ડૉલર સામે રૂપિયો વધુ સાત પૈસા તૂટ્યો

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ સાત પૈસાના ઘટાડા સાથે ૭૯.૯૩ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૮૬ના બંધ સામે સુધારાના ટોને ૭૯.૮૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર નીચામાં ૭૯.૯૩ અને ઉપરમાં ૭૯.૮૦ની રેન્જમાં અથડાઈને અંતે સાત પૈસાના ઘટાડા સાથે ૭૯.૯૩ના મથાળે બંધ રહ્યો હતો. ખાસ કરીને અર્થતંત્રને વેગ આપવા માટે ચીનના સ્ટિમ્યુલસ પેકેજને કારણે તેમ જ ક્રૂડતેલના ભાવવધારાને કારણે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે આ મહિનામાં પાકતા વલણ પૂર્વે રૂપિયો ૭૯.૬૦થી ૮૦.૧૦ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય. આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩૯ ટકા વધીને બેરલદીઠ ૧૦૧.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૧૦.૭૧ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૮૨.૫૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૫૦ ટકા ઘટીને ૧૦૮.૧૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૩.૧૯ કરોડની લેવાલી રહી હોવાના કારણે રૂપિયામાં ધોવાણ સિમિત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.