રામાયણ (રામનાથ) યુગ પૂરો થયો ને મહાભારત (દ્રૌપદી) યુગ શરૂ થયો

પુરુષ

હસ્યા તો મારા સમ -સુભાષ ઠાકર

અલ્યા ભૈ, આમ તો અમારુું આખું કુટુંબ ભારતનું હોવા છતાં ક્યારેય મહાભારત વાંચ્યું નથી. અડધા સભ્યો તો મને પૂછે છે. આ મહાભારત કોણ છે? ક્યાં રહે છે? પૂછો કેમ? કેમ કે અમારું કુટુંબ વેરી પ્રેક્ટિકલ છે. વાંચવા કરતાં ખેલવામાં વધુ માને છે. જે વસ્તુ પ્રેક્ટિકલ બનતી હોય તો કોણ આ ગ્રંથ પર નજર નાખે. ને ઘરના બધા જ પાત્રો પાત્રતા વગર પોતાની જાતને અર્જુન સમજે ને બાકીનું આખું ટોળું કૌરવોનું. એક લોકવાયકા તો એવી ફેલાણી છે કે ચોથા વિશ્ર્વયુદ્ધનો પ્રારંભ મારા ઘરયુદ્ધથી જ થશે. અમારા કાકાના કુટુંબમાં મનભેદના. વિચારભેદના કારણે ખૂૂબ બોલાચાલી થઈ. એ તો મારી બુદ્ધિ પહોંચી ને હું વચ્ચે પડ્યો પછી બોલાચાલીમાંથી મારામારી ઉપર આવ્યા…. શું કીધુ? કેમ આવું?
અરે ભૈ એમાં બન્યું એવું કે મારા બાપુજીએ વચલાના સગાઈના દિવસે વેવાઈને કીધુ, “વેવાઈ ભઈ, બોલાવો અમારી ભાવિ પુત્રવધૂને અમારે થોડા સવાલ કરવા છે. “એ નથી. મહિલા ગેરેજ આઈ મીન બ્યુટી પાર્લરમાં ગઈ છે. પણ અમને પૂછો… “કેમ તમે એમની સાથે બોનસમાં અમારા ઘરે આવવાના છો? મારે દહેજમાં રૂપિયા કે કશું જ જોઈતું નથી. માત્ર તમારી દીકરી ઘર સાચવે એટલું જ ઘણું.
“અરે તમે પણ યાર, એને ઓળખતા નથી એ ઘર નઈ, આખી સોસાયટી સાચવશે. ગભરાવો છો શું? વેવાઈએ બાફ્યું. એના જવાબથી મને સાડા ત્રણ ઉધરસ આવી ત્યાં તો વેવાણ વેવાઈને બોલ્યા- “શું તમે પણ? બોલાય? બોલ્યા મોટા સોસાયટી સાચવશે.’ પછી વેવાઈને કાનમાં કીધુ, “સોસાયટી નઈ મને પણ ખબર છે કે આપણી દીકરી આખું ગામ સાચવે એવી છે. પણ વેવાઈને કહેવાય? વેવાઈએ બાફ્યું ને વેવાણે વઘાર્યું… “બોલો બીજું કઈ પૂછવું છે?
“હા, તમારી દીકરીને રામાયણ અને મહાભારત વિષેનું જ્ઞાન કેટલું? બાપુજીએ પૂછયું. કેમ એને લગ્ન પછી કથાકાર બનાવાની છે. એને રામાયણ આખું કંઠસ્થ છે, કડકડાટ બોલે છે. રામાયણની બધી ચોપાઈ તો ઊંઘમાં પણ બબડે છે.
બાપુજીને થયું ચાલો ધાર્મિક ભાવનાવાળી પુત્રવધૂ આવી રહી છે. ને મહાભારત?
“એ તમારા ઘરમાં આવ્યા પછી- ન ખેલે તો અમને મોબાઈલ કરજો… વેવાઈ ઉવાચ “અને ભણતર? મેં પૂછયું.
“એ બીએ છે. વેવાણ બોલ્યા.
