(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિતના વિસ્તારમાં ચાર-પાંચ દિવસથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં રહેલી ધૂળ અને રજકરણ નીચે બેસી જતા મુંબઈનું આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. મંગળવારે મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૭૭ જેટલો નીચો નોંધાયો હતો. નવા વર્ષમાં પહેલી વખત ‘એક્યુઆઈ ’ સારી શ્રેણીમાં નોંધાયો છે. નવી મુંબઈમાં પણ એક્યુઆઈ ૬૫ જેટલો નોંધાયો હતો.
મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે નોંધાઈ રહ્યું છે. પ્રદૂષણને મામલે મુંબઈએ દિલ્હીને પણ પાછળ મૂકી દીધું હતું. પ્રદૂષણનું સ્તર જોખમી હદે વધવાને કારણે નાગરિકોમાં શ્ર્વાસોશ્ર્વાસને લગતી બીમારીનો ભોગ બન્યા છે. જોકે છેક ચાર મહિના બાદ મુંબઈમાં હવાની ગુણવત્તા સુધરી હતી.
સિસ્ટમ ઑફ ઍર ક્વોલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટિંગ ઍન્ડ રિસર્ચ (સફર) ડેશબોર્ડ મુજબ સોમવારે મુંબઈનો એક્યુઆઈ ૮૯ નોંધાયા બાદ મંગળવારે સતત બીજા દિવસે એક્યુઆઈ ૭૭ જેટલો નીચો નોંધાયો હતો. ૨૦૨૩ની સાલમાં પહેલી વખત મુંબઈનો એક્યુઆઈ આટલો નીચો નોંધાયો છે. આ અગાઉ મુંબઈમાં ૨૯ નવેમ્બરના એક્યુઆઈ ૪૯ નોંધાયો હતો.
મંગળવારે ‘સફર’ના ડેશબોર્ડ મુજબ કોલાબામાં એક્યુઆઈ ૮૯, મઝગાંવમાં ૭૬, વરલીમાં ૭૨, અંધેરીમાં ૬૩, ભાંડુપમાં ૫૩, મલાડમાં ૬૬ અને બોરીવલીમાં ૮૬ નોંધાયો હતો.
ઍન્વાયરમેન્ટાલિસ્ટના કહેવા મુજબ વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે મુંબઈની હવા ચોખ્ખી થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત તેના આજુબાજુના વિસ્તારમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે. તેને કારણે વાતાવરણમાં રહેલી ધૂળ અને રજકરણો નીચે બેસી ગઈ છે. તેથી વાતાવરણ ચોખ્ખું થઈ જતા ઍક્યુઆઈ સારો નોંધાઈ રહ્યો છે. મુંબઈ સહિત રાજ્યમાં હજી ત્રણ-ચાર દિવસ આવું જ વાતાવરણ રહેવાનું હોવાથી મુંબઈનું વાતાવરણ પણ ચોખ્ખું રહેવાની શક્યતા છે.