આર્થિક ડેટા નિરસ આવતા ડૉલર સામે રૂપિયો ૬૫ પૈસા ગબડ્યો

વેપાર વાણિજ્ય

મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં ૫૩ પૈસાનો ઉછાળો આવ્યા બાદ ગઈકાલે મોડી સાંજે જાહેર થયેલા ગત જુલાઈ મહિનાના દેશના આર્થિક ડેટાઓ નબળા આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૬૫ પૈસા ગબડીને ૭૯.૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૮.૫૩ના બંધ સામે નરમાઈના ટોને ૭૮.૭૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૨૧ અને ઉપરમાં ૭૮.૭૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૬૫ પૈસા તૂટીને ૭૯.૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે ગત જુલાઈ મહિનાનો સર્વિસીસ પીએમઆઈ આંક જૂન મહિનાના ૫૯.૨ સામે ઘટીને ૫૫.૫ની સપાટીએ, જ્યારે કમ્પોઝિટ પીએમઆઈ આંક જૂન મહિનાના ૫૮.૨ સામે ઘટીને ૫૬.૬ની સપાટીએ રહ્યો હોવાના તેમ જ ગત જુલાઈ મહિનામાં વેપાર ખાધ જે જૂન મહિનામાં ૨૬.૧૮ અબજ ડૉલરની સપાટીએ હતી તે વધીને ૩૧.૦૨ અબજ ડૉલરની વિક્રમ સપાટીએ રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધથી ૦.૯૫ ટકા ઘટીને બેરલદીઠ ૯૯.૫૮ આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૦૫ ટકા ઘટીને ૧૦૬.૧૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું બીએનપી પારિબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. દેશના નબળા આર્થિક ડેટા આગામી સમયગાળામાં રૂપિયાને દબાણ હેઠળ રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં રૂપિયો ૭૮.૨૦થી ૭૯.૮૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.