ડૉલર સામે રૂપિયામાં સાધારણ બે પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે એક તબક્કે ૧૦ પૈસા મજબૂત થયા બાદ ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી સત્રના અંતે રૂપિયો સાધારણ બે પૈસાના સુધારા સાથે ૭૯.૫૫ના મથાળે બંધ રહ્યો હતો. આજે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૯.૫૭ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૬૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૭૨ અને ઉપરમાં ૭૯.૪૭ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી સાધારણ બે પૈસા વધીને ૭૯.૫૫ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ આજે મોડી સાંજે ફુગાવા તથા આઈઆઈપીના ડેટાની જાહેરાત થવાની હોવાથી ટ્રેડરોએ સાવચેતીનું વલણ અપનાવતા રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતુ. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધથી ૦.૮૯ ટકા ઘટીને ૧૦૮.૦૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. વધુમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૨૧.૯૯ અને ૧૦૩ પૉઈન્ટનો સુધારો તેમ જ ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૧૩૨.૪૨ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૧.૦૪ ટકા વધીને બેરલદીઠ ૯૩.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં મધ્યસત્ર દરમિયાન જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.