અહંકારી લોકોનું ‘સ્વાવલંબી’ દુ:ખ

ઇન્ટરવલ

આનન-ફાનન-પાર્થ દવે

એક દિગ્ગજ અભિનેતા હતા. અતડા-અતડા રહેતા હતા. તેમનાથી લોકો દૂર ભાગતા. તેમની સાથે વાત કરવાનું લોકો ટાળતા. તે અભિનેતાનું માનવું હતું કે મારી યોગ્ય કદર નથી થઈ રહી. મેં જે કામ કર્યું છે તે શ્રેષ્ઠ હતું, પણ લોકોએ મને તેટલું રિસ્પેક્ટ નથી આપ્યું. મેં લોકો માટે આખી જિંદગી ખર્ચી નાખી, પણ લોકોએ મને તે માન-સન્માન નથી આપ્યાં. આદર-સત્કાર નથી થયા મારા.
આ વિચારોના કારણે તે અભિનેતા લોકોથી દૂર રહેતા. કોઈ જેન્યુઇન વાત કરવા આવે તો તેમની સામે પણ કટુ થઈ જતા. તેમના ચાહકો ફોન કરે કે દૂરથી મળવા આવે તો સુસ્ત પ્રતિભાવ મળતો. તેના કારણે લોકો આપોઆપ અંતર વધારતા ગયા અને અલ્ટિમેટલી, તે કલાકાર ભુલાઈ ગયા. એક સમયના દિગ્ગજ કલાકાર જીવે છે કે નહીં તે પણ લોકોને ખબર નહોતી. તેમની ફિલ્મની વાત નીકળતી ત્યારે લોકો યાદ કરી લેતા, પૂછી પણ લેતા કે ‘તેઓ ક્યાં રહે છે?’, ‘શું કરે છે આજકાલ?’ અને ભૂલી જતા.
આ દિગ્ગજ અભિનેતા કોઈ પણ હોઈ શકે છે. તેનું ક્ષેત્ર કોઈ પણ હોઈ શકે છે. દિગ્ગજ લેખક કે આર્કિટેક્ટ કે નેતા પણ હોઈ શકે છે. લોકો ‘કોઈને પણ’ ભૂલી શકે છે. સમાજ કોઈને પણ ઇગ્નોર કરી શકે છે, પણ જે જાહેર જીવનમાં જીવતા હોય તેમના માટે કદાચ અઘરું હશે તેને ટેકલ કરવું. તેને જીરવવું. તેને સહન કરવું.
સ્ટેજ પરથી લોકોની અહોભાવભરી નજરો જોવી કે નિયમિત પોતાના માટેનાં વખાણ સાંભળવાં – આ બહુ સારું છે, પણ માનવમન અજીબ છે. તેને આદત પડે છે આ બાબતોની અને અભિનયનું ક્ષેત્ર એવું છે કે તેમાં તમે સફળ હો, ‘ચાલતા’ હો ત્યારે સેંકડો લોકો તમારા દીવાના હોય. એ દીવાનગી, એ ગાંડપણ તમારું ‘ચાલવાનું’ બંધ થાય પછી ઓસરતું જાય. કોઈ એક્સ ફેક્ટર હોય તો તમારી ફિલ્મો કે કામ સફળ ન જાય તો પણ તમારી લોકપ્રિયતા જળવાઈ રહે, પણ તે એક્સ ફેક્ટર છે. તે અપવાદ છે, નિયમ નથી.
પેલા દિગ્ગજ અભિનેતાને મળવા એક દિવસ એક પત્રકાર ગયો. તે પત્રકાર, પત્રકાર બન્યો તે પહેલાંથી તેમનો ચાહક હતો. તેણે તેમને ખોતર્યા. તેમને સાંભળ્યા. તેને પેલા દિગ્ગજ અભિનેતાના વિચિત્ર સ્વભાવનું કારણ સમજાયું. કારણ હતું: તે અભિનેતા પોતે જ. તેમનો સ્વભાવ. તેમનો અહંકાર.
જ્યારે તેઓ આકાશમાં ચમકતા તારા એટલે કે સ્ટાર હતા ત્યારે તેમણે આસપાસના નોન-સ્ટાર્સને સન્માનની નજરે જોયા જ નહોતા. રાધર, કહી શકો કે ધિક્કારની નજરે જોયા હતા. જ્યારે તેમના સિક્કા પડતા હતા, તેમની ફિલ્મો સફળ જતી હતી, તેમની આગળ-પાછળ ડિરેક્ટર્સની લાઇન લાગતી હતી અને આસપાસ અભિનેત્રીઓ મંડરાતી હતી, જ્યારે ગ્લેમરની દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર માત્ર તેઓ હતા, ત્યારે તેમણે બાકીના બધા સાથે ધુત્કારભર્યું વર્તન કર્યું હતું એટલું જ નહીં, પોતાના નજીકના સંબંધો પણ તેમને સાચવવાલાયક નહોતા લાગ્યા, કારણ કે તેમને એમ હતું કે તેમની પાસે – પૈસા, પાવર, પ્રસિદ્ધિ – બધું જ છે. તેમને કોઈ વાતની જરૂર છે જ નહીં અને જરૂર પડવાની પણ નથી.
