ધ સેન્ડમેન: સ્વપ્નની અનોખી દુનિયા

ઇન્ટરવલ

સ્વપ્નને ભૂલી જવાં આપણો સ્વભાવ છે કે અભિગમ?

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

તાજેતરમાં એક ઓટીટી પ્લેટફોર્મ પર ધ સેન્ડમેનની પ્રથમ સીઝન આવી છે. કોવિડને કારણે બે વર્ષ લેટ પડેલી ધ સેન્ડમેનમાં સ્વપ્નના દેવતા મોર્ફિયસની કથા છે. ડ્રીમ, ડિઝાયર, ડેસ્ટિની, ડેથ વગેરે ફક્ત શબ્દ નથી, પણ સ્વતંત્ર સામ્રાજ્ય ધરાવતા દેવતાઓ છે. આ દેવતાઓ ઉદાર પણ છે અને ક્રૂર પણ…
સેન્ડમેન સીરીઝની કથાવસ્તુ મોર્ફિયસ આસપાસ ફરે છે. આપણી જિંદગી પણ સ્વપ્ન આસપાસ ફરે છે. આપણે જિંદગીના છ વર્ષ સ્વપ્ન જોવામાં ખર્ચીએ છીએ, સરેરાશ પાંચથી વીસ મિનિટની શોર્ટ ફિલ્મો જેવા ચારથી આઠ સ્વપ્ન લગભગ રોજ મફતમાં જોઇએ છીએ, એમાંથી ૯૦% સ્વપ્ન તો ભુલી જવાય છે. જાગ્રત થાય એની દશ પંદર મિનિટમાં યાદ રહેલું અડધુંપડધું સ્વપ્નું પણ ભુલાઇ જાય છે એનું કારણ શું? ઘટનાઓ યાદ રાખવા માટેનું મગજનું ડિપાર્ટમેન્ટ ઊંઘના સમયે દરવાજા બંધ રાખતું હોવાથી સ્વપ્ન યાદ રહેતું નથી મોર્ફિયસની રમત કહો કે કુદરતની કમાલ.
સ્વપ્નમાં મહદંંશે કોણ દર્શન આપે છે? જેને ઓળખો છો એ વ્યક્તિ મળવા આવે છે. ભગવાનનું સેટિંગ તો જુઓ… ઓળખીતા સ્વપ્નમાં પધરામણી કરે પણ નિકટના તમારા નયનને દ્વાર પધારતા નથી. મિન્સ પતિપત્ની એકબીજાને સ્વપ્નમાં કામ વગર મળતા જ નથી બંનેને પરમ શાંતિ જોઈતી હશે.
ધ સેન્ડમેનમાં સ્વપ્નોના દેવતા મોર્ફિયસનું આયુધ રેતી છે, સિરીઝના નામમાં સેન્ડ છે. સરી જતી રેતી એટલે ભુલાતા સ્વપ્ન… આપણે સ્વપ્નના ઘર બનાવીએ છીએ, ચોવીસ કલાક જે સ્વપ્ન સેવતા હોઇએ છે એ રેતીના બનેલા છે… સરકી જતાં ક્યાં વાર લાગે છે? સ્વપ્નો પાછા નવી દુનિયા પણ બનાવવા માંડે છે.
વેબસિરીઝ જોતાં એક પ્રશ્ર્ન થાય છે કે જિંદગી છે શું? ગણપતિ મહોત્સવ જેવું… સર્જન, વિસર્જન અને નવસર્જનની યાત્રા કે પછી એકાકીપણું… જિંદગીની યાત્રા કોના માટે? એકાકીપણું? કોના માટે આટલો સંઘર્ષ? આજે ડ્રીમ માટે જિંદગી, તો કાલે ડેસ્ટિની, પરમદિવસે ડિઝાયર, પછી ડેથ… ફૂટબોલ બનીને જીવવાનું?
મોર્ફિયસની રેતી પણ સપનાઓની જેમ રંગીલી મિન્સ કલરફૂલ નથી… વીસમી સદી સુધી સ્વપ્નના રંગો પર ખાસ અભ્યાસ થયો ન હતો. આમ છતાં લાઇટર મૂડમાં વાત કરીએ તો સ્વપ્નો હળવા કલરવાળા હતાં એવું માનવામાં આવે છે. ગત શતાબ્દીમાં ફિલ્મો, ફોટોગ્રાફ અને ટેલિવિઝન બ્લેક એન્ડ વ્હાઇટ આવ્યા અને સ્વપ્ના ધીમે ધીમે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયાં.
સમય જતાં ફોટોગ્રાફ, ટીવી અને સિનેમા રંગીન થવા લાગ્યા. હકીકત એ છે કે ૨૦% લોકોને ખબર નથી કે તેમણે જોયેલું સ્વપ્ન બ્લેક એન્ડ વ્હાઇટ હતું કે રંગીન. એક અભ્યાસ મુજબ ભારતમાં જેમણે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી લાંબો સમય જોયા હતાં એ સમુદાય બ્લેક એન્ડ વ્હાઇટ સ્વપ્ન જુએ છે.
