ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસો નરમ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ૧૨ પૈસા નબળો પડ્યો હતો, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ તેમ જ ગત ૨૪ જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૨.૭૩૪ અબજ ડૉલર વધીને ૫૯૩.૩૨૩ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી સત્રના અંતે સાધારણ એક પૈસાના ઘટાડા સાથે ૭૮.૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૮.૯૪ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૭૮.૯૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૦૬ અને ઉપરમાં ૭૮.૮૭ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ એક પૈસો નરમ પડીને ૭૮.૯૫ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે અમેરિકાની બજારો સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બંધ રહેવાની હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પાંખાં કામકાજો રહ્યાં હતાં. તેમ છતાં ગત સપ્તાહે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી ફંડોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહેવાની સાથે રાજકોષીય ખાધમાં વધારો થવાની ભીતિ હેઠળ રૂપિયામાં વધુ ઘસારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘસારો ધીમો પડ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવ્યું હતું. દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૨૬.૮૪ પૉઈન્ટનો અને ૮૩.૩૦ પૉઈન્ટનો જોવા મળેલો સુધારો વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૨૬ ટકા ઘટીને બેરલદીઠ ૧૧૧.૩૪ ડૉલર આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ આગલા બંધથી ૦.૧૩ ટકા ઘટીને ૧૦૪.૯૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલને કારણે રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હતું. જોકે, ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૩૨૪.૭૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.