પ્રકાશ પિક્ચર ખુદ જ સુપરહિટ ફોર્મ્યુલા હતું…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

વિજય જગનેશ્ર્વર ભટ્ટ મૂળ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામમાં જન્મીને મુંબઈ પહોંચી ગયા અને ઝેવિયર કોલેજમાં સાયન્સ ભણ્યા. ભણીને બોમ્બે ઇલેક્ટ્રિક ટ્રામમાં નોકરી કરતા અને પોતાના શોખથી ફિલ્મ માટે વાર્તાઓ લખતા. એક વખત પ્રથમ બોલતી ફિલ્મ બનાવનાર અરદેશર ઈરાની સાથે મુલાકાત થઈ અને એમણે એમની લખેલી વાર્તાઓ ઈરાનીને બતાવી અને ઈરાની એમને ફિલ્મલાઈનમાં લઈ ગયા. એક અયુબ હુસેન નામના પ્રોડ્યુસરને એમની વાર્તા ગમી ગઈ અને મૂંગી ફિલ્મ બનાવવાથી શરૂઆત કરી હિન્દી ફિલ્મજગતમાં અને વિજય ભટ્ટ નામથી જાણીતા બન્યા.
લગભગ ૫૦ ઉપરાંત ફિલ્મો બનાવી, એમના મોટા ભાઈ શંકર ભટ્ટ પણ એમની સાથે જ ફિલ્મલાઈનમાં હતા. આગળ જતાં પ્રકાશ પિક્ચર નામની કંપની બનાવી અને અંધેરીમાં પ્રકાશ સ્ટુડિયો ઊભો કર્યો અને ફિલ્મજગતમાં પ્રથમ હરોળમાં વટથી બિરાજનાર બન્યા.
વિજય ભટ્ટે બનાવેલી ફિલ્મ ‘રામ રાજ્ય’ મહાત્મા ગાંધીએ જોયેલી એકમાત્ર ફિલ્મ તરીકે ઈતિહાસમાં અમર થઈ ગઈ અને વિજય ભટ્યનું નામ પણ. પ્રકાશ પિક્ચરના નેજા હેઠળ બનેલી બ્લોકબસ્ટર મ્યુઝિકલ ફિલ્મ ‘બૈજુ બાવરા’ મુંબઈમાં ૧૦૦ અઠવાડિયાં ચાલનારી ફિલ્મ હતી. ‘બૈજુ બાવરા’ ફિલ્મ માટે સૌપ્રથમ દિલીપ કુમારને મુખ્ય ભૂમિકામાં વિજયભાઈએ વિચારેલો અને એ માટે એમના માણસે દિલીપ કુમારને ફોન કર્યો કે ‘પ્રકાશ પિક્ચર એમને એક ફિલ્મમાં ભૂમિકા આપવા માગે છે તો તમે પ્રકાશ સ્ટુડિયોમાં વિજયભાઈને મળવા આવો.’ દિલીપ કુમાર એ વખતે કોઈ ફિલ્મનું શૂટિંગ લોનાવલામાં કરતા હતા એટલે એમણે જવાબમાં કહ્યું કે ‘હું અત્યારે લોનાવલામાં શૂટિંગ પર જાઉં છું, વિજયભાઈ મને લોનાવલા આવીને મળી જાય.’ આ જવાબ જ્યારે માણસે વિજયભાઈને સંભળાવ્યો ત્યારે મોટા ભાઈ શંકર ભટ્ટ હાજર હતા અને એમનો મિજાજ બાર ખાંડીનો હતો એટલે આ જવાબથી એકદમ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ‘વિજય, આપણી ફિલ્મમાં હવે દિલીપ કુમાર ન જ જોઈએ. આપણે પ્રકાશ પિક્ચરના નામે ફિલ્મ બનાવીને વેચીએ છીએ અને એ નામ આપણે કમાયેલું છે, આપણે બીજા કોઈ પણને લઈને હિટ ફિલ્મ બનાવીશું.’ એ પછી ભારત ભૂષણને મુખ્ય ભૂમિકામાં લઈને બ્લોકબસ્ટર ‘બૈજુ બાવરા’ પ્રકાશ પિક્ચરે બનાવી અને શંકરભાઈના બોલને સાર્થક કર્યા. મીના કુમારીને પોતાની ફિલ્મ ‘લેધર ફેસ’માં બાળકલાકાર તરીકે ચમકાવનાર પણ આ વિજય ભટ્ટ હતા.