ચાલો, આજે ટ્રાય કરજો કે સ્વપ્નમાં આવેલી વ્યક્તિએ ક્યા કલરના કપડા પહેર્યા હતાં જો કે સ્ત્રીઓના સ્વપ્નમાં રંગોનું મહત્ત્વ હોય છે, બાકી પુરુષો સ્વપ્નમાં ય રોંચા જેવા. સોશિયલ મીડિયાની જેમ લડાલડ કરે, આખો દિવસ વોટ્સએપ યુનિવર્સિટીમાં રાજનીતિ સિવાય કોઇ દુનિયા જ નથી એવા પુરુષ સ્વપ્નમાં હથિયાર, વિવાદ અને આક્રમકતા સહજ હોય… દિલ પે મત લો, યારો…
સ્ત્રી સ્વપ્નમાં પણ ફેશન જોઈ લે છે, સ્ત્રીઓના સ્વપ્ન લાંબા હોય છે. સ્ત્રીઓના સ્વપ્નમાં સ્ત્રી પુરુષ ભેદ હોતો નથી, બંને પચાસ પચાસ ટકા ભાગ લે છે. જ્યારે પુરુષોને સ્ત્રીઓના સ્વપ્નમાં વધુ રસ હોય છે, કમનસીબે પુરુષોના સ્વપ્નમાં ૩૫% જ સ્ત્રીઓના મંગલ પ્રવેશ થતાં હોય છે… બિચારા…
સ્વપ્નના દેવતા મોર્ફિયસની દુનિયા ડાર્ક છે. માણસ સ્વપ્નના કલરમાંથી પણ થેરાપી બનાવી છે, વાયકાઓ મુજબ સ્વપ્નમાં જોયેલો લાલ રંગ યાદ રહી જાય તો તમે આજકાલ રોમેન્ટિક મૂડમાં જીવો છો, ઇજા થવાનો યોગ પણ છે. ઓરેન્જ ડિપ્રેશન સાથે સારી આશાનો સંચાર કરે છે. યલો કલરથી જીવનમાં પરિવર્તન આવશે, ગ્રીન કલર સલામતીની ચિંતા સાથે સારા સ્વાસ્થ્યની નિશાની છે. કાળો રંગ પરિવર્તન સાથે ડરાવે છે. સફેદ રંગ જીવનમાં નવી શરૂઆત સાથે એકલતાની વ્યથા કરે છે, બાકી સ્વપ્ન જ ભાવહીન હોય એને કલરની જરૂર હોતી નથી…
સતત તણાવમાં જીવતા, બીજાઓની લાગણીઓ સાથે રમતા અથવા નિરસ લોકોના સ્વપ્નમાં રંગોળી કોણ પૂરે? પેલો ક્રૂર મોર્ફિયસ…. નેવર…
નીલ ગેમેનના કોમિક પરથી થયેલા એડોપ્ટેશનમાં સારા સ્વપ્ન અને દુ:સ્વપ્ન થકી માનવતાની વાત કરી છે. એક રીતે રેતીની જેમ કશું ચિરંજીવી નથી પણ મોર્ફિયસને મૃત્યુ નથી.
આપણા માટે સપનાં તો માહિતીના સ્ત્રોત છે, જે યોગ્ય લાગે એટલું યાદ રાખવાનું, બાકીનું ઉડતી રેતીની જેમ ભૂલી જવાનું.
સ્વપ્નની પોઝિટિવ સ્ટોરી પણ છે, ધ સેન્ડમેનમાં માતા પિતા તરફથી માનસિક ત્રાસ ભોગવતો જેડ સ્વપ્નમાં સુપર હીરો બનીને માનસિક શાંતિ અનુભવે છે. મોર્ફિયસની પોઝિટિવ કથામાં એ પણ હકીકત છે કે ઘણીવાર ભૂલાયેલા સ્નેહીઓને સ્વપ્નમાં મગજના ગેબી ખૂણામાંથી શોધી લાવે છે ને યાદો તાજી કરાવે છે….
ચાલાક દેવતા મોર્ફિયસ પણ કેદી બની જાય છે, લાઇફમાં કશું અશક્ય નથી… માની લો કે સ્વપ્નો આવતા બંધ થાય તો… એકાદ નિબંધ લખાવો જોઈએ કે જો સ્વપ્ન ના હોત તો… મોર્ફિયસ કેદ થાય છે છતાં દુનિયા અટકતી નથી, આપણે ભ્રમમાં છીએ કે
મારા વગર શું થશે? સ્વપ્ન વગર પણ દુનિયા
ચાલતી હતી.
મોર્ફિયસને ગ્લાસની દીવાલમાં કેદ કરવામાં આવે છે, ગ્લાસ બને છે રેતીમાંથી… પોતાના આયુધથી કેદ થઈ જવું એ છેક મહાભારત યુગની પરંપરા છે, પૂછો ભીષ્મ પિતામહને… મોહમાયાની દુનિયામાં નિસ્પૃહ રહેવું સહેલું નથી.
