એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં ને ધારણા પ્રમાણે જ ત્રણેય રાજ્યોમાં ભાજપ ફાયદામાં છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ફરી ભાજપની સરકાર રચાશે એ નક્કી થઈ ગયું છે જ્યારે મેઘાલયમાં પણ મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પાર્ટી એનપીપીને સ્પષ્ટ બહુમતી ના મળતાં ભાજપને શરણે આવવું પડી શકે છે. અલબત્ત મમતા બેનરજીની તૃણણૂલ કૉંગ્રેસને પણ પાંચ બેઠકો મળી છે એ જોતાં સંગમા તેના તરફ પણ જઈ શકે છે.
ત્રિપુરામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે જ્યારે નાગાલેન્ડમાં ભાજપના સાથી પાર્ટી એનડીપીપીને આરામથી બહુમતી મળી છે. આ બંને રાજ્યોમાં સરકાર રચવા મુદ્દે કોઈ ગૂંચવાડો નથી પણ મેઘાલયમાં છે. એનપીપી મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે પણ તેને સ્પષ્ટ બહુમતી નથી મળી. સામે બીજી પાર્ટીઓમાંથી કોઈ પણ પોતાના જોર પર સરકાર રચી શકે તેમ નથી. બધા પક્ષો ભેગા મળીને પણ સરકાર રચી શકે તેમ નથી તેથી કોનરાડ સંગમા ફરી ગાદી પર બેસશે એ લગભગ નક્કી છે પણ કઈ રીતે બેસે છે એ જોવાનું રહે છે.
ભાજપ માટે સૌથી મોટી જીત ત્રિપુરાની છે કેમ કે એન્ટિ ઈન્કમ્બન્સીના કારણે ભાજપ ત્રિપુરા ગુમાવશે એવું લાગતું હતું. ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ૬૦ બેઠક પર ૮૬.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. આ મતદાન ગઈ ચૂંટણી કરતાં ૪% ઓછું હતું કેમ કે ૨૦૧૮માં ત્રિપુરામાં ૫૯ બેઠક માટે ૯૦ ટકા મતદાન થયું હતું. જો કે મતદાન ઓછું થવા છતાં ભાજપ ચિંતામાં હતો કેમ કે તેને એન્ટિ ઈન્કમ્બન્સીની ચિંતા હતી.
આ ચૂંટણીમાં એન્ટિ ઈન્કમ્બન્સીની અસર વર્તાઈ છે પણ ભાજપ વિરોધી મતો વહેંચાયા તેનો ભાજપને ફાયદો મળ્યો છે. ત્રિપુરામાં ડાબેરી-કૉંગ્રેસ એક થઈને લડ્યા હતા પણ ટીપરા મોથા પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું. ડાબેરીઓએ ૪૭ અને કૉંગ્રેસે ૧૩ બેઠકો પર ચૂંટણી લડી હતી જ્યારે ટીપરા મોથાએ ૪૨ સીટ પર ચૂંટણી લડી હતી. આમ મોટાભાગની બેઠકો પર ત્રિકોણીય સ્પર્ધા હતી ને એ જ ભાજપને ફળી છે.
ભાજપ ૨૦૧૮માં ૪૪ ટકા મત સાથે ૩૬ બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી હતી. ભાજપે ડાબેરીઓનાં ૨૫ વર્ષના ગઢને ધરાશાયી કરી નાખ્યો હતો. જીત બાદ પાર્ટીએ બિપ્લબ દેવને સીએમ બનાવ્યા હતા પણ મે ૨૦૨૨માં એન્ટિ ઈન્કમ્બન્સીની અસર ખાળવા માણિક સાહાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ વખતે ત્રિપુરામાં ભાજપને ૩૯ ટકાની આસપાસ મત મળ્યા છે તેથી તેની બેઠકોમાં જંગી ઘટાડો થવો જોઈએ પણ ભાજપ વિરોધી મતો વહેંચાતાં ઉલટાની સ્પષ્ટ બહુમતી કરતાં બે વધારે બેઠકો મળી છે. ભાજપના મતોની ટકાવારીમાં પાંચ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે પણ બેઠકો ત્રણ જ ઘટી છે તેના પરથી જ ભાજપને બહુપાંખિયો જંગ ફળ્યો છે એ સ્પષ્ટ છે.
મેઘાલયમાં ભાજપે કોનરાડ સંગમાને કોરાણે મૂકીને પોતાની તાકાત પર લડવાનો અખતરો કરી જોયો પણ સંગના સામે ભાજપ વામણો પુરવાર થયો છે. મેઘાલયમાં આ વખતે જંગી ૮૫.૨૭ ટકા મતદાન થયું હતું જ્યારે ૨૦૧૮માં ૬૭ ટકા મતદાન થયું હતું. સંગમાની એનપીપીએ ૫૭, કૉંગ્રેસ અને ભાજપે ૬૦-૬૦ અને તૃણમૂલ કૉંગ્રેસે ૫૬ બેઠક માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે.
