જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
ફકોટતાછલા
વૈ.વદ ૨, બુધવાર તા. ૨.૦૫.૨૦૧૮
લગભગ ૪૦૦૦ ફીટની ઊંચાઈએ બેસીને આ લખાણ લખાઈ રહ્યું છે. ઊંડી ખીણો અને ઊંચા પહાડોની વચ્ચોવચ્ચ પંખીના માળા જેવું આ મકાન છે. ઊડતી નજરથી એક કિ.મી. દૂર મુખ્ય ગંગોત્રી માર્ગ પર નાના રમકડા જેવા વાહનો આવ જા કરે છે. રોડ અને હું બેઠો છું ત્યાંથી, બંનેની વચ્ચે લગભગ ૭૦૦ ફૂટ ઊંડી ખીણ છે. એટલે જ તો ઉડતી નજરે રોડ ૧ કિ.મી. દૂર છે. ચાલીને જઈએ તો ૫-૭ કિ.મી.થી ઓછું નથી. સવારના ૧૦ વાગ્યા છે, પરંતુ હજુ ઊંડી ખીણોમાંથી અંધકાર દૂર થયો નથી. અડાબીડ ગીચ જંગલમાં ઊંચા ઊંચા ઘટાદાર વૃક્ષોનું સામ્રાજ્ય સર્વત્ર છે. હા! અહીં થોડાક નજીક નજીક પગથિયા જેવાં ખેતરોમાં શાકભાજી ઉગાડેલા દેખાય છે. બાકી પર્વતના ઢોળાવ ઉપર છૂટાં છૂટાં ઘરો છે. ૪-૫ ઘરો એક સાથે નથી. જો કે એટલી જગ્યા જ ક્યાં છે કે ૩-૪ ઘર બને.
વાતાવરણ વાદળછાયું છે. સૂરજદાદા સવારે ઊગ્યા ત્યારથી મથ્યા કરે છે ધરતીને સોનાથી મઢી દેવા. પણ મેઘલાં વાદળોએ આખાય વાતાવરણને આસમાની કરી નાખ્યું છે. ગિરિશૃંખલામાં એક પછી એક ગોઠવાયેલા ગિરિશૃંગો આંખોને ઠારનારું દૃશ્ય ખડું કરે છે.
પહેલું શિખર તો ઠીક ઠીક દેખાય છે જો કે તે પણ આસમાની રોશનીથી બાકાત નથી. તેની પાછળ બીજું શિખર થોડું ઓછું દેખાય છે તે પર આસમાની આભા વધુ છે. તે પછી તો ત્રીજું આકાર માત્રનું અસ્તિત્વ રાખતું આસમાની રંગનું ગિરિશૃંગ હિમગિરિનું બાળક હોય તેમ કાલુ કાલુ મરકી રહ્યું છે. તે પછીનું ચોથું શિખર નીચેથી તો સફેદ ધુમ્મસમાં અડધું ઢંકાઈ ગયું છે. માત્ર ઉપરના આછા આસમાની રંગમાં ગિરિશૃંગોનો આભાસ ઊભો કરે છે. પાંચમું તો જાણે આકાશમાં જ ઓગળી ગયું હોય તેવું લાગે છે. ૫ મિનિટ નિરખીને જોઈએ ત્યારે આભાસ થાય કે કંઈક છે, બાકી આકાશની સાથે એકાત્મગત થઈ ગયું છે.
ક્રમશ: સુંદરતાને વધારો કરતા આ ધરતીપુત્રો અનેરી છટાથી આવનારને આનંદથી ભરી દે છે. સાવ નીચે દૂર પહાડી નદી વહી રહી છે. ખૂબ દૂર છે, અવાજ તો આવતો નથી પણ ઝીણી આંખે જોતા પાણીનું વહેણ દેખાય છે.