વિજયભાઈ અને શંકરભાઈને યોગ્ય રીતે જ પોતાની ફિલ્મ કંપની વિશે ખૂબ ગૌરવ હતું. તેઓ માનતા કે પ્રકાશ પિક્ચરમાં કામ કરવાથી કલાકાર, કસબીઓની આબરૂ વધે છે. કોઈ કલાકાર, કસબી પ્રકાશ માટે અનિવાર્ય નથી, નથી અને નથી. આ વિચારને કારણે એમણે પ્રકાશ પિક્ચરની કોઈ કાયમી ટીમ બનાવી જ નહીં. દરેક ફિલ્મમાં એમને જે યોગ્ય જણાય એમને જ લીધા. ‘બૈજુ બાવરા’ના સંગીતની ભવ્ય સફળતા છતાં પણ નવી ફિલ્મ ‘ગુંજ ઉઠી શહનાઈ’ બનાવી એમાં નૌશાદને ન લીધા અને એ ફિલ્મનું સંગીત વસંત દેસાઈને સોંપ્યું અને બિસ્મિલ્લાખાન પાસે શહનાઈ વગડાવી અને એ ફિલ્મ પણ સુપરહિટ રહી. એ પછીની ફિલ્મમાં વસંત દેસાઈને ન લીધા અને સંગીત શંકર-જયકિશનને સોંપ્યું અને સુપરહિટ ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’ બનાવી અને ત્યાર પછીની ફિલ્મ ‘હિમાલય કી ગોદ મેં’માં કલ્યાણજી-આનંદજી સાથે કામ કર્યું અને વળી એક સુપરહિટ!
વિજય ભટ્ટના દીકરા અરુણ ભટ્ટ અને પ્રવીણ ભટ્ટે પણ ફિલ્મજગતમાં જ કારકિર્દી બનાવી. અરુણ ભટ્ટે ઘણી ફિલ્મો બનાવી અને હાલમાં વિક્રમ ભટ્ટ ફિલ્મો બનાવે છે. વિજય ભટ્ટ અને પાલિતાણાનું આ ભટ્ટ કુટુંબ હિન્દી ફિલ્મોમાં વિશાળ પ્રદાન કરીને પોતાનું નામ અને પ્રકાશ પિક્ચર કંપનીનું નામ ફિલ્મોના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાવી ગયું છે. આ પરિવાર સાથે નાનાભાઈ ભટ્ટ, મહેશ ભટ્ટને કોઈ સંબંધ નથી. હા, નાનાભાઈ જ્યારે મુંબઈ આવ્યા પોતાનું વતન પોરબંદર છોડીને ત્યારે એમણે એમની કારકિર્દીની શરૂઆત પ્રકાશ કંપનીમાં જોડાઈને કરેલી, કારણ કે એમના મોટા ભાઈ બળવંત ભટ્ટ પ્રકાશ પિક્ચરમાં જ નોકરી કરતા હતા અને એમણે પોતાના ભાઈને નોકરી અપાવી. નાનાભાઈ નામ પણ એટલે જ પડ્યું કે બળવંતભાઈનો નાનો ભાઈ! બાકી નાનાભાઈનું અસલ નામ યશવંત હતું!
આ ભટ્ટ પરિવારમાં ફિલ્મજગતમાં આજે પણ જોડાયેલા લોકો છે, પણ એ બધામાં શિરમોર તો વિજય ભટ્ટ જ હતા, છે અને જ્યાં સુધી હિંદી ફિલ્મો બનતી રહેશે ત્યાં સુધી રહેશે, હોં સાહેબ…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.