૨૦૧૮માં મેઘાલયમાં ૫૯ બેઠક પરની ચૂંટણીમાં કૉંગ્રેસે સૌથી વધુ ૨૧ બેઠક જીતી હતી જ્યારે ભાજપને માત્ર ૨ બેઠક મળી શકી હતી. નેશનલ પીપલ્સ પાર્ટીને ૧૯ બેઠક મળી હતી પણ કોનરાડ સંગમાએ બીજા પક્ષો સાથે મળીને સરકાર બનાવી હતી. સંગમાએ મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ બનાવ્યો તેમાં ભાજપ પણ હતો. આ વખતે ભાજપને વાંકું પડતાં એકલા લડ્યા પણ મેળ પડ્યો નથી.
સંગમાની પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી પણ તેમણે ફરી ભાજપ સાથે જ જોડાણ કરવું પડે એવી સ્થિતિ નથી. સંગમાની ૨૫ અને મમતાની ૫ બેઠકોનો સરવાળો કરો તો બહુમતી માટે જરૂરી ૩૦ બેઠકો થઈ જાય તેથી હવે સંગમા બદલો લઈને ભાજપને કોરાણે મૂકી શકે. સંગમા સરકાર રચવા માટે બીજા પક્ષોનો પણ ટેકો લઈ શકે છે એ જોતાં સંગમાનો હાથ ઉપર છે.
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોથી રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ અસર ના થાય પણ પાર્ટીના કાર્યકરોના ઉત્સાહને જાળવવા માટે આ પરિણામો મહત્ત્વનાં છે. ભાજપે ત્રિપુરા અને નાગાલેન્ડમાં સત્તા જાળવી રાખતાં ભાજપને ભારે રાહત થઈ છે અને હવે પછીની મહત્ત્વનાં રાજ્યોની ચૂંટણીમાં ભાજપ પૂરી તાકાતથી ઝંપલાવી શકશે.
આ ત્રણ રાજ્યોની ચૂંટણી સાથે પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ હતી. તેમાંથી બે રાજ્યોની પેટાચૂંટણીનો ઉલ્લેખ જરૂરી છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીને હરાવવા ભાજપ બહુ જોર લગાવી રહ્યો છે પણ ફાવતો નથી. મમતાની વિજયકૂચને ભાજપ રોકી શક્યો નથી ત્યારે કૉંગ્રેસે મમતાના ગઢ જેવી સાગરદીધી બેઠક આંચકીને તૃણમૂલ કૉંગ્રેસને મોટો આંચકો આપી દીધો. સાગરદીધી બેઠક જીતીને કૉંગ્રેસના ઉમેદવાર બેરોન બિશ્ર્વાસે બંગાલ વિધાનસભામાં કૉંગ્રેસની વાપસી કરાવી છે. આ બેઠક તૃણમૂલ કૉંગ્રેસનો ગઢ મનાતી હતી. છેલ્લી ત્રણ ચૂંટણીમાં આ બેઠક તૃણણૂલના ઉમેદવારે જીતી હતી. તેમના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર તૃણમૂલની જીત પાકી મનાતી હતી પણ કૉંગ્રેસના બેરોન બિશ્ર્વાસ જીતી ગયા છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી ત્યા આ જીતથી કૉંગ્રેસનો આત્મવિશ્ર્વાસ બુલંદ થશે. ભાજપના દિલીપ સહા ત્રીજા સ્થાને રહ્યા છે.
મહારાષ્ટ્રમાં પણ એકનાથ શિંદેએ શિવસેનામાં ભંગાણ પાડીને ભાજપ સાથે સરકાર રચી પછી ભાજપ-શિંદે જૂથ અને મહાવિકાસ અઘાડીમાં કોણ તાકાતવર તેની ચર્ચા ચાલતી હતી. ચિંચવડ અને કસબા પેઠ એ બે બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં આ તાકાતનાં પારખાં હતાં ને બંને જોડાણને એક-એક બેઠક મળતાં મુકાબલો બરાબરીનો રહ્યો છે. ચિંચવડમાં ભાજપના અશ્ર્વિની લક્ષ્મણ જગતાપ જીત્યા છે જ્યારે કસબા પેઠમાં કૉંગ્રેસના રવિન્દ્ર હેમરાજ ઘણગેકર જીત્યા છે. શિવસેનાનાં બંને જૂથમાંથી કોઈ પણ જૂથના ઉમેદવાર ઊભા નહતા પણ બે જોડાણ વચ્ચેના જંગમાં મુકાબલો બરાબરીનો રહ્યો છે.