જે વચન, જે વિચાર અને જે કર્મથી આપણી પડતી થાય તે વિચાર, વચન અને કર્મ પાપ છે

ધર્મતેજ

માનસ મંથન -મોરારિબાપુ

‘મહાભારત’નો સાર કહે છે કે આપણા પતનનું એક કારણ છે, પાપકર્મ. પાપ કોને કહેવાય ? ‘રામચરિતમાનસ’ના ‘અયોધ્યાકાંડ’માં જાઓ તો ભરતે કેટલાં બધા પાપોનું લીસ્ટ આપ્યું છે ! જે વચનથી, કે કરમથી, જે વિચારથી આપણી પવિત્રતા, પ્રસન્નતાની પડતી થવા લાગે તો તે વિચાર, તે વચન, તે કરમ પાપ છે. મારી વ્યાસપીઠ બીજી કોઈ લાંબી વ્યાખ્યામાં જવા નથી માગતી. કેમ કે આખરે જીવને જોઈએ શું ? પ્રસન્નતા આપણો જન્મસિદ્ધ
અધિકાર છે. સંસારી લોકો ક્યારેક કોઈ સમયે કોઈ ને કોઈ રૂપમાં પ્રસન્ન થાય છે, ત્યારે ચેતનાનો પ્રવેશ
થાય છે.
બીજું, અભિમાનથી પતન થાય છે. આપણા ભજનિકોએ ગાયું છે-
ગરવ કિયો સોઈ નર હાર્યો…
તો, ગર્વ કરવા જેવું આપણામાં કંઈ છે પણ નહીં ! નિરંતર ઉન્નતિ થતી હોય, તો સમજવું કે તમારો ગર્વ ગુરુકૃપાથી ઓછો થતો જાય છે. એ પ્રમાણ છે. આપણે રોજ આનંદ કરીએ, તો સમજવું કે ગર્વ શૂન્ય થતો જાય છે. અભિમાન પતનનું કારણ બની શકે છે.
ત્રીજું, સ્વાર્થમાં અંધ બનીને વારંવાર કરાતી ભૂલ આપણા પતનનું કારણ છે. ભૂલ એ પતનનું કારણ છે. કોઈનો અતિશય વિશ્ર્વાસ કરવાથી પતન શરૂ થઇ જાય છે. ગુરુ અને ઈશ્ર્વર સિવાય કોઈ પર અતિશય વિશ્ર્વાસ કરવો નહીં. પરમ વિશ્ર્વાસ કરવાનું એકમાત્ર ઠેકાણું છે ગુરુદ્વાર, ઈષ્ટઆશ્રમ. શું તમે વિશ્ર્વાસમાં ક્યારેય ધોખા નથી ખાધા ? અતિશય વિશ્ર્વાસ પણ પતનનું કારણ થાય છે. તો બાપ, કાં તો વિશ્ર્વાસઘાત અથવા તો વધુ પડતો વિશ્ર્વાસ પતનનું કારણ બની શકે છે.
કુસંગ, સોબત, કંપની આપણા પતનનું કારણ બની શકે છે. એટલા માટે સત્સંગનો મહિમા છે. ઉપાસના કરનારી એક મહાન મહિલા ભગવતી કૈકેયી, મંથરાના કુસંગને કારણે એની ઉપાસના ક્યારે છૂટી ગઈ તે ખબર ન પડી ! અને પછી વાસનાએ ઉપાસનાનું સ્થાન ગ્રહણ કરી લીધું ! કારણ કુસંગ. આ જગતમાં કુસંગથી કોનું પતન નથી થયું ?
એક પ્રશ્ર્ન આવ્યો છે, “આટલો બધો આતંક શા માટે છે ? ક્યારેક જવાળામુખી, ક્યારેક સુનામી, ક્યારેક આ, ક્યારેક તે, એક એક્સિડન્ટમાં કેટલાં બધાં મરી જાય છે ! ભલા પણ મરે છે અને બુરા પણ મરે છે, એ શું છે ? આજ-કાલ જગતનું આવું રુદ્ર રૂપ શા માટે છે? ઐલ નામનો માણસ કશ્યપને ‘મહાભારત’માં પૂછે છે કે, અમને બતાવો કે આવું શા માટે થાય છે ? મહર્ષિ કશ્યપે કહ્યું, “ઐલ, આ રુદ્રતા બાહ્ય નથી હોતી, પ્રત્યેક વ્યક્તિમાં પોતાની અંદર રુદ્રતા હોય છે એક ભીષણતા, એક રૌદ્ર રુપ આપણા સૌની ભીતર છે. એને આપણે ક્યારેક ક્યારેક બુદ્ધિપૂર્વક છુપાવીએ છીએ. આપણી વિકૃતિઓ, વાસનાઓ અંદર બેઠી છે.
તો ઐલે પૂછ્યું, ‘ઠીક છે, અંદર એવી વિકૃતિઓ છે એને કારણે આ ભૂકંપ, આ રદ્રતા ચાલે છે, પરંતુ પુણ્યાત્મા છે, જે સારા માણસો છે, એ શા માટે મરે છે ?’ ‘મહાભારતકાર’ બહુ મજાનું સમાધાન આપે છે; કહે છે, ‘પુણ્યશાળીનો દોષ નથી, પરંતુ પુણ્યશાળીએ પાપાત્માનો સંગ કર્યો, એટલે તે સંગને કારણે એણે ભોગવવું પડે છે.’ તો, કુસંગથી બચો. કુસંગ પતનનું કારણ છે. આપણે એટલી બધી ઊંચાઈ પર નથી કે કોઈના કુસંગમાં રહીએ અને છતાં એનાથી લિપ્ત ન થઇ જઈએ. કોઈ ફકીર, કોઈ સંત, કોઈ ઓલિયા, જે સ્પેસમાં ચાલ્યા ગયા છે, એમને કોઈ પકડી નથી શકતું. નથી એ કોઈને વશ કરતા કે નથી કોઈના વશમાં એ આવતા. ગુરુ કોણ ? ધ્યાન દેજો, એ કોઈને વશ નહીં કરે. વ
