રિઝર્વ બૅન્કે વ્યાજદર વધાર્યો

દેશ વિદેશ

મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્કે વ્યાજદર અડધો ટકો (પચાસ બેસિસ પોઈન્ટ) વધારવાની શુક્રવારે જાહેરાત કરી હોવાથી લોન (કરજ) મોંઘી થશે અને તેના માસિક હપ્તા (ઈક્વેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ-ઈએમઆઈ) વધશે.
આરબીઆઈના આ નિર્ણયની હાઉસિંગ ક્ષેત્ર પર-ખાસ કરીને ઘર ખરીદવા માગતા ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકો પર અવળી અસર જોવા મળે તેવી શક્યતા છે એવું રિયલ એસ્ટેટ ડેવલપર અને ક્ધસલ્ટન્ટોનું માનવું છે.
આરબીઆઈએ વ્યાજદરમાં પચાસ બેસિસ પૉઈન્ટનો વધારો કરીને રીપોરેટ અગાઉના ૪.૯ ટકાથી વધારેને ૫.૪ ટકા કર્યો છે. અગાઉ મે મહિનામાં રીપોરેટમાં ૪૦ બેસિસ પૉઈન્ટનો અને જૂન મહિનામાં પચાસ બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. વ્યાજદરને કોરોનાની મહામારી અગાઉના સ્તરે લઈ જવા રીપોરેટમાં પચાસ બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્ લે ઑગસ્ટ ૨૦૧૯માં રીપોરેટ ૫.૪૦ ટકા જોવા મળ્યો હતો.
ફુગાવાને અંકુશમાં લેવા મે ૨૦૨૨થી અત્યાર સુધીમાં રીપોરેટમાં ૧૪૦ બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે ખાદ્યતેલના ભાવ વધુ ઘટવાની, રૂપિયો મજબૂત બનવાની, વિદેશી હૂંડિયામણ અનામત સારી રહેવાની, ફુગાવો કાબૂમાં રહેવાની આશા વ્યક્ત કરી હતી.
કોરોનાની મહામારી બાદ અર્થતંત્રને ટકાવી રાખવા અને મજબૂતી આપવા આરબીઆઈએ હળવી નાણાંકીય નીતિ અપનાવી હતી, પરંતુ ફુગાવા પર તેની અવળી અસર જોવા મળી હતી. કોરોનાની મહામારીને પગલે માત્ર ભારત જ નહીં વિશ્ર્વભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે.
મોંઘવારીને અંકુશમાં લેવા ભારત સહિત વિશ્ર્વભરની બૅન્કો વ્યાજદરમાં ક્રમશ વધારો કરતી જોવા મળી રહી છે.
વ્યાજદર વધારવામાં બૅન્ચમાર્ક લેખાતા રીપોરેટમાં માર્ચથી અત્યાર સુધીમાં ત્રીજીવાર વધારો કરવામાં આવ્યો છે.
આરબીઆઈએ વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા ત્રિમાસિક માટે મોંઘવારીનો અંદાજિત દર ૭.૧ ટકા, ત્રીજા ત્રિમાસિક માટે ૬.૪ ટકા અને ચોથા ત્રિમાસિક માટે ૫.૧ ટકા તેમ જ વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક માટે પાંચ ટકા નક્કી કર્યો છે.
નાણાંકીય નીતિની આગામી સમીક્ષા બેઠક માટે ૨૮થી ૩૦ સપ્ટેમ્બર મુકરર કરવામાં આવી છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.