ડૉલર સામે રૂપિયો વધુ ૨૦ પૈસા તૂટ્યો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટી માર્કેટમાં ચોખ્ખી વેચવાલી રહી હોવાની એક્સચેન્જની આંકડાકીય માહિતીને ધ્યાનમાં લેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૨૦ પૈસાના ઘટાડા સાથે ૭૯.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૬૪ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૭૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૮૪ અને ઉપરમાં ૭૯.૭૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી વધુ ૨૦ પૈસાના ઘટાડા સાથે ૭૯.૮૪ના મથાળે બંધ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર સેન્ટ લુઈસ ફેડના પ્રમુખ જેમ્સ બુલાર્ડે આગામી સપ્ટેમ્બર મહિનાની અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૮ ટકા વધીને ૧૦૭.૬૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૫૧.૮૫ પૉઈન્ટનો અને ૧૯૮.૦૫ પૉઈન્ટનો આવેલો ઘટાડો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૭૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૦૨ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૯૫.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ધોવાણ થોડુ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.