રક્ષાબંધનનું રહસ્ય

ધર્મતેજ

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ

સમર્થ શાસક અને સિદ્ધ સંન્યાસી તરીકે પ્રસિદ્ધ થયેલા ભર્તૃહરિએ પોતાનું એક અવલોકન રજૂ કર્યું છે કે
आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत्पशुभिर्नराणाम्.’ અર્થાત્ આહાર, નિદ્રા, ભય અને મૈથુનની પ્રકૃતિ પશુ તથા મનુષ્યમાં સમાનરૂપે જોવા મળે છે. આપણે જોયું હશે કે મોરલાઓ મંદિરના શિખર પર કે ઝાડની ટોચે રહેવાનું વધુ પસંદ કરે છે, કારણ કે બિલાડીની બીક. કૂતરાની સામે પણ દંડો ઉગામતાં જ તે ભાગી જાય, કારણ કે તર્કસંગ્રહ ભણ્યા વિનાયે તેને એટલો ખ્યાલ તો જરૂર છે કેयत्र यत्र दण्डः तत्र तत्र भयः।
આ જ રીતે માનવી પણ ભયથી રીબાય છે. આજના આધુનિક મનોવૈજ્ઞાનિકો જુદા જુદા અઢીસો પ્રકારના ભય ( phobia) ની મીમાંસા આપે છે. આવા ભયની એક સૂચિ આપતાં લખાયું છે કે
भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद् भयं,
माने दैन्यभयं बले रिपुभयं रुपे जरायाद् भयम्।
शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद् भयं,
सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम्॥
અર્થાત્ ભોગ ભોગવવા જતાં રોગનો ભય સતાવે છે. ખાનદાનને અપકીર્તિનો ભય પરેશાન કરે છે. ધનવાનને રાજાની બીક રહે છે. એ જ રીતે પ્રતિષ્ઠિતને અપમાનનો, બળવાનને શત્રુનો, રૂપવાનને વૃદ્ધાવસ્થાનો, પંડિતને શાસ્ત્રાર્થનો, ગુણવાનને દુષ્ટજનનો અને શરીરને યમરાજનો ડર કનડે છે. અલબત્ત, આ સૌમાં મૃત્યુનો ભય
સૌથી વધુ ડરામણો છે. તે સૌને ડરાવે-રડાવે છે. તેથી જ કહેવાયું છે કે-
હતી હીરેજડિત ભીંતો કનક મહેલ મહોલાતો,
ઊડતી નગરના જનોની નિંદ સુણી ગંધર્વના ગીતો;
ઊગે જ્યાં સૂર્ય ગભરાતો પવન પણ વાય શરમાતો,
છતાં દુખિયો રાવણ મૃત્યુથી બીતો.’
આમ, શિર પર ગગડતા કાળના નગારાંથી સૌ ગ્રસ્ત-ત્રસ્ત છે. તેથી જે બચાવે તે સાચો રક્ષણહાર અને તે જ સાચી રક્ષા. આવી રક્ષા કરવાનું સામર્થ્ય સાચા સંત ધરાવે છે તે સત્ય ભાગવતમાં સમાયેલું છે.
આ પુરાણમાં કથાનક આવે છે કે જ્યારે રાજા પરીક્ષિત શમિક ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ દ્વારા સમ્રાટનું યથોચિત સન્માન ન થયું. તેથી છંછેડાયેલા પરીક્ષિત મરેલો સર્પ ઋષિના ગળામાં નાંખી તેઓનું અપમાન કરી બેઠા. તે જોઈ ઋષિપુત્ર શ્રૃંગીએ પરીક્ષિતને શાપ ફટકારી દીધો કે ‘જેણે મારા પિતાની અવહેલના કરી છે તેનું સાત દિવસમાં તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થાઓ.’
આ સાંભળી બેબાકળા બનેલા પરીક્ષિત મૃત્યુથી બચવા અહીં-તહીં ઘૂમવા લાગ્યા.
એક જ આશાથી કે ‘કોઈ રે ઉગારે મુને કાળથી, સોંપું તેને આ શીશ જી…’ આ સમયે દૈવયોગે તેઓને શુકદેવજીનો ભેટો થઈ ગયો. તેઓએ પરીક્ષિતને કહ્યું : ‘હે રાજન ! તું હું મરી જવાનો છું’ તેવી પશુબુદ્ધિ છોડી દે. તું આત્મા છે અને તેનો દેહની જેમ નાશ નથી થતો.’
આમ કહી ભાગવતની કથા સંભળાવવા માંડેલા શુકદેવજી પાસેથી પરીક્ષિતને એવું જ્ઞાન મળ્યું કે તેઓ મૃત્યુથી નિર્ભય થઈ ચૂક્યા. તેથી સાતમા દિવસે શાપ અનુસાર તક્ષક નાગ આવ્યો, પણ લેશ વિચલિત થયા વિના પરીક્ષિત બોલ્યા : ‘હું બ્રહ્મ છું અને અભયને વરેલો હું બ્રહ્મનિર્વાણ પામી રહ્યો છું.’
અહીં જોઈ શકાય છે કે સંતના સમાગમથી જીવની કેવી રક્ષા થાય છે! આવા સંતની પરંપરામાં પ્રગટ થયેલા પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં આવેલા મુમુક્ષુ શ્રી ભગવાનજીભાઈ માંડવિયા કેનેડાના ગુજરાતી સમાજનું અગ્રણી નામ. પરંતુ તેઓને બ્લડ કેન્સરની જીવલેણ બીમારી વળગેલી. છતાં મોતના મુખમાં પડવા જેવી આ પરિસ્થિતિમાં પણ આ સત્સંગી અત્યંત સ્વસ્થ રહેલા. તેઓને એમ પણ ન થયું કે મેં ભક્તિ કરી છતાં આવું કેમ બન્યું? પોતાને સાંત્વન આપવા આવનરાને આ હરિભક્ત કહેતા : ‘મેં જીવનમાં પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતની સેવા કરી છે અને ભગવાનના આદેશ મુજબ જીવન વીતાવ્યું છે. તેથી મને કોઈ ચિંતા નથી.’
આ સાંભળી સૌ પરીક્ષિતની આધુનિક આવૃત્તિ સમા આ સત્સંગીને જોઈ જ રહેતા. તા. ૧૫/૬/૧૯૮૮ના રોજ તો સ્વયં પ્રમુખસ્વામી મહારાજ આ ભગવાનજીભાઈના ખબર-અંતર પૂછવા ટોરોન્ટોની પ્રિન્સેસ માર્ગારેટ હોસ્પિટલમાં જઈ પહોંચ્યા ત્યારે તેઓને પણ માંદગીના બિછાને પોઢેલા આ ભક્તે કહ્યું : આપે અહીં આવવાની તકલીફ શા માટે લીધી? હું અહીં સુખિયો છું.’
આમ, માનવમાત્રને પીડતી-પીલતી મૃત્યુની બિહામણી છબીથી સંતના સમાગમમાં રહેનારો ઊગરી જાય છે. રક્ષાબંધનનું ખરું રહસ્ય તો આ છે. જે ભગવાન અને સંતના બંધનમાં રહે છે તેનો કોળિયો કાળ પણ નથી કરી શકતો.
આ મર્મ જ્યારે આત્મસાત્ થાય ત્યારે ‘તિથિ ન જોશો ટીપણે, રક્ષાબંધન તે દિને…’ એમ કહી શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.