એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
પંજાબમાં ખાલિસ્તાનવાદી નેતા અમૃતપાલ સિંહના સમર્થકોએ અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન પર કબજો કરીને પોતાના સાથીને છોડાવવામાં સફળ રહ્યા એ ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. તલવારો સહિતનાં હથિયારો લઈને અમૃતપાલ સિંહના હજારો સમર્થકોએ પંજાબના અમૃતસર જિલ્લાના અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કરીને કબજો કર્યો હતો. પોલીસે એક યુવકને ફટકારવાના કેસમાં અમૃતપાલના નજીકના સાથી લવપ્રિત તૂફાનીની ધરપકડ કરી તેમાં તો અમૃતપાલ સિંહના સમર્થકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરીને દેકારો મચાવી દીધો.
આ હિંસા સામે ભગવંત માન સરકારે ઝૂકવું પડ્યું છે. માન સરકારે લવપ્રિત તૂફાનીને છોડી દેવો પડ્યો અને અમૃતપાલના સમર્થકોની માગ માનવી પડી. અમૃતપાલના સમર્થકોએ જે કંઈ કર્યું એ લુખ્ખી દાદાગીરી છે કેમ કે લવપ્રિતની આગેવાનીમાં અમૃતપાલના સમર્થકોએ લવપ્રિત વિરોધી પોસ્ટ મુકનારા વિરેન્દ્રસિંહ નામના યુવકને મારી મારીને અધમૂઓ કરી નાંખ્યો હતો. અમૃતપાલના સમર્થકોએ કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ હોય જ નહીં એ રીતે વર્તીને ગુંડાગીરી કરેલી. પોલીસે એ બદલ લવપ્રિત તથા બીજાની ધરપકડ કરીને પોતાની ફરજ બજાવી હતી પણ અમૃતપાલના સમર્થકો ટોળાંશાહીની તાકાત બતાવીને હુમલાખોર લવપ્રિત તથા તેના સાથીઓને છોડાવી ગયા. બલ્કે પોલીસે સામેથી શરણાગતિ સ્વીકારીને તેમને છોડી દેવા પડ્યા.
આ ઘટના ગંભીર છે ને પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ બદલાઈ રહી હોવાનો વધુ એક સંકેત છે. પંજાબમાં છેલ્લા વીસેક દિવસથી ખાલિસ્તાનતરફી જૂથો આંદોલન ચલાવી જ રહ્યા છે. ખાલિસ્તાન તરફી ૧૨ જૂથોએ બનાવેલો કૌમી ઈન્સાફ મોરચો આતંકવાદની ઘટનામાં દોષિત ઠરેલા નવ ખૂંખાર આતંકવાદીઓને મુક્ત કરવા સહિતની માગણીઓ સાથે પંજાબમાં ધમાધમી કરી જ રહ્યો છે.
આ મોરચાના કાર્યકરોએ ચંદીગઢ-મોહાલી સરહદે ધામા નાંખી દીધા છે અને ફરીદકોટમાં ભટિંડા-અમૃતસર નેશનલ હાઈવે બ્લોક કરી દીધો છે. આંદોલનકારીઓ પોતાની માગણીઓ ના સ્વીકારાય ત્યાં સુધી દરરોજ મુખ્યમંત્રી ભગવંત માનના સત્તાવાર નિવાસસ્થાન તરફ કૂચ કરવા પણ મથે છે. આંદોલનકારીઓને રોકવા પોલીસે ચંદીગઢમાં જડબેસલાક નાકાબંધી કરી છે તેના કારણે સંઘર્ષ થાય જ છે.
લગભગ દસેક દિવસ પહેલાં તો આ કૂચે અત્યંત હિંસક સ્વરૂપ ધારણ કરી લીધેલું. મોરચાના ૩૧ સભ્યોના બનેલા જૂથે ચંદીગઢમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને અટકાવાની કોશિશ કરતાં તેમણે વળતો હુમલો કરી દીધો હતો. હાથમા તલવારો લઈને આવેલા ઘોડેસવાર આંદોલનકારીઓએ ચંદીગઢ પોલીસ પર તલવારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. રેપિડ એક્શન ફોર્સનાં વાહનોમાંથી પણ સામાનની લૂંટફાટ કરાઈ હતી. તોફાનીઓએ પોલીસની વોટર કેનન પર પણ કબજો કરી લીધો હતો અને પોલીસના જવાનોની બેફામ ધોલાઈ કરીને પથ્થરમારો રોકવા માટેનાં શીલ્ડ, હેલ્મેટ, હથિયારોસ બેરીકેડ્સ અને ટીયર ગેસ ગ્રેનેડ સુદ્ધાં લૂંટી ગયા હતાં.
ચંદીગઢ પોલીસે તોફાનીઓને રોકવા વજ્ર ગાડીઓ ઉતારી તો તોફાનીઓએ એ પણ લૂંટી લીધેલું. વજ્ર ગાડીઓમાંથી ટીયર ગેસ, હેન્ડગન અને ગોળીઓ લૂંટીને તોફાનીઓ ફરાર થઈ ગયા. પોલીસે ટોળાના કેટલાક લોકો સામે હત્યા અને આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પણ તેનાથી આગળ કશું કરી શકાયું નથી. આ હિંસાની ઘટના તાજી જ છે ત્યાં હવે અમૃતપાલના સમર્થકોએ કાયદો અને વ્યવસ્થાને નજાક બનાવીને પંજાબ પોલીસની આબરૂનો ધજાગરો કરી નાંખ્યો છે.
