ડૉલર સામે રૂપિયો ૩૦ પૈસા ગબડ્યો

વેપાર વાણિજ્ય

મુંબઈ: ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકા ખાતે ફુગાવો બજારની અપેક્ષા કરતાં ઊંચી સપાટીએ રહેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૩૦ પૈસાના ગાબડાં સાથે ૭૯.૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૧૭ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૫૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૬૦ અને ઉપરમાં ૭૯.૩૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૩૦ પૈસા ઘટીને ૭૯.૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકામાં ઑગસ્ટ મહિનાનો ફુગાવો અપેક્ષા કરતાં ઊંચા મથાળે રહેતાં આજે ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ આગામી ૨૦-૨૧ સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં એક ટકાનો વધારો કરે તેવી શક્યતાને કારણે રૂપિયો નબળો પડ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સેન્સેકસમાં આરંભિક ૧૨૦૦ પૉઈન્ટ જેટલા કડાકા બાદ અંતે ૨૨૪ પૉઈન્ટ ઘટ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૯૫૬.૯૮ કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.