એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતીય ટીમના સ્ફોટક બેટ્સમેન અને વિકેટકીપર રિષભ પંતને બે દિવસ પહેલાં નડેલા અકસ્માતે ક્રિકેટ ચાહકોને ચિંતિત કરી દીધા છે. પંતની હાલત અત્યારે સારી છે અને તેના જીવને ખતરો નથી પણ એક્સિડન્ટે તેની કારકિર્દી ખતરામાં ચોક્કસ મૂકી દીધી છે. પંત માટે આ એક્સિડન્ટ દુકાળમાં અધિક માસ જેવો છે કેમ કે ક્રિકેટના મેદાન પર તેનો સમય સારો ચાલી રહ્યો નથી.
એક સમયે ભારતીય ટીમમાં પોતાની જગા પાકી કરી નાખનારા પંતનો દેખાવ સાતત્યપૂર્ણ ના રહ્યો તેમાં ટીમમાં તેની આવનજાવન ચાલુ થઈ ગઈ છે. પંત એક સમયે ટેસ્ટ, વન ડે અને ટી-૨૦ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમતો પણ હવે તેની માસ્ટરી છે એ વન ડે અને ટી-૨૦ની ટીમમાં પણ નથી. ભારતીય ટીમ આવતી કાલે એટલે કે ૩ જાન્યુઆરીથી શ્રીલંકા સામે રમવાની છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલાં ટી૨૦ અને પછી વન-ડે સિરીઝ રમાશે.
આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે તેમાં રિષભ પંત નથી. પંતને આ બંને સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે અને બોર્ડે તેને ટીમમાં નહીં લેવા માટે કોઈ કારણ આપ્યું નહોતું તેના પરથી સ્પષ્ટ છે કે તેને પડતો મુકાયો છે. આ કારણે પંતે ભારતીય ટીમમાં ફરી જગા પાકી કરવા માટે સંઘર્ષ કરવાનો હતો ને હવે તો ફરી ક્રિકેટ રમવા માટે જ સંઘર્ષ કરવો પડે એવા દિવસો આવી ગયા છે.
પંતનો એક્સિડન્ટ બહુ ખતરનાક હતો ને તેમાંથી એ બચી ગયો એ ચમત્કાર હતો. દિલ્હીથી રૂરકી જતા હાઈવે પર ૧૫૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભાગી રહેલી લક્ઝુરિયસ કારમા પંત એકલો હતો ને ઝોકું આવી જતાં એક્સિડન્ટ થયો. પંતને ઝોકું આવ્યું ત્યારે જ તેની કારે એક કારને ઓવરટેક કરી અને પછી અચાનક ખાડો આવી જતાં બેલેન્સ ના રહ્યું ને પંતની કાર ૫ ફૂટ સુધી ઊછળીને બસ સાથે ટકરાઈ. આ ટક્કર બહુ જોરદાર નહોતી પણ ટક્કરને ખાળવા જતાં બેલેન્સ ના રહ્યું ને કાર ડિવાઈડર તોડીને સામે જતી રહી હતી. ડિવાઇડરથી ટકરાયા પછી કાર થાંભલા સાથે ટકરાઈ હતી. એ પછી કાર હાઈવે પર અંદાજે ૨૦૦ મીટર સુધી ઘસડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી.
કારમાં આગ લાગી તેની પંદરેક સેક્ધડ પહેલાં જ પંત આગળનો કાચ તોડીને બહાર નિકળી ગયો હતો. જો કે કાર ખતરનાક સ્પીડે ભાગતી હતી તેથી પંતને ગંભીર ઈજાઓ તો થઈ. પંતને બહાર નીકળવામાં પંદર સેક્ધડનું જ મોડું થયું હોત તો તેનો જીવ જતો રહ્યો હોત. પંતને કપાળ, જમણા કાંડા, જમણા ઘૂંટણ, પગની ઘૂંટી અને અંગૂઠામાં ઈજાઓ પહોંચી હતી અને જમણા ઘૂંટણમાં લિગામેન્ટ ફાટી ગયું છે. પંતની કારની હાલત શું છે તેના ફોટા આવ્યા છે. પંત બહાર નિકળ્યો ત્યારે તેની શું હાલત હતી તેના પણ ફોટા અને વીડિયો આવ્યા છે. આ ફોટા અને વીડિયો જોયા પછી લાગે કે, પંત નસીબદાર કે કારમાંથી બહાર નીકળી શકયો. બાકી કારમાં ભડથું થઈ ગયો હોત. અકસ્માતને કારણે પંતની કારના ફુરચા ઊડી ગયા હતા. તેની કારના પાર્ટ્સ રસ્તામાં આમથી તેમ પડ્યા હતા. પંતે બહાદુરી બતાવી ના હોત તો પંતની પણ આ જ હાલત હોત.
