ડૉલર સામે રૂપિયો વધુ ૨૧ પૈસા નબળો પડ્યો

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૩૯૭.૫૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ૨૧ પૈસાના ઘટાડા સાથે ૭૯.૭૩ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૫૨ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૫૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૭૬ અને ઉપરમાં ૭૯.૪૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨૧ પૈસા ઘટીને ૭૯.૭૩ના મથાળે બંધ રહ્યો હતો. ગત ઑગસ્ટ મહિનામાં દેશની આયાતમાં ૩૭.૨૮ ટકાનો વધારો અને નિકાસમાં સાધારણ ૧.૬૨ ટકાની વૃદ્ધિ સાથે દેશની વેપાર ખાધ બમણાં કરતા વધીને ૨૭.૯૮ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું સરકારી પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૧૨.૯૬ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૨૬.૩૫ પૉઈન્ટનો ઘટાડો તથા ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહેતા રૂપિયામાં ઘટાડો આગળ ધપ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.