ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા ઉછળ્યો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મક્કમ વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન ૨૭ પૈસાનો ઉછાળો આવ્યા બાદ અંતે ગઈકાલના બંધથી બાવીસ પૈસાના સુધારા સાથે ૭૯.૬૯ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૯૧ના બંધ સામે સુધારાના ટોને ૭૯.૮૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૮૫ અને ઉપરમાં ૭૯.૬૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી બાવીસ પૈસાના ચમકારા સાથે ૭૯.૬૯ના મથાળે બંધ રહ્યો હતો.
ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાની સાથે વ્યાજદરમાં આગામી વધારો આર્થિક આંકડાકીય માહિતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, એવું જણાવતાં આજે તેની બજાર પર નકારાત્મક અસર પડતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એલકેપી સિક્યોરટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના ઘટાડા બાદ ૦.૧૨ ટકા વધીને ૧૦૬.૫૮ ડૉલર આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૩૭ ટકા વધીને બેરલદીઠ ૧૦૮.૦૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૩૬.૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. તેમ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૦૪૧.૪૭ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨૮૭.૩૦ પૉઈન્ટનો સુધારો આવતાં રૂપિયાની તેજીને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.