આજે ૧૧ કિ.મી. ચાલ્યા છીએ પણ થાક બિલકુલ લાગ્યો નથી. અડધું ચડવાનું અને અડધું ઊતરવાનું હતું. રોડ અજગરની જેમ વાંકોચૂકો ચાલે છે. સંભાળીને ચાલવું પડે ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી.’ સાવધાની ચુકયા તો કંઈ પણ થઈ શકે છે. ઠેકાણે ઠેકાણે બોર્ડ લગાવેલા છે.
‘સાવધાન! સમ્હાલ કે ચલો ઉપર સે પથ્થર ગિર સકતે હૈં.’
આજની સ્થિરતા એક રેસ્ટહાઉસમાં છે. અહીં રેસ્ટહાઉસ એટલે ઉપર એક ખુલ્લો હૉલ હોય નીચે નાની ૩-૪ રૂમો હોય, સાવ દેશી ઢબનું મકાન. ચારે બાજુ ખુલ્લું હોય. પાછળની બાજુ આખુંય પર્વત-ખીણનું દૃશ્ય દેખાતું હોય. એમાંય હજુ તો અહીં રૂમો અડધી જ બનાવી હતી, ઉદ્ઘાટન પણ બાકી હતું. એમાં અમારી પધરામણી થઈ ગઈ. મકાનમાલિકે અમને આવકાર આપ્યો. રહેવાની વ્યવસ્થા કરી આપી. આવીને ૧૦ મિનિટ ખબર અંતર પૂછ્યા. અમે અમારો પરિચય આપ્યો. અમે ગુજરાતથી આવ્યા છીએ એવું સાંભળીને તે એક વારમાં જ અહીં ઊતરવાની ‘હા’ પાડેલી. એના શબ્દોમાં “મહારાજજી! મેં ફોજી હું. ગુજરાત મેં કાફી સમય રહા હું, કચ્છ ઔર દાંતીવાડા મેં હમારી ડ્યૂટી થી ફિર ૭ વર્ષ કારગિલ મેં ૧૫૦૦૦ ફીટ કી ઊંચાઈ પર રહા, અબ તો નિવૃત્ત હો ચુકા હું, બસ યહા ભક્તો કી ભક્તિ કરતા હું. યહાઁ અપની જમીન હૈ, યહ હૉટેલ હૈ, બસ ગાડી ચલતી હૈ! “અમે પૂછ્યું, ઈસ જંગલ મેં ભી કિતને લોગ દૂર દૂર ઘર બનાકે રહતે હૈ, તો વે અપના જીવન કૈસે બિતાતે હોંગે? કમાઈ કા તો કોઈ જરીયા હૈ નહીં.
એમણે કહ્યું, ‘અજી! બાત યે હૈ યહાઁ ખેતી કે લિયે જમીન બહુત હૈ, પરંતુ કોઈ ખેતી કરના હી નહીં ચાહતા. કોઈ ફૌજી હો ગયા, કોઈ શહરો મેં જા બસા. યહાઁ ખેતો મેં સબકુછ હોતા હૈ પરંતુ મહેનત કરે કૌન?
અમે કહ્યું, “જંગલ મેં પેડ બહુત કાટ દિયે હૈ, યહાં કા પર્યાવરણ ખરાબ હોગા!