અને થયું પણ એવું જ. તે દિગ્ગજ અભિનેતા પાસે આજે બધું જ હતું, પણ તેઓ એકલા હતા. નજીકના લોકો તેમનાથી દૂર હતા અને તે તેમને કઠતું હતું. અગેઇન, ‘સફળ’ સમયમાં લોકો સાથે ખરાબ વર્તન કરનાર તે અભિનેતા કોઈ પણ હોઈ શકે છે. તમે અને હું પણ. કામમાં થોડી ઘણી, જરા તરા પ્રસિદ્ધિ મળે અને સોશિયલ મીડિયા પર તેને લગતી પૃચ્છા કરતા પર્સનલ મેસેજ આવે ત્યારે ફુલાઈને ફાડકા થઈને, કંઈ પણ જવાબ આપતા લોકો ઘણા છે. એકાદ ફિલ્મ કે એકાદ પ્રોજેક્ટ સફળ જતાં કે કોઈ પણ કામ કે ક્ષેત્રમાં સફળતાની શરૂઆત થતાં જ ગુરુત્વાકર્ષણ બળથી બહાર નીકળી જતા મનુષ્યો ઈર્દગિર્દ છે. પછી હવામાં પક્ષીઓ ભટકાય એટલે તરત જ પાછા પડતા મનુષ્યો પણ છે. જે જલદી સમજી જાય છે તે ચેતી જાય છે. ચેતી જાય છે તે વિનમ્ર થાય છે અને નથી સમજતા તે દુ:ખી થાય છે.
અને આવા સ્વાવલંબી દુ:ખનો કોઈ ઈલાજ નથી. પેલા દિગ્ગજ અભિનેતાની જેમ બધા ફુલફ્લેજ્ડ દુ:ખમાં નથી હોતા. અમુક નાનાં નાનાં દુ:ખ ને અણગમા ને તકલીફમાંથી પસાર થતા હોય છે. તેમને સમાજ પ્રત્યે, લોકો પ્રત્યે, સગાંવહાલાંઓ પ્રત્યે ભારે ચીડ હોય છે. તેમને સમજતાં ખ્યાલ આવે છે કે તેમના મૂળમાં તે પોતે જ છે.
તે દુ:ખ અને અસંતોષના મૂળમાં એક્ચ્યુઅલ શું છે ખબર છે? અહંકાર. સામાન્ય માણસને પણ હોય, આ તો બધા સફળ જાહેર જીવનના સેલિબ્રિટીઓ! તેમનો ઈગો પણ એટલો જ જાહેર હોય જે તે સમયે, પણ તે સમય વીતે, અગાઉ કહ્યું એમ, સફળતાની સીડી પાછી નીચે આવવા માંડે ત્યારે જો તે ઈગો ઘટે નહીં તો પડે તકલીફ અને તે તકલીફ કોરી ખાય.
સફળતા મૂળે સારી બાબત છે, પણ તેનો એક આ સૌથી મોટો ગેરફાયદો છે. મન પર ક્ધટ્રોલ ન હોય તો તે સફળતા અહંકાર સાથે લઈને આવે અને તેમાં પ્રમાણભાન ન જળવાય તો સફળ હોવા છતાં જિંદગી નિષ્ફળ લાગવા માંડે! (નોંધ: પ્રચંડ સફળતા સાથે આવતો થોડો ઘણો અહંકાર લોકો સ્વીકારી લેતા હોય છે!) ઓશો કહેતા કે ‘અહંકારનો ત્યાગ ન કરી શકાય, કેમ કે અહંકારનું કોઈ અસ્તિત્વ જ નથી. અહંકાર એ બધું છે, જે તમે એકત્રિત કરો છો. શિક્ષણ દ્વારા, શિષ્ટાચાર દ્વારા, સભ્યતા અને રીતિ-રિવાજ દ્વારા, સ્કૂલ અને કોલેજોમાંથી!’
એવા નમૂનાઓ પણ જોયા છે જેમને પોતાની વિનમ્રતાનો પણ ઘમંડ હોય! જ્ઞાનનો અહંકાર તો નોર્મલ લાગે છે હવે! જોકે તે વ્યક્તિ જ્ઞાની કહેવાય કે નહીં તે પણ પ્રશ્ર્ન છે. આપણી ઇર્દગિર્દ થોડા ઘણા ‘ચાલતા’ લોકોને માઇનર અહંકારના એટેક આવતા રહે છે. તે વધે નહીં તે સાચવવું. જાળવવું. એકાદ કામ, પરીક્ષા, પ્રોજેક્ટ સફળ જાય પછી ફોન કોલ રિસીવ ન કરનારા લોકો કામ ન હોય ત્યારે તેમને સાંભળે એવા લોકો શોધતા હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.