પંજાબની આ ઘટનાઓ ગંભીર છે ને આ ઘટનાઓને રોકવામાં નહીં આવે તો પંજાબમાં ફરી ખાલિસ્તાનવાદીઓ ફાટીને ધુમાડે જાય એવો ખતરો છે. રાજકી વિશ્ર્લેષકોના મતે તો ૧૯૭૦ના દાયકાના અંતમાં આ પ્રકારની ઘટનાઓના કારણે જ ખાલિસ્તાનવાદીઓનું આંદોલન ભડકેલું. અલગ ખાલિસ્તાનવાદીઓએ અહિંસક વિરોધથી શરૂઆત કરી હતી. ધીરેધીરે મોરચા શરૂ થયા ને આ મોરચોમાં હિંસા શરૂ થતાં ખાલિસ્તાનની ચળવળે પછી હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ દરમિયાન જરનૈલસિંહ ભિંડરાનવાલેએ એન્ટ્રરી કરી. ભિડરાનવાલેએ સીખો ઉશ્કેરાય એવાં ભાષણો શરૂ કર્યાં ને તેના કારણે સીખ યુવાનો આતંકવાદ તરફ વળ્યા.
અત્યારે ખાલિસ્તાનવાદીઓનાં બહુ બધાં સંગઠનો સક્રિય છે પણ તેમાં કેન્દ્રસ્થાને અમૃતપાલ સિંહ છે. અમૃતપાલ સિંહ પોતાને ભિંડરાનવાલેનો અનુયાયી ગણાવે છે ને ભિંડરાનવાલેની ભાષા જ બોલે છે. અમૃતપાલ એ હદે છાકટો છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કે બીજા કોઈ વિસાતમાં જ ના હોય એ રીતે વર્તે છે.
અમૃતપાલ સિંહે થોડા દિવસ પહેલા અમિત શાહને લુખ્ખી ધમકી આપતા કહેલું કે, શાહ ખાલિસ્તાન ચળવળને કચડી નાંખવાની વાતો કરે છે પણ ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાન આંદોલનને રોકવાનો પ્રયત્ન કર્યો તો શું થયેલું એ જાણી લેવાની જરૂર છે. અમિત શાહની હાલત પણ ઇન્દિરા ગાંધીની થઇ હતી એવી જ થશે. અમૃતપાલે આડકતરી રીતે શાહને મોતની ધમકી જ આપી દીધેલી. હવે જે માણસ દેશના ગૃહ મંત્રીને મોતની ધમકી આપી શકતો હોય એ શું કરી શકે એ કલ્પના કરી જુઓ.
બીજા ખાલિસ્તાનવાદીઓ પણ પાછળ નથી. એ લોકો તો આતંકવાદના ગંભીર અપરાધોમાં દોષિત ઠરેલા આઠ બંદી સીખોને છોડવાની માગણી કરી રહ્યા છે. શીખ સંગઠનો જેમને છોડવાની માગણી કરી રહ્યા છે એ બધા ખૂંખાર આતંકવાદીઓ છે અને આતંકવાદી કૃત્યો માટે દોષિત ઠરેલા છે. સંગઠનોનું કહેવું છે કે, આ આઠ શીખ પોતાની સજા કાપી ચૂક્યા છે તેથી તેમને છોડી દેવા જોઈએ.
ખાલિસ્તાનવાદી સંગઠનો જે આઠ શીખોને છોડવાની માગણી કરી રહ્યા છે તેમાં જગતારસિંહ હવારા, ગુરદીપસિંહ ખેરા, દેવિન્દરપાલ સિંહ ભુલ્લર લખવિંદર સિંહ, ગુરમિત સિંહ, શમશેર સિંહ, બલવંત સિંહ રાજોઆના અને પરમજીતસિંહ ભેરાનો સમાવેશ થાય છે. આ તમામ આતંકવાદી કૃત્યોમાં દોષિત ઠરેલા છે પણ ખાલિસ્તાનવાદીઓને તેમની મુક્તિ જોઈએ છે. તેનો અર્થ એ થાય કે, તેમને મન દેશના કાયદાનું કોઈ મહત્ત્વ નથી ને આતંકવાદીઓને છોડાવવામાં કશું અનૈતિક લાગતું નથી.
પંજાબમાં ભગવંત માન સરકાર ખાલિસ્તાનવાદીઓ તરફ કૂણી લાગણી ધરાવે છે એવી માન્યતા છે. તેના કારણે ખાલિસ્તાનવાદીઓ બેફામ બનતા જાય છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે હરકતમાં આવવું પડે. પંજાબ ફરી આતંકવાદની આગમાં હોમાઈ જાય એ પહેલાં આતંકવાદને ભડકાવવા મથનારાંને ઊગતા જ ડામી દેવા જોઈએ.