એમણે કહ્યું, “સહી તો હૈ! અભી રોડ કા કામ ચાલુ હૈ, રોડ ચૌંડે કરને કે ચક્કર મેં હજારો બડે બડે પેડ કાટ દિયે ગયે! મોદીજી સમજતે હૈ હમ ચારધામ કે યાત્રિયોં કે લિયે સુવિધા કરે, પરંતુ એ નહીં જાનતે કિ શિવજી કો મનુષ્યો કી ભીડ મેં રહના હોતા તો યહાં આકર ક્યું બૈઠતે, કલકત્તે-દિલ્લી મેં હી બૈઠ જાતે. ઉપર ઐસે ગાડીયાઁ જાણે કી સુવિધા હુઈ તો હિમાલય કા પતન હો જાયેગા! માહોલ ખરાબ હોતા જા રહા હૈ! કૌન સમજાયે મોદીજી કો. કમ સે કમ ધર્મસ્થાનો કો તો ધર્મ કે સ્થાન રહને દો. સાધુઓ કે લિયે સાધના ક્ષેત્ર સુરક્ષિત રહના ચાહિયે. સાધુ કે લિયે ભી સુવિધા દી જાયેગી તો સાધુ કાર મેં, પ્લેન મેં ઘૂમેંગે! સોફે પર મજે સે બેઠેંગે! યાત્રા તો ચલકે હોની ચાહિયે, ગાડી મેં કોઈ યાત્રા હોતી હૈ? લગભગ ૭૦ વર્ષનો આ ફૌજી દિલના દર્દની વાત કરતો હતો. ભારત કઈ તરફ જઈ રહ્યું છે. અતિ પવિત્રતમ દેવભૂમિ હિમાલયને પણ આ માણસોએ છોડ્યો નહીં.
આગળ કંઈ પૂછવાની હિંમત ચાલી નહીં કારણ કે આગળ બોલી શકે તેવી સ્થિતિ રહી નહીં. તે હતોત્સાહિત થઈ, મૌન પણે હાથ જોડી ઊભો થઈ ચાલ્યો ગયો.
પાલિતાણા, શંખેશ્ર્વર કે ગિરનારજી જેવા અતિ પવિત્રતમ તીર્થોને પણ ભ્રષ્ટ કરવામાં સૌથી મોટો ફાળો કોનો? વિચારીશું? જ્યારે કેટલાક યાત્રિક યાત્રા કરવા જાય છે, પણ કેટલી ગંદકી ફેલાવીને જાય છે. વાતાવરણ કેટલું ખરાબ કરીને જાય છે એનો હિસાબ કોણ માગશે?
આ પણ તીર્થોમાં…
રાતનાં ઊભી બજારે બાકડા પર બેસીને ખાવા કોણ બેસે છે?
તળેટી રોડ પર નોનવેજ વેચવાનું કેમ ચાલુ થયું?
ગમે તેવા સેંકડો ઘાટીઓથી જ ભર્યું ભર્યું તીર્થને કોણ રાખે છે.
ડોલીવાળાને ફોગટના વધારે રૂપિયા આપી દારૂ-માંસનું પ્રોત્સાહન કોણ આપે છે?
તળેટીની બાજુમાં જ ભેલપૂરીનાં ભુક્કા કોણ બોલાવે છે? ડોલીવાળા ગિરિરાજ પર જઈ નોનવેજ ખાય, ગિરિરાજ પર હાડકા નાખે, દારૂ પીએ, દારૂની થેલીઓ પવિત્ર ગિરિરાજ પર નાખે, ટોયલેટ-લેટ્રીન કરે એ બધું કોના પાપે?
જૈન સંઘના યુવાનો દર વર્ષે લગભગ ૭૦૦થી પણ વધુ બોરી ભરીને આખા ગિરિરાજ ઉપરથી કચરો કાઢે છે, આટલો બધો કચરો કરનાર કોણ? ગમે તેવાં વિચિત્ર વસ્ત્રો પહેરી યાત્રિકોના શુભ ભાવોને બગાડે છે કોણ?
તીર્થસ્થાનોમાં પણ હોટલોમાં જ ઉતારવાનો આગ્રહ રાખે છે કોણ? અરે ધર્મશાળાઓ પણ હોટલ જેવી જ હોવી જોઈએ, બોલો આ કોનો આગ્રહ છે? કોની અનુકૂળતા માટે?
ધર્મશાળામાં પણ રૂમે રૂમે ટી.વી. ફ્રીજ જેવાં ભૌતિક સાધનોની વ્યવસ્થા માગે છે કોણ?
તીર્થસ્થાનોમાં સ્થાનિક માંસાહારી બેંડવાળા, ઢોલવાળા, બગ્ગીવાળા, ઘોડાવાળાનું પાલન પોષણ કરે છે કોણ? (ક્રમશ:)ઉ