મોર્ફિયસનું એક આયુધ તેનું મુખવટો છે. સ્વપ્ન હોય કે હકીકત, સંસારના પાત્રોએ મુખવટાં પહેરેલા જ હોય છે. જંગલી જાનવર પણ શિકાર નજીક જવા ઇમાનદારીનો મુખવટો પહેરતું હોય તો ઇન્સાન ક્યા ચીજ હૈ? યહાં તો કદમ કદમ પે મુખવટો કી કહાનીયાં હૈ…
મોર્ફિયસ પાસે એક કિમતી માણેક પણ છે, માનવજાત માટે માણેક છે ઊંઘ… સીરીઝની વાત માનીએ તો માણસજાત અજ્ઞાત ડર કે ચિંતાઓમાં જીવે છે. સ્વપ્નોને લીધે ડર પણ લાગે અને સ્વપ્નમાં હકારાત્મક વલણ પણ કેળવે. છતાં માણસ સ્વપ્નમાં મરતો નથી કારણ કે તેનો અનુભવ નથી. આમ છતા તમે મરી રહ્યા છો એવું દેખાય તો સમજી જવાનું કે તમે જાગૃત છો. તમે સ્વપ્નમાં ગમે તેવા ફસાયા હોય તો પણ ઝડપથી ભાગી શક્તા નથી, ઇવન વાંચી પણ શક્તા નથી. કારણ કે શરીર આરામ કરતું હોય ત્યારે સ્નાયુઓ, ચેતાઓ અને તેની સાથે જોડાયેલા મગજના છેડા પણ આરામના મૂડમાં હોય છે.
કેદમાંથી નીકળેલો મોર્ફિયસ તેની શક્તિઓ ગુમાવી ચૂકે છે. શક્તિ પુન: પ્રાપ્ત કરવા તેને એવું પાત્ર જરૂરી છે કે જેનું સર્જન પોતે જ કર્યું હોય. સર્જનને પોતાનામાં સમાવીને કે સર્જનમાં સમાઇ જઇને જ શક્તિ મેળવી શકાય…
ઇવન સિરીઝમાં અવારનવાર એકસરખા આવતા સ્વપ્નોની વાત પણ બાર્બી કે કેન જેવા પાત્રો દ્વારા કરી આવી છે. જાગૃત અવસ્થામાં સ્ટ્રેસને ભગાડી ના શકાતો હોય તો મન એની રીતે રસ્તો કરીને સ્વપ્નમાં કેસેટ રીપીટ કરે રાખે. એક સરખા સ્વપ્ન શા માટે આવે છે એ હજી વિજ્ઞાન પણ નક્કી કરી શક્યું નથી પણ હકીકત એ છે કે મનમાં ફરતા વિચારોમાંથી સ્વપ્ન બનતું હોય છે.
સ્વપ્નની દુનિયાની વાત પર લખાયેલી સિરીઝની મૂળ કથા હોફમેનની લઘુકથા ધ સેન્ડમેનનો ઉલ્લેખ ફ્રોઇડે તેમના પેપર ધ અનકેનીમાં કર્યો છે. જો કે ફ્રોઇડે સ્વપ્ન સમજવા પ્રયત્ન કર્યો પણ આધુનિક વિજ્ઞાન હજી પણ સ્વપ્નનું અર્થઘટન શોધી શક્યું નથી.
ઘણા લોકો માને છે કે તેમના સ્વપ્ન સાચા પડે છે, હજી આ ભેદ ઉકેલાયો નથી. આમ છતાં એવું માનવામાં આવે છે કે ૩૦% સ્વપ્ન વાસ્તવિક હોય છે, ૫૦% કાલ્પનિક અને બાકી અણઘડ સ્વપ્ન હોય છે.
બાકી સ્વપ્ન આવતું જ નથી એ વાતમાં તથ્ય નથી, સ્વપ્ન આવતું ના હોય તો મનોચિકિત્સકને બતાવવું. ઇવન જન્મજાત અંધ વ્યક્તિને સ્વપ્ન આવે. અંધ વ્યક્તિ અવાજ, સ્વાદ, સ્પર્શ જેવી માણેલી ઇન્દ્રિયોના સ્વપ્ન જોતા
હોય છે.
એક માન્યતા મુજબ, નસકોરાં બોલાવતી વ્યક્તિ તે સમયે સ્વપ્ના જોતી નથી, પણ આ વાતમાં તથ્ય નથી. નસકોરાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે મોર્ફિયસના ઉત્સાહ વધારતા હોય…. મજેદાર સ્વપ્ના જુઓ, ઊંઘમાંય ફિલ્મ જોતાં જોતાં ટાઇમપાસ કરો… સ્વપ્નમાં ભાગદોડ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરતાં કરતાં એટલા થાકી જાવ કે સવારે પાછા ઊંઘી જવાય.
——
ધી એન્ડ
જો સ્વપ્ન ગાયબ થઈ જાય તો માનવતા પણ અદૃશ્ય થઈ જશે… – મોર્ફિયસ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.