ગણપતિના આગમન પહેલાં રસ્તા થશે ખાડામુક્ત

આમચી મુંબઈ

રૅપિડ હાર્ડનિંગ કૉંક્રીટ પદ્ધતિએ યુદ્ધના ધોરણે ખાડા પુરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણપતિબાપ્પાના આગમનને માંડ ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ યુદ્ધના ધોરણે રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી છે. પાલિકા ટીમે સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરીને રેપિડ હાર્ડનિંગ કૉંક્રીટ પદ્ધતિએ રસ્તા પરના ખાડા પૂરી રહી છે. આ મટીરિયલ ફક્ત છ કલાકમાં સુકાઈ જાય છે, તેથી રસ્તો તુંરત ખુલ્લો મૂકી શકાય છે એવો દાવો પાલિકાએ કર્યો છે.
આ વર્ષે ૩૧ ઑગસ્ટથી ૧૦ દિવસ ગણેશોત્સવની ઉજવણી થવાની છે. કોરોના મહામારી બાદ આ વર્ષે ધૂમધામથી ભક્તો ગણેશોત્સવ મનાવાના છે. જોકે એ અગાઉ ઑગસ્ટ મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયાંમાં પડેલા મુશળધાર વરસાદમાં રસ્તા પર ખાડાઓનું પ્રમાણ વધી ગયું છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળે ગણપતિનાં આગમન અને વિસર્જન દરમિયાન ખાડાને કારણે તકલીફ ન આવે તે માટે પાલિકા પ્રશાસનને વિનંતી કરી હતી.
સાર્વજનિક ગણેશોત્સવની પાર્શ્ર્વભૂમિ પર મુંબઈની ગણેશોત્સવ સમન્વય સમિતિ, વિવિધ ગણેશમંડળોના પ્રતિનિધિ અને મહાનગરપાલિકા પ્રશાસનની થોડા દિવસ અગાઉ એક સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં મુંબઈમાં જોરદાર વરસાદને કારણે પડેલા ખાડાઓને જુદી જુદી ઑથોરિટી દ્વારા રસ્તા પરના ખાડા જલદી પૂરવા તથા ગણેશમૂર્તિનાં આગમન અને વિસર્જન વ્યવસ્થિત પાર પડે તે માટે પ્રશાસનને યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી.
બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહીંબાવકરના કહેવા મુજબ રસ્તા પરના ખાડા ખાસ કરીને ઉપનગરમાં રસ્તા પરના ખાડાને કારણે મંડળોનું ટેન્શન વધી ગયું છે અને પ્રશાસનને યુદ્ધના ધોરણે ખાડા પૂરવા માટે વિનંતી કરવામાં આવી હતી.
મંડળોની વિનંતી બાદ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ અને એડિશનલ કમિશનર વેલરાસૂએના કહેવા મુજબ દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશોત્સવની પાર્શ્ર્વભૂમિ પર ખાડા પૂરવા માટે શનિવારે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી.
પાલિકા દ્વારા શનિવારે બોરીવલી (આર-સેન્ટ્રલ), મલાડ (પી-ઉત્તર), ગોરેગામ (પી-દક્ષિણ) અંધેરી (પશ્ર્ચિમ) (કે-પશ્ર્ચિમ), ખાર, સાંતાક્રુઝ (એચ-પૂર્વ)માં પાલિકાની ટીમે ઈન્સ્પેકશન કર્યું હતું. ગણપતિનાં આગમન અને વિસર્જન દરમિયાન રસ્તા પરના ખાડાને કારણે તકલીફ ના થાય તે માટે રસ્તા પરના ખાડા ઝડપથી પુરાય તે માટે રેપિડ હાર્ડનિંગ કૉંક્રીટ પદ્ધતિનો ઉપયોગ કરીને ખાડા ભરવામાં આવી રહ્યા છે. ખાડા ભર્યા બાદ ફકત છ કલાકમાં રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો મૂકી શકાય.
પાલિકાએ થોડા સમય પહેલાં જ રસ્તા પરના ખાડા પૂરવા માટે ચાર ટેક્નોલોજીના પરીક્ષણ આણિક-વડાલા રોડ પર કર્યા હતા, જેમાંથી પાલિકાએ રેપિડ હાર્ડનિંગ કૉંકીટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આ પદ્ધતિએ ખાડામાં કૉંક્રીટનું મટીરિયલ મોટા પ્રમાણમાં ભરવામાં આવે છે. આ પદ્ધતિએ ખાડો પૂર્યા બાદ છ કલાકે રસ્તો ફરી ખુલ્લો મૂકી શકાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.