ભારતીય લોકોના રોજિંદા આહારમાં દાળનો ઉપયોગ થતો હોય છે. તુવેર અને અડદની દાળના સતત વધતા ભાવને લીધે લોકો પરેશાન છે, જેના પગલે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. તુવેર અને અડદની દાળના કાળાબજાર મામલે ગ્રાહક બાબતોના મંત્રાલયની એક ટીમે દેશના 4 રાજ્યોમાં 10 સ્થળોની મુલાકાત લીધી હતી. ટીમને ગોડાઉનમાં તુવેર અને અડદની દાળનો મોટો સ્ટોક મળ્યો છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા રચાયેલી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન બાદ આગામી દિવસોમાં તુવેર અને અડદની દાળના ભાવમાં થોડો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.
ગયા મહિને જ કેન્દ્ર સરકારે તુવેર દાળના સ્ટોક પર દેખરેખ રાખવા અને સંગ્રહખોરો સામે કડક પગલા લેવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો હતો. સરકારને માહિતી મળી હતી કે પર્યાપ્ત માત્રામાં દેશમાં તુવેર દાળ ઉપલબ્ધ હોવા છતાં આ સ્ટોક બજારમાં પહોંચાડવામાં આવી રહ્યો નથી. સંગ્રહખોરો દ્વારા બજારમાં તુવેર દાળની અછત ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંગ્રહખોરોને કારણે તુવેર દાળના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
સરકારી અધિકારીઓની ટીમે ઈન્દોર, ચેન્નાઈ, સાલેમ, મુંબઈ, અકોલા, લાતુર, સોલાપુર, કલબુર્ગી, જબલપુર અને કટની જેવા સ્થળોએ દરોડા પાડી તુવેર અને અડદની દાળનું સ્ટોક વેરિફિકેશન હાથ ધર્યું હતું. ટૂંક સમયમાં તેઓ સ્ટોક ડિક્લેરેશન જારી કરશે.
સરકારના આ બંને દાળના ભાવ ઘટાડવા માટેના અભિયાન બાદ આશા રાખીએ કે લોકોને યોગ્ય ભાવે તુવેર અને અડદની દાળ મળી રહે.