ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા ગબડીને ૭૯.૪૫ના નવા તળિયે

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ૦.૫૬ ટકા જેટલો ઉછાળો આવ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી ફંડોનો સતત બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન એક તબક્કે ૨૪ પૈસા ગબડ્યા બાદ અંતે આગલા બંધથી ૧૯ પૈસા તૂટીને ૭૯.૪૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૧.૪૩ ટકા તૂટતાં રૂપિયામાં ધોવાણ પ્રમાણમાં ઓછું રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૯.૨૬ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૩૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૫૦ અને ઉપરમાં ૭૯.૨૪ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૧૯ પૈસાના ઘટાડા સાથે ૭૯.૪૫ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૫૬ ટકા વધીને ૧૦૭.૬૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૬.૬૧ પૉઈન્ટનો અને ૪.૬૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૦૯.૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. આજે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ આગલા બંધથી ૧.૪૩ ટકા ઘટીને બેરલદીઠ ૧૦૫.૪૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ધોવાણ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
————
વર્તમાન નાણાકીય વર્ષમાં લેધરની નિકાસ છ અબજ ડૉલરની પાર જશે: સીએલઈ
નવી દિલ્હી: વૈશ્ર્વિક બજારમાં ભારતીય લેધર ઉત્પાદનોની માગમાં વધારો થતાં વર્તમાન નાણાકીય વર્ષમાં નિકાસ છ અબજ ડૉલરની સપાટી પાર કરે તેવી શક્યતા કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટસ (સીએલઈ)એ વ્યક્ત કરી છે.
કાઉન્સિલના ચેરમેન સંજય લીખાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારીને કારણે વૈશ્ર્વિક બજારનાં પરિપ્રેક્ષ્યમાં આવેલા ફેરફારોને કારણે લેધર ક્ષેત્રમાં નિકાસની બહોળી તકો ખૂલી છે. આમ બિઝનેસની ઊભરતી તકો, માગની ખાલી પાઈપલાઈન અને સરકાર તરફથી ટેકો મળતાં વર્ષના શેષ મહિનાઓમાં પણ નિકાસ વૃદ્ધિને ટેકો મળશે. આ તમામ પરિબળો જોતાં વર્તમાન નાણાકીય વર્ષમાં નિકાસ છ અબજ ડૉલરની પાર થશે, એવો ઉદ્યોગને વિશ્ર્વાસ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગત નાણાકીય વર્ષમાં દેશની લેધરની નિકાસ આગલા વર્ષનાં ૩.૭ અબજ ડૉલર સામે ૩૨.૫ ટકા વધીને ૪.૯ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. વધુમાં લીખાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જોવા મળેલી આકર્ષક નિકાસ વૃદ્ધિ વર્તમાન નાણાકીય વર્ષમાં પણ જળવાઈ રહેશે. ગત એપ્રિલ-મે મહિનામાં ખાસ કરીને ફૂટવેરની નિકાસ ગત સાલના સમાનગાળાના ૬૨.૧૫૦ કરોડ ડૉલર સામે વધીને ૮૮.૭૪૦ કરોડ ડૉલરના સ્તરે રહી છે.
સમીક્ષા હેઠળના સમયગાળામાં અમેરિકા ખાતે નિકાસ ૭૮.૫ ટકા વધીને ૨૨.૯૪૦ કરોડ ડૉલર (૧૨.૮૪૯ કરોડ ડૉલર)ના સ્તરે રહી હતી. આ સિવાય મુખ્ય નિકાસ બજાર યુરોપ ખાતેની નિકાસ પણ ૪૪.૬ ટકા વધીને ૩૧.૭૦૪ કરોડ ડૉલરની સપાટીએ રહી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કેનેડા, ઑસ્ટ્રેલિયા અને યુએઈ ખાતેની બજારમાં પણ નિકાસની શક્યતા પ્રબળ બની છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.