“વેરી ગુડ. મારી ગગલી બોલી. અમારે આવી જ જોઈએ, જે બીતી હોય, માથાભારે છોકરી અમને ન ચાલે. ઝાટકા ઉપર ઝાટલા વાગે જતા હતા…
હવે અમારા ભાઈ ચંબુને એ ચંપા સાથે સ્કૂલ લાઈફથી લવ હતો. એટલે ચંપાની પધરામણી કરી. પણ વિચાર મતભેદના કારણે રોજ મહાભારતનો ખેલ ખેલાતો. પાંચ-સાત વર્ષ તો ગમે એમ કરી ગાડું ગબડાવ્યું અને અચાનક ચંપાએ બધા ઘરનાને બોલાવી બૉમ્બ ફોડ્યો. “સાંભળો સાંભળો બધા સાંભળો. આ પવિત્ર શ્રાવણ માસ છે. અને આપણા કુટુંબમાં કકળાટ- ઝઘડા થાય છે. આ કકળાટ દૂર કરવા એક ઉપાય મને સુઝયો છે. આપણા તરફથી આપણી સોસાયટીમાં રામાયણ બેસાડીએ તો રોજની આપણા ઘરની રામાયણનો અંત. ચંપાની વાત સાંભળી આખુ કુટુંબ જોરદાર ચમક્યું. બધાને વીસ- પચ્ચીસ આંતરસ ઊપડી.
“રામાયણ? ચંપા તું?… કાગડાના સૉરી સૉરી કાગડીના મોઢામાં ગંગાજળ? આટલો સુંદર અને પવિત્ર વિચાર તને આવ્યો ક્યાંથી? ચંબુએ જ પૂછયું.
“ક્યાંથી એટલે, મગજ સિવાય બીજી કોઈ જગા છે, જ્યાં વિચાર પ્રગટે.
“હા, હવે. પણ તારા સ્વભાવ પ્રમાણે રામાયણ નઈ રાવણાય બેસાડાય.
“અરે રામાયણ બેસાડવી કે નઈ એ માટે કેટલાક દિવસથી રામાયણ ચાલે છે.
અરે આપણા વિચારો મળતા નથી ને તમે કાંઈ મારું માનતા નથી એટલે મે માનતા માની કે બધું બરાબર થઈ જાય અગર શ્રાવણમાં સોસાયટીના સભ્યોને રામાયણ શ્રવણ કરાવવી. મન પવિત્ર થાય કે ન થાય કાન તો પવિત્ર થાય, મારું માનો…
“અરે પણ શ્રાવણ શંકરની સીઝન છે. ને રામની કથા? આ મારું બેટું કેવું? ચંબુ બોલ્યો.
“અરે તમે થોડું સમજો. ચંપા બોલી. ભગવાનોની દુનિયામાં આપણા જેવું નથી. એ લોકોમાં તો ‘હમ સબ એક હૈ’, “નો ભાગલા, રામ હોય કે શ્યામ, મહાવીર હોય કે મહાદેવ.
“લાવી મારી ચંપા, તું સોલીડ લોજિક લાવી, એગ્રી? પણ આ ભગવાનની સીઝનમાં સારો અને સાચો જાણકાર કથાકાર મળવો તો જોઈએ ને, એને ક્યાં શોધશું?
અરે મળશે એ કંઈ ભગવાન થોડો છે કે ન મળે. સાલુ પેલો ગાયક પરેશ બદાણી મંંદિરમાં ઘાંટા પાડી પાડીને થાકી ગયો કે દર્શન દેજો નાથ. પણ દેખાયો? અરે લોકો ભક્તો ચારધાર યાત્રાની મજૂરી કરી કરી તૂટી ગયા. કેટલું ભટક્યા, રખડ્યા પણ આ બધું માથે પડે છે. અને એ કહેવાતો ભગવાન પણ જીદ લઈને બેઠો છે કે જ્યાં સુધી ઉપર નઈ આવો ત્યાં સુધી તો નઈ મળું. એને મળવા આપણે મરવાનું? ખેર એ ભલે ન મળે આપણે તો કથાકારને શોધવા ગૂગલમાં સર્ચ કરીએ…
“યસ, આઈ ગોટ ઈટ. અરે ચંબુજી કોઈ અસત્યનારાયણ શાસ્ત્રી મળ્યા છે. એમનો બાયોડેટા મજબૂત છે. ચંપા બોલી, “આપણે એમને બોલાવીએ, નામ ઉજળું છે.