જો કે હવે પંતની ક્રિકેટ કારકિર્દી વેરણછેરણ થવાનો ખતરો છે. અત્યારે પંતની જે હાલત છે એ જોતાં એ ફરી ક્રિકેટ રમશે તો એ પણ ચમત્કાર જ ગણાશે. પંતને તરત રૂરકીની હૉસ્પિટલમાં લઈ જવાયેલો ને ત્યાંથી દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવાયો કે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પંતના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાઈ છે તેથી ચહેરા પરના નિશાન જતા રહેશે પણ બીજી ઈજાઓ ગંભીર છે તેથી ચિંતા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, પંતને જમણા કાંડા, જમણા ઘૂંટણ, પગની ઘૂંટી અને અંગૂઠામાં ઈજા પહોંચી છે. જમણા ઘૂંટણમાં તો લિગામેન્ટ ફાટીજ ગયું છે તેથી પંત માટે મોટી તકલીફ છે. પંતની ઘૂંટણ, પગની ઘૂંટી અને કાંડાની ઈજા ખૂબ જ ખરાબ છે તેથી તેના માટે વિકેટકીપિંગ કરવું તો મુશ્કેલ જ થઈ જશે. વિકેટકીપિંગ કરતી વખતે ઘૂંટણ, પગની ઘૂંટી અને કાંડામાં સૌથી વધુ હલચલ થાય છે. તેમાં જરાક સરખો દુ:ખાવો થાય તો ઈજા વકરી શકે તેથી પંતની વિકેટકીપર તરીકેની કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ છે.
ઘૂંટણના લિગામેન્ટ ફાટી જાય તો પણ ઝડપથી સાજા થવામાં સમય લાગે છે. ઘૂંટણની સામાન્ય ઈજામાંથી બેઠા થતાં બે મહિના જેટલો સમય લાગે છે. પંત ૨૫ વર્ષનો યુવાન છે તેથી બીજી ઈજાઓમાં જલદીથી રિકવરી કરી લેશે પણ લિગામેન્ટની ઈજા સમય લેશે જ. હાડકું તૂટ્યું હોય, તો ત્રણેક મહિનામાં સારા થઈ જવાય પણ લિગામેન્ટ ફાટ્યા હોય, તો રિકવરીમાં નવેક મહિના લાગી જાય છે. કેટલીક વાર તો એક વર્ષનો સમય પણ લે છે. ટૂંકમાં પંતને હરતાં ફરતાં પણ એકાદ વરસ થઈ જશે.
પંતના જ નહીં પણ ભારતીય ક્રિકેટ ચાહકો માટે પણ આ સારા સમાચાર નથી. પંતે ભારતને ઘણા અકલ્પનિય વિજય અપાવ્યા છે. ઑસ્ટ્રેલયાની ધરતી પર મેલબોર્નમાં ભારતને નિશ્ર્ચિત હારમાંથી બચાવતી તેની ૯૭ રનની ઈનિંગ અને બ્રિસબેનના ગાબ્બા પર ભારતને ૨૮ રન ચેઝ કરાવીને અકલ્પનિય જીત અપાવતી ૭૯ રનની ઈનિંગ્સ માસ્ટરપીસ છે. પંત ૨૫ વર્ષનો જ છે એ જોતાં એ બહુ વરસો સુધી રમી શકે તેમ છે. થોડોક ઠરેલ અને ઠાવકો થઈને રમે તો ભારતનો કેપ્ટન બની શકે એવી ક્ષમતા તેનામાં છે એ જોતાં એ ઝડપથી સાજો થાય એવી પ્રાર્થના કરવી જોઈએ.
પંત કદાચ વિકેટકીપિંગ ના કરી શકે તો પણ એક બેટ્સમેન તરીકે પણ ટીમમા સ્થાન મેળવી શકે એવો ખેલાડી છે. માત્ર બેટ્સમેન તરીકે પણ એ ટીમમાં પાછો ફરશે તો ખરેખર આનંદ થશે. પંતે મેદાન પર ઘણી વાર લડાયકતા બતાવી છે, હવે તેની લડાયકતાની અસલી કસોટી છે.