શીકરણ ગુરુનો મામલો નથી, મદારીઓનો મામલો છે. એ સદ્ગુરુની આંખોની કરિશ્મા નથી. ગુરુ દ્વંદ્વથી મુક્ત હોય છે. તે કોઈના સંગમાં પણ અલિપ્ત, જળકમળવત્ રહી શકે છે. આપણે જીવ છીએ, આપણે એ નથી કરી શકતા. એટલા માટે આપણે સત્સંગથી પ્રાપ્ત વિવેકથી સમજી-વિચારીને સંગ કરીએ.
બાપ, ઉપાસના કરતી એક મહિલા ચેતના ભગવતી કૈકેયી કુસંગમાં આવી ગઈ અને એનામાં ઉપાસનાને સ્થાને વાસના પ્રગટ થઇ ગઈ. દશરથ જઈને જુએ છે તો કૈકેયી કોપભવનમાં ફાટેલાં વસ્ત્રો પહેરીને જાણે કે સૌભાગ્ય ચિન્હ ફેંકી દઈને અકારણ પડી ગઈ છે ! દશરથ સ્નેહાતુર છે અને થોડાં કામકૌતુક પણ છે અને પ્રશ્ર્ન કરે છે ‘પ્ળણરુપ્ર ઇંજ્ઞરુવ વજ્ઞટૂ ફિલળટિ’ હે રાણી, તું શું કામ રિસાઈ ? જરા હાથથી સ્પર્શ કર્યો ત્યાં રાજાના હાથને ધક્કો દઈ દે છે ! તુલસીદાસ ઉપમા આપે છે કે જેમ સર્પિણીને ભૂખ લાગે છે ત્યારે તે પોતાનાં ઈંડાં ખાઈ જાય છે એવી સ્થિતિ છે ! આજે એ ભરત, રામ, સૌને દુ:ખ દેવા તૈયાર થઇ છે. અને સૌથી મોટી ભૂખ છે માણસની અંદર રહેલી વાસના. એ બંને વાસના એ એની જીભ છે.
વાસના જ પાંચ વસ્તુ પેદા કરે છે અને ‘મહાભારત’કાર કહે છે, એ પાંચ વસ્તુથી માણસનું પતન થાય છે. ક્યારેક અભિમાન, ક્યારેક પાપ, ક્યારેક કુસંગ, ક્યારેક નાની-મોટી ભૂલો, વધુ પડતો વિશ્ર્વાસ અને કરવામાં આવેલો વિશ્ર્વાસઘાત પતનનું કારણ બની શકે છે. આ બધું કેન્દ્રમાં, મૂળમાં આવી જાય છે અને આપણું પતન થાય છે. આપણું જે પતન થાય છે એની પાછળનો મર્મ શું છે ? ‘મરમ’ નું કેન્દ્રબિંદુ વાસના છે. અને મર્મ એટલે મતલબ પણ થાય છે. અને એટલે આપણી ગંગાસતી બોલ્યા છે-
અભિયાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને
નહિ રહેવું ભેદવાદીની સાથ રે;
કાયમ રે’વું એકાંતમાં ને,
માથે સદ્ગુરુનો હાથ રે;
ભાઈ રે ! મેળો મંડપ કરવાં
નહિ ને,
ઈ છે અધૂરિયાનાં કામ રે,
ગંગાસતી એમ બોલિયાને,
ભાળવા હોય પરિપૂરણ રામ રે…
તો, સત્સંગ કરીએ. ભવિષ્ય આપણા હાથમાં છે, શું કામ રડીએ ? ભૂતકાળ ગયો, એ ગયો. મારો ગોળી. અહીં જેસલ પીર બની શકે છે, અહીં મોટા મોટા પાપી પુણ્યાત્મા થઇ શકે છે, તો તમે તો કથા સાંભળો છો ? બાપ ! તમે કયું પાપ કર્યું ? ભગવાનની કથામાં તમારી રુચિ, તમારો પ્રેમ છે.
ભવિષ્ય તમારા હાથમાં છે. શાસ્ત્રના આધાર પર હું બોલી રહ્યો છું, એટલા માટે સમયનો સદુપયોગ કરો. એટલે હું કહું છું કે તમારી પાસે જે સમય બચે, એને મહત્ત્વનો ગણી કથામાં વિતાવો.
સત્સંગ કરતાં કરતાં માણસ પાકી જાય તો નિતાંત એકાંત પ્રાપ્ત કરી લે, કોઈની સાથે એને દ્વેષ નહિ, રાગ નહીં, અમૈત્રી હોઈ જ ન શકે. આખરે તો એકાંતમાં જ જવાનું છે ને ? આપણે ઉન્નત છીએ એનું તો કારણ છે કોઈની કૃપા. જે પણ ઊંચાઈ આપણને મળે, તે રામની દેન છે, રામની કૃપા છે.
સંકલન : જયદેવ માંકડ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.