“તંબુરો ઉજળું? આઈ નો હીમ. ચંબુ બોલ્યો. “ધ્યાનથી સાંભળ. એ અસત્યનારાયણને બોલાવવા કરતાં જેલમાંથી નારાયણ (સન ઓફ આશારામ)ને બોલાવીએ, મંદિરમાં માથા પછાડી કરગરીને નારાયણ (વિષ્ણુ)ને બોલાવીશ, મન નઈ માને તો ફૂટપાથ પરથી કોઈ ગરીબ દરીદ્રનારાયણને બોલાવીશ પણ યાદ રાખ. અસત્યનારાયણને નઈ, નઈ ને નઈ જ. કોઈ નઈ મળે તો હું પોતે જાતે…
“અરે આવી જીદ કેમ કરો છો? ઓળખો છો? તમારું કંઈ બગાડ્યું છે?
“હું નઈ આખી સોસાયટી ઓળખે છે, મારી ચંપાકલી, આ અસત્યનારાયણની પોતાની સગી બાયડીને બાજુવાળો ચંપક ત્રણ વાર રાવણ બની ઉપાડી ગયો ને એને માફક ન આવે તો પાછો મૂકી ગયો. એ ઉપાડી જાય ત્યારે એ અસત્યનારાયણને જૂની ઉધારી ચુકવાઈ ગઈ એટલે આનંદ થતો, પણ માંડ જરા રીલેક્સ થતો ને પેલી કેરમની કુુકરીની જેમ સામે અથડાઈને પાછી ફરે એમ પાછી ફરતી ને પાછો અસત્યનારાયણ ચંપકની ઉપાડવાની રાહ જોતો. આમા વારંવાર પોતાની બાયડીના અપહરણ થાય એ કેમ ચાલે?
“અરે મેરે પથ્થર કે સનમ, આ જ ચાલે. ચાલે નઈ દોડે. એ જ તો એનો અનુભવ છે. એ અનુભવ રામાયણ- વાંચનમાં સીતાના અપહરણ વખતે કામે લગાડશે. અરે એ એવી રામાયણ વાંચશે કે…
“કંકોડામાંથી વાંચશે?
“અરે કંકોડામાંથી વાંચશો? કંકોડામાંથી નઈ, કંકોડાનો ભાવ સાંભળ્યો છે? મોંઘા છે. એ રામાયણ ગ્રંથમાંથી જ વાંચશે. અને જો જો તો ખરા એ આવી રામાયણ બેસાડશે કે આપણને ઊભા થવાનું મન જ ન થાય…
“ઊભા થવાનું નઈ, ગાદલામાં બધાને સુઈ જવાનું મન થશે. તું બીજો કાંઈ…
“અરે મેરે ગોરધન, શ્રાવણની સીઝન છે, બીજો કોઈ ન મળે તો લબડી જવાય. જરા સમજો. ન મામા કરતાં કાણો મામો સારો…. બોલો અસત્યનારાયણ શાસ્ત્રીની જય…
“ચંપા.ંચંબુ બોલ્યો, “તું સત્ય બોલ. તું અસત્યનારાયણને ચાહે છે કે મને? છતાં મારે તારી સામે જીતવું નથી. પણ તારી સાથે જીવવું છે. એટલે ફોન કરું છું.
“હલ્લો, અસત્યનારાયણ?
“જી બોલું છું.
“માત્ર જી નઈ તમે આખી એબીસીડી બોલતા હશો. પણ હમણાં માત્ર સાંભળો. અમારી ‘સ્મશાન સદન’ સોસાયટીમાં તમારી રામાયણ બેસાડવી છે. તો…
“વન મિનિટ. હમણાં રામાયણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (રામનાથ) યુગ પૂરો થયો ને મહાભારત (દ્રૌપદી- હાલના રાષ્ટ્રપતિ) યુગ ચાલુ થયો, તો મહાભારત બેસાડો તો…
“ભઈલા, આ ઘરમાં મહાભારત ચાલે છે. એ બંધ કરવા તો રામાયણ બેસાડવી છે ને?
“ઓકે. મને શું વાંધો, હું તો કલ્પસૂત્ર, કુરાન કે બાઈબલ પણ વાંચુ છું. મારું તો આજ કામ છે. છતાં કાલે મળવા આવું છું. એટલે વાત કરીએ.
મિત્રો, એને મળ્યા પછી શું થયું એ આવતા મંગળવારે મળીશ એટલે કહીશ ત્યાં સુધી અ-લ-વિ-દા….
શું કહો છો?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.