ક્રૂડતેલના ભાવ ઉછળતાં ડૉલર સામે રૂપિયો ૧૬ પૈસા ગબડ્યો

બિઝનેસ

મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ૨.૦૬ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના અહેવાલ ઉપરાંત ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૪૯.૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી જળવાઈ રહી હોવાનાં નિર્દેશને ધ્યાનમાં લેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ૧૮ પૈસાના ઘટાડા સાથે ૮૦ની સપાટીને સ્પર્શ્યા બાદ અંતે ૧૬ પૈસાના ગબડીને ૭૯.૯૮ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૯.૮૨ના બંધ સામે સુધારાના ટોને ૭૯.૭૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૦ અને ઉપરમાં ૭૯.૭૨ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૧૬ પૈસા તૂટીને ૭૯.૯૮ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ડૉલરની નબળાઈને કારણે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો સુધારાના ટોને ખૂલ્યો હતો અને મધ્યસત્ર સુધી મજબૂત વલણ રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યાના નિર્દેશ તેમ જ ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાથી રૂપિયામાં ઘસારો આવ્યો હોવાનું બીએનપી પારિબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.