કલા જગતમાં સૌથી આદરણીય ગણાતા 95મા એકેડેમી એવોર્ડની જાહેરાત 13 માર્ચે કરવામાં આવી હતી. આ વખતનો ઓસ્કાર ભારત માટે ખાસ હતો. ભારતની ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ શોર્ટ ફિલ્મને ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ’ અથવા કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. આ સાથે જ એસએસ રાજામૌલીની જાણીતી ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે એવોર્ડ સમારોહમાં હાજર રહેવા માટે એસએસ રાજામૌલીને મોટી રકમ ચૂકવવી પડી હતી!
ઓસ્કાર એવોર્ડ વિજેતા એસએસ રાજામૌલી અને તેમના પરિવાર ઉપરાંત ‘નાટુ નાટુ’ ગીતકાર ચંદ્ર બોઝ, સંગીતકાર એમએમ કીરાવાણી, દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને તેમની પત્ની તથા રામ ચરણ અને તેમની પત્ની – આ બધા ઓસ્કર સમારંભમાં હાજર રહ્યા હતા, પરંતુ ઓસ્કાર એન્ટ્રી બધા માટે ફ્રી ન હતી. ફિલ્મ નિર્માતા-નિર્દેશક રાજામૌલીએ ઓસ્કર 2023માં દરેક સીટ મેળવવા માટે લાખો રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
એકેડેમી પુરસ્કારોના નિયમ મુજબ, માત્ર પુરસ્કાર વિજેતાઓ અને તેમના પરિવારોને ઇવેન્ટની મફત ટિકિટ મળે છે. નાટુ નાટુને એવોર્ડ આપવામાં આવ્યો, તેથી માત્ર ચંદ્ર બોઝ, એમએમ કીરવાણી અને તેમની પત્નીઓને ઓસ્કાર કાર્યક્રમમાં મફત પ્રવેશ આપવામાં આવ્યો હતો, પણ એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ અને તેમના પરિવારો માટે મફત ટિકિટ નહતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસએસ રાજામૌલીએ દરેક ટિકિટ માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવ્યા હતા. માની ના શકાય એવી વાત છે, પણ સત્ય છે કે રાજામૌલીએ ઓસ્કાર એવોર્ડ જોવા માટે દરેક ટિકિટ માટે 25 હજાર ડોલર એટલે કે દરેક ટિકિટ માટે લગભગ 20 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.