ડૉલર સામે રૂપિયો છ પૈસા વધ્યો

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૯૬.૦૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાની એક્સચેન્જની પ્રાથમિક આંકડાકીય માહિતીને ધ્યાનમાં લેતા આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસાના સુધારા સાથે ૭૯.૮૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં આગેકૂચ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૯૨ના બંધ સામે સુધારાના ટોને ૭૯.૮૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૯૪ અને ઉપરમાં ૭૯.૮૧ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી છ પૈસાના સુધારા સાથે ૭૯.૮૬ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો, એફઆઈઆઈની લેવાલી અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને ક્રૂડતેલના ભાવમાં વધારાની રૂપિયા પર નકારાત્મક અસર જોવા મળી શકે છે. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૩ ટકા ઘટીને ૧૦૮.૩૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૫૯.૧૫ પૉઈન્ટના અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩૬.૪૫ પૉઈન્ટના સુધારા ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૬૯.૦૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૪૨ ટકાની તેજી સાથે બેરલદીઠ ૧૦૦.૭૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.