર્તન પણ નથી કર્યું…! શેઠ પણ કંઈ બોલ્યા વિના ચાલ્યા જાય છે. શિષ્યોથી ન રહેવાયું. પૂછ્યું કે બાબા, તમે સંત છો, ઉદાસીન રહો છો, તમને ગુસ્સે થતાં પણ અમે નથી જોયા, તો આમ અચાનક નારાજ કેમ ? શેઠે શો અપરાધ કર્યો?
બાબા બોલ્યા: ‘તમે જોયું કે શેઠ બેઠાં હતા ને ઘાસનાં તણખલાં તોડતા હતા ?’ બધા કહે હા બાબા, તે તો અમે પણ જોતાં હતા. પણ એમાં ગુસ્સે થવા જેવું શું છે, નારાજ થવા જેવું શું છે તે સમજાતું નથી બાબા ! સંત કહે સાંભળો, આ ઘાસ છે તેને ગાય ખાય, ઘેંટા-બકરાં ખાય. એનું તેના શરીરમાં દૂધ થાય. એ દૂધ ગરીબના બાળકો પીવે એટલે એમને પોષણ મળે. પોષણ મળે એટલે બુદ્ધિ સારી થાય. બુદ્ધિ સારી થાય એટલે સારું ભણે. સારું ભણે એટલે સારી નોકરી મળે અને તેથી તેમની આર્થિક સ્થિતિ સારી થાય. સારું કમાય તો પરિવારને સુખી કરે. પરિવાર સુખી થાય તો પાડોશીને મદદ કરે… એક ઘાસનાં તણખલાંમાંથી કેટલું થાય ! એક તણખલામાં એને નથી દેખાતું એટલું મને દેખાય છે !
મારાં ભાઈ-બહેનો, એક તણખલામાં પણ જે આપણાથી અનેકગણું વધુ જોઈ શકે તે સદ્ગુરુ. જે પોતે સતત અજવાળામાં રહેતો હોય અને આપણને પણ અજવાળામાં રાખે તે સદ્ગુરુ. જેની વાણીમાં સત્ય હોય, જેનામાં કોઈ માટે ભેદ ન હોય અને જેને પ્રાણીમાત્ર તરફ, જીવમાત્ર તરફ પ્રેમ હોય તે સદ્ગુરુ. આંખમાં અમૃત હોય અને જગત માત્ર તરફ પ્રેમ હોય તે સંત. આંખો જુઓ ત્યાં લાગે કે આણે કોઈ પાપ નથી કર્યા, પુણ્યો જ કર્યા છે ! આવા કોઈ મહાપુરુષનો આશ્રય કરજો. એવો સત્સંકલ્પ કરજો કે મારે કોઈ એવાનો આશ્રય કરવો છે જે પોતે પવિત્ર હોય અને મને ક્યારેય અપવિત્ર ન થવા દે ! જે સતત ઇશનું ચિંતન કરતો હોય અને શિષ્યની ચિંતા કરતો હોય તેવાનો આશ્રય મારે કરવો છે. બાપ ! જે શિષ્યના પૈસા હરે પણ એની ચિંતા ન હરે, તેવા ગુરુને ઘોર નરકમાં પડવું પડે. મારી વ્યાસગાદીને લાગે છે કે જે સત્સંકલ્પ, સત્કર્મ અને સત્સંગ કરશે તેને સદ્ગુરુ મળી જશે.
હું તો ઘણીવાર કહું છું કે, સદ્ગુરુની આંખો એટલે જેમાં વાસના ન હોય, પરંતુ ઉપાસના હોય. જેને જોતાં જ મારું ને તમારું અંત:કરણ કબૂલ કરી દે કે અહીં કોઈ પાપ નથી, પુણ્ય જ પુણ્ય છે. ગુરુ સૂર્ય છે, ગુરુના વચનો સૂર્યના કિરણો સમાન છે, જે આપણા અંધકારનો નાશ કરે છે. ગુરુ સવારનો સૂર્ય છે, અને એવો સૂર્ય કે જે કદી અસ્ત થતો નથી. પ્રકૃતિનો સૂર્ય અસ્ત થાય છે પણ અધ્યાત્મ જગતનો આ સૂર્ય, આ ભાસ્કર, અધ્યાત્મ જગતના આ ભગવાન ભાસ્કર, કદી અસ્ત થતા નથી. આજે પણ ભગવાન જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય પોતાનાં વચનો રૂપી કિરણો આખા સંસાર પર ફેંકતા
રહે છે !
– સંકલન: જયદેવ માંકડ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.