ડૉલર સામે રૂપિયો એક પૈસો ઘટીને નવી નીચી સપાટીએ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટના સુધારા સાથે ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ૧૩ પૈસા સુધી મજબૂત થયા બાદ સત્રના અંતે ગઈકાલના બંધથી વધુ એક પૈસાના ઘટાડા સાથે ૭૮.૩૩ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૮.૩૨ના બંધ સામે સુધારાના ટોને ૭૮.૨૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૮.૩૫ અને ઉપરમાં ૭૮.૧૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી સાધારણ એક પૈસો ઘટીને ૭૮.૩૩ના મથાળે બંધ રહ્યો હતો. આજે રિઝર્વ બૅન્કના ડેપ્યૂટી ગવર્નર માઈકલ ડી પતરાએ જણાવ્યું હતું કે આરબીઆઈ રૂપિયામાં આંચકા સાંખી નહી લે અને તાજેતરના સમયગાળામાં અન્ય ચલણોની સરખામણીમાં રૂપિયામાં સૌથી ઓછો ઘસારો આવ્યો છે. તેમ જ રૂપિયાની સ્થિરતા માટે અમે પગલાં લેતા રહીશું, એમ તેમણે ઉમેર્યું હતું. આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૧૩ ટકા વધીને બેરલદીઠ ૧૧૧.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૩૧૯.૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૫ ટકા ઘટીને ૧૦૪.૧૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૬૨.૨૬ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૪